પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમાંથી એક ખૌફનાક ઘટના સામે આવી છે. અહીં પડોશી ભરત આહીરના પ્રેમમાં પાગલ થયેલી ગીતા આહીર નામની યુવતીએ પોતાનો પ્રેમ પામવા માટે એક નિર્દોષ દલિત વૃદ્ધને પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દીધા હતા. ગીતા આહીર અને પડોશી યુવક ભરત આહીર વચ્ચે પ્રેમસંબંધ હતો. ગીતા પરિણીત હોવા છતાં તેને ખેતરમાં મજૂરી કામે જતી વખતે ભરત આહીર સાથે આંખ મળી ગઈ હતી. આથી બંનેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું. જો કે ગીતાને શંકા હતી કે, જો તે ભાગી જશે તો તેનો પરિવાર તેને શોધી કાઢશે. આથી તેમણે એક દલિત વૃદ્ધને શોધી કાઢી તેમને બેભાન કરી, તેની લાશને ગીતાના કપડાં પહેરાવી પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. જેથી તેના પરિવારજનોને એમ લાગે કે આ લાશ ગીતાની છે અને તે સળગીને મરી ગઈ છે. જોકે દલિત વૃદ્ધની લાશ અર્ધબળેલી હાલતમાં રહેતાં બંનેના પ્લાનનો ભાંડો ફૂટી ગયો હતો.
જાખોત્રાના ભરત આહીર અને ગીતા આહીરનો ખતરનાક પ્લાન
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમાંથી એક અર્ધ બળેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પહેલી નજરે જ બનાવ હત્યાનો હોવાની શક્યતા સેવાઈ હતી. બીજી તરફ જેમના વાડામાંથી આ લાશ મળી હતી તે ગામના સુરેશ આહીરની 22 વર્ષની પત્ની ગીતા આહીર ગુમ થઈ હતી. તેની શોધખોળ ચાલી રહી હતી અને ત્યાં આ લાશ મળી હતી. લાશે ગીતા આહીરનો કેસરી કલરનો ચણિયો અને ચાંદીની ઝાંઝરી પહેરી હતી. જેના આધારે તે ગીતા આહીરની હોવાનો અંદાજ લગાવાયો હતો.


લાશ સ્ત્રીની નહીં પરંતુ પુરૂષની હોવાનું ખૂલ્યું
સુરેશ આહીરના વાડામાંથી મળેલી લાશ અર્ધબળેલી હતી અને પોસ્ટમોર્ટમ માટે મોકલતા તે સ્ત્રીની નહીં પરંતુ કોઈ અજાણ્યા પુરુષની હોવાનું સામે આવ્યું હતું. એ બાદ પોલીસે તપાસ હાથ ધરતાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા હતા. પોલીસની તપાસમાં આ લાશ દલિત સમાજમાંથી આવતા હરજીભાઈ દેવાભાઈ સોલંકીની હોવાનું ખૂલ્યું હતું અને કોઈ અજાણ્યા શખ્સે તેમનું ગળું દબાવી બેભાન કરી અને બાદમાં લાશને સળગાવી દીધી હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતા મૃતક હરજીભાઈ સોલંકીના ભાઈએ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સાબરકાંઠામાં નકલી ST સર્ટિ પર એક જ પરિવારના ૩ લોકોએ સરકારી નોકરી મેળવી

ગીતા અને ભરત આહીરે નિર્દોષ હરજીભાઈનો ભોગ લીધો
પાટણ જિલ્લા પોલીસવડા વી.કે. નાઈના જણાવ્યા પ્રમાણે મંગળવારે વહેલી સવારે સુરેશ આહીરના ઘરની પાસે વાડામાં એક અર્ધ બળેલી લાશ મળી આવી હતી અને લાશને મહિલાનાં કપડાં પહેરાવેલાં હતાં. પોલીસે તપાસ કરતાં આ લાશ પુરુષની હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ સુરેશ આહીરની પત્ની ગીતા આહીર ગુમ થઈ હતી. મળી આવેલી લાશે ગીતાના કપડા અને ઝાંઝરી પહેરેલી હોવાથી પહેલી નજરે લાશ ગીતાની હોવાનું અનુમાન લગાવાયું હતું. જો કે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ ચેક કરતા તે લાશ કોઈ પુરૂષની હોવાનું ખૂલ્યું હતું.

