કલ્પના કરો, માત્ર 70 રૂ. જેવી મામૂલી રકમ માટે કોઈ વ્યક્તિનો જીવ લઈ લેવામાં આવે તો? પહેલીવારમાં માન્યામાં ન આવે તેવી આ બાબત યુપીના અલીગઢમાં એક વર્ષ પહેલા બની હતી. અહીં એક દલિત યુવકને બે સગાભાઈઓએ માત્ર 70 રૂપિયા માટે થઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે હવે કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની આકરી સજા ફટકારી છે. એટલું જ નહીં કોર્ટે તેમને રૂ. 55-55 હજારનો દંડ પણ ફટકાર્યો છે. આ કેસમાં કોર્ટે ચાર આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યા હતા.
જૂન 2020ની ઘટના
મામલો 5 જૂન, 2020 નો છે. ગોંડાના સરકોરિયા ગામે 26 વર્ષીય મનોજ જાટવ તેના પિતરાઈ ભાઈ સાથે ગામની એક દુકાને ગયો હતો. દુકાનદારે 70 રૂપિયાની બાકી રકમ માંગી હતી, જેના કારણે ઝઘડો થયો હતો. એ પછી આરોપી વીરેન્દ્ર સિંહ અને હોશિયાર સિંહ તેના સાગરિતો સાથે મનોજના ઘરે પહોંચ્યા હતા અને તેના પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં મનોજનું મોત થયું હતું, જ્યારે તેના કાકા અરુણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: ‘તું નીચી જાતિનો છે, તમારું દૂધ શીવજીને ન ચઢાવાય, અભડાઈ જાય!’
એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ કેસ થયો હતો
પોલીસે આ કેસમાં છ લોકો સામે હત્યા, રમખાણો, ગેરકાયદેસર મંડળી રચવી, હત્યાનો પ્રયાસ, મહિલાની મર્યાદા ભંગ કરવી, ગુનાઇત કાવતરું રચવું સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. ઉપરાંત, આર્મ્સ એક્ટ અને SC/ST એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન, પુરાવાના અભાવે ચાર આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ વીરેન્દ્ર અને હોશિયારને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ચુકાદો જાહેર થતાં જ પોલીસે બંનેને કસ્ટડીમાં લઈ જેલ ધકેલી દીધા હતા.
એ દિવસે શું બન્યું હતું?
ખાસ સરકારી વકીલ ચમન પ્રકાશ શર્માના જણાવ્યા પ્રમાણે, ગોંડા પોલીસ સ્ટેશન વિસ્તારના સરકોરિયા ગામના રહેવાસી રામબાબુએ કેસ દાખલ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે 5 જૂન, 2022 ના રોજ સંબંધીઓ ઘરે આવ્યા હતા. તેમનો ભત્રીજો અરુણ સિગારેટ વગેરે ખરીદવા માટે તે વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાને ગયો હતો. ત્યાં 70 રૂપિયાના ઉધારને લઈને ઝઘડો થતા તેને માર મારવામાં આવ્યો હતો. એ ઘટનામાં દરમિયાનગીરી કરવા ગયેલા રામબાબુના પુત્ર મનોજને પણ માર મારવામાં આવ્યો હતો.
સમાધાન થયાના એક કલાક બાદ ગોળીબાર કર્યો
જેમતેમ કરીને ઝઘડો શાંત કરાયો હતો. તેના એક કલાક પછી સાંજે 7.30 વાગ્યે, મનોજ અને અરુણ ઘરની સામે ઉભા હતા. એ દરમિયાન ગામના વીરેન્દ્ર, યશપાલ, અજય, પંકજ, હોશિયાર સિંહ, ટિંકલે આવીને ફરીથી હુમલો અને ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં મનોજનું ગોળી વાગવાથી મોત થયું હતું અને અરુણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે તમામ છ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે હોશિયાર અને વીરેન્દ્રને દોષિત ઠેરવતો ચુકાદો સંભળાવી આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે બાકીના ચારને નિર્દોષ છોડી મૂકાયા છે.
આ પણ વાંચો: જૂનાગઢના કાથરોટામાં દલિત યુવકની જાતિ પૂછી જીવલેણ હુમલો