મૃતક હરજીભાઈ સોલંકી રખડતું ભટકતું જીવન ગુજારતા હતા
દરમિયાન પોલીસે વધુ ઊંડી તપાસ કરતા તેને જાણકારી મળી હતી કે ગીતા આહીરને તેની પાડોશમાં રહેતા ભરત આહીર સાથે પ્રેમસંબંધ હતો. છેલ્લા ત્રણ મહિનાથી બન્ને સાથે મજૂરી કરતાં હતાં અને પ્રેમમાં પડ્યાં હતાં અને બંનેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું. બંનેને પાલનપુર રેલવે સ્ટેશનથી ઝડપી લેવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ જે અજાણી લાશ મળી હતી એ અંગે પણ પોલીસે તપાસ કરતાં તે રખડતું ભટકતું જીવન ગુજારતા દલિત વૃદ્ધ હરજીભાઈ સોલંકીની હોવાનું સામે આવ્યું હતું. હરજીભાઈ હાલ પીપરાળા રહે છે પરંતુ તેઓ મૂળ સાંતલપુરના વૌવા ગામના રહેવાસી હતા.
ગીતા આહીરે ‘દૃશ્યમ’ ફિલ્મ જોઈ પ્લાન બનાવ્યો હતો
પોલીસે ગીતા અને ભરત આહીરની પૂછપરછ કરતાં સમગ્ર હકીકત સામે આવી હતી. ગીતા અને ભરત બન્ને પાડોશી છે અને એકબીજાના પ્રેમસંબંધમાં હતા. ગીતાએ થોડા દિવસો પહેલાં દૃશ્યમ ફિલ્મ જોઈ હતી અને તેના આધારે એક ખતરનાક પ્લાન તૈયાર કર્યો હતો.
ગીતાએ ભરતને કહ્યું હતું કે, “મારે તારી સાથે જીવન જીવવું છે એટલે આપણે બન્ને ભાગી જઈએ, પણ જો આપણે ભાગીશું તો મારો પરિવાર મને શોધીને પરત લઈ આવશે. એટલે મારી પાસે એક પ્લાન છે. આપણે કોઈ અજાણ્યા પુરુષ અથવા સ્ત્રીની લાશ લઈ આવીશું અને તેને મારા કપડાં પહેરાવી તેના અમારા જ વાડામાં સળગાવીને આપણે બંને ભાગી જઈશું, જેથી પરિવારના લોકોને એવું લાગશે કે ગીતા સળગીને મરી ગઈ છે, જેથી તે લોકો મારી શોધખોળ નહીં કરે.”
હરજીભાઈ સોલંકીને ખેતરમાં લઈ જઈ ગળું દબાવી દીધું
પ્લાન મુજબ ભરત સોમવારે બપોરે મુંબઈથી આવ્યો હતો અને આજુબાજુના ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરવા લાગ્યો હતો જેને તે પોતાની સાથે લઈ જઈ શકે અને તેને મારીને સ્ત્રીનાં કપડાં પહેરાવીને આસાનીથી સળગાવી શકે. શોધખોળ દરમિયાન ભરતને રાતે વૃદ્ધ હરજીભાઈ સોલંકી મળી આવ્યા હતા. ભરત તેમને બાઈક પર બેસાડીને ખેતરમાં લઈ ગયો હતો, જ્યાં તેમનું ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, જોકે હરજીભાઈ માત્ર બેભાન થયા હતા, મર્યા નહોતા. ત્યારબાદ ભરત આહીર તેમને બાઈક પાછળ દોરડું બાંધીને બેસાડીને જાખોત્રા ગામની સીમમાં લઈ આવ્યો હતો અને ત્યાં તળાવ પાસે મૂકીને ચાલ્યો ગયો હતો.
આ પણ વાંચો: વીરમગામમાં ઠાકોરોએ દલિત મામા-ભાણેજના પગ ભાંગી નાખ્યા

હરજીભાઈને પતિ સુરેશના વાડામાં લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવ્યા
રાત્રે એક વાગ્યે ભરતે ગીતા આહીરને ફોન કરીને આખી ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ ગીતા રાત્રે જ પોતાનાં કપડાં અને પેટ્રોલ લઈને તળાવ પાસે પહોંચી ગઈ હતી. ત્યાં બન્નેએ બેભાન હરજીભાઈને ગીતાનાં કપડાં અને પગમાં ઝાંઝર પહેરાવી હતી. ત્યારબાદ બંને હરજીભાઈને ઉચકીને ગીતાના પતિ સુરેશ આહીરના વાડામાં લઈ આવ્યા હતા. જ્યાં પેટ્રોલ છાંટી આજુબાજુમાંથી લાકડાં લાવીને હરજીભાઈ સોલંકીની લાશને સળગાવી દીધી હતી. ત્યારબાદ બંને બાઈક લઈને ભાગી ગયાં હતાં. બાઈક રાધનપુર બસ સ્ટેશનમાં મૂકીને બંને પાલનપુર રેલવે સ્ટેશન ગયા હતા, જ્યાંથી જોધપુર ભાગી જવાના પ્લાન સાથે ટિકિટ બુક કરાવી હતી. પરંતુ પોલીસે બંનેને પાલનપુર રેલવે સ્ટેશનથી ઝડપી લીધાં હતાં.
પેટ્રોલ ઓછું પડતા લાશ બરાબર સળગી નહીં અને ભાંડો ફૂટ્યો
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભરત અને ગીતા આહીરને મૃતક હરજીભાઈ સોલંકી કોણ છે તેની કોઈ જાણ નહોતી. તેમને માત્ર પોતાના પ્લાનમાં ફીટ બેસે તેવી કોઈ વ્યક્તિ જોઈતી હતી અને હરજીભાઈ મળી ગયા હતા. પ્લાનમાં ગીતા એક લીટર પેટ્રોલ લઈ આવશે અને બાકીનું પેટ્રોલ ભરત લઈ આવશે એવું નક્કી કરાયું હતું, જોકે ભરત પેટ્રોલ લાવી શક્યો નહોતો.

જેના કારણે ગીતા લાવી હતી તે એક લીટર પેટ્રોલમાંથી જ હરજીભાઈની લાશને સળગાવી હતી, જેથી લાશ સંપૂર્ણપણે સળગી શકી ન હતી. તેના આધારે જ પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે લાશ કોઈ સ્ત્રીની નહીં, પણ પુરુષની છે. હાલ પોલીસે આ મામલે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભરત આહીરની ઉઁમર 21 વર્ષ છે, જ્યારે ગીતા પરિણીત છે અને તેની ઉંમર 22 વર્ષ છે. પોતાના પ્રેમને પામવા તેમણે નિર્દોષ દલિત હરજીભાઈનો જીવ લઈ લીધો હતો. હવે આખી જિંદગી જેલમાં જશે.
આ પણ વાંચો: ગીતામંદિરના દલિત યુવકે ડાયરેક્ટરના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો










