જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલ વચ્ચે વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર સામે ભ્રષ્ટાચાર તેમજ પક્ષપાતી વલણના ગંભીર આક્ષેપો સાથે દલિત સમાજ અને ભીમ આર્મી મેદાને આવ્યા છે. માણાવદર તાલુકામાં થયેલા અંદાજે રૂ. 39 કરોડના કથિત ભ્રષ્ટાચાર અને અનુસૂચિત જાતિના લાંબા સમયથી પડતર પ્રશ્નો બાબતે યોગ્ય ન્યાય ન મળતા રોષે ભરાયેલા સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદનપત્રમાં ‘મારી માટી મારો દેશ, કરો કૌભાંડ લૂંટો દેશ; જો કોઈ કરે વિરોધ તો કરો એની ઉપર ખોટા કેસ’ જેવા કટાક્ષમય સૂત્રો દ્વારા સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે.
ગૃહમંત્રીને 5 અરજી કરી છતાં જવાબ ન મળ્યો
માણાવદર તાલુકા ભીમ આર્મીના પ્રમુખ ગુણવંતભાઈ મિયાત્રાએ તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, તાલુકામાં થયેલા 39 કરોડ રૂપિયાના આર્થિક ભ્રષ્ટાચાર બાબતે વર્ષ 2023 સુધીમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને 5થી વધુ વખત લેખિત રજૂઆતો અને અરજીઓ કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી આ મામલે કોઈ નક્કર તપાસ કે કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

આ પણ વાંચો: ધોળકાના કોઠમાં દલિતો 25 વર્ષથી પીવાના પાણીથી વંચિત!
દલિત સમાજનો આક્ષેપ છે કે પ્રજાના પાયાના પ્રશ્નો અને ભ્રષ્ટાચારના પુરાવા આપવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે, જ્યારે રાજકીય પક્ષોને તેમની સભાઓ અને કાર્યક્રમો માટે વહીવટી તંત્ર દ્વારા તુરંત મંજૂરી આપી દેવામાં આવે છે. જનતાના હક અને સરકારની નિષ્ફળતાના પ્રદર્શન માટે મંજૂરી ન આપીને લોકશાહીના મૂલ્યોનું હનન કરવામાં આવી રહ્યું હોવાનું આવેદનકર્તાઓએ જણાવ્યું છે.
ભાજપનું સાશન હોવાથી તંત્ર તપાસ કરતું નથી!
વહીવટી તંત્રની તટસ્થતા પર આક્ષેપો કરતા આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અગાઉ જ્યારે કુકસવાડા અને માખીયાળા જેવા વિસ્તારોમાં વિરોધ પક્ષના ધારાસભ્યો હતા, ત્યારે તંત્રએ કોઈપણ વિલંબ વિના તાત્કાલિક ગુના દાખલ કરીને કાર્યવાહી કરી હતી. તેની સરખામણીએ માણાવદરમાં છેલ્લા 10 વર્ષથી સત્તાધારી પક્ષના મંત્રીઓ અને ધારાસભ્યોનું શાસન હોવાથી, કરોડોના કૌભાંડના 13 જેટલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓ હોવા છતાં કોઈ તપાસ કરવામાં આવતી નથી.
અધિકારીઓ પણ પોતાની બદલી થવાના ડરથી અથવા જેલના ભયથી સત્તાધારી પક્ષના રાજકીય દબાણ હેઠળ કામ કરી રહ્યા હોવાનો ગંભીર દાવો કરવામાં આવ્યો છે. 2016થી પડતર પ્રશ્નો મામલે તંત્ર માત્ર સમય પસાર કરી રહ્યું હોવાથી હવે આરપારની લડાઈના એંધાણ દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો: મેંદરડામાં બે દલિત પ્રમુખને ટર્મ પુરી થાય તે પહેલા પદ છોડવા મજબૂર કરાયા
દલિતો માટે સુવિધા ઉભી કરવામાં તંત્રને રસ નથી
ભ્રષ્ટાચાર સિવાય અન્ય સામાજિક અને શૈક્ષણિક મુદ્દાઓ પર પણ તંત્રને ઘેરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબોને રહેણાંક માટે આપવામાં આવતા 100 ચોરસ વારના પ્લોટની ફાળવણીમાં પણ ગંદુ રાજકારણ રમાતું હોવાનો આક્ષેપ થયો છે. પ્લોટના ફોર્મ ભરતી વખતે અરજદારો પાસે શાસક પક્ષને જ મત આપવાના સોગંદ લેવડાવવામાં આવતા હોવાની વિગતો બહાર આવી છે. આ ઉપરાંત, ગીર સોમનાથ જિલ્લામાં અનુસૂચિત જાતિની છાત્રાલયો છેલ્લા 6 વર્ષથી બંધ હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ જોખમાયું છે, છતાં નવી કોઈ વૈકલ્પિક સુવિધા ઉભી કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે.
જિલ્લા કલેક્ટર જેવા ઉચ્ચ અધિકારીઓ જનતાના ટેક્સના પૈસામાંથી મસમોટા પગાર મેળવે છે પરંતુ જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવામાં તેમને કોઈ રસ નથી તેમ ગુણવંતભાઈએ રોષપૂર્વક જણાવ્યું હતું.
આ પણ વાંચો: કલેક્ટર-DDO એ નકલી કામ બતાવી રાષ્ટ્રપતિ પુરસ્કાર મેળવ્યો!
ભીમ આર્મીએ વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી
આ પરિસ્થિતિને જોતા દલિત સમાજ અને ભીમ આર્મી દ્વારા આગામી 25 એપ્રિલ 2026 થી 26 એપ્રિલ 2026 દરમિયાન ચૂંટણી બૂથની નિર્ધારિત રેન્જની બહાર રહીને પોસ્ટરો દ્વારા જનતાને જાગૃત કરવાનું અભિયાન છેડવામાં આવશે. આ જનજાગૃતિ પ્રદર્શન દ્વારા સરકારની નિષ્ફળતાઓ અને ભ્રષ્ટાચારના કિસ્સાઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
જો આવેદનમાં રજૂ કરવામાં આવેલા 21 મુદ્દાઓ પર વહેલી તકે સકારાત્મક નિર્ણય કે કાર્યવાહી નહીં કરવામાં આવે, તો જૂનાગઢના કાળવા ચોકથી લઈને નામદાર કોર્ટ સુધી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ આંદોલન દરમિયાન જો કોઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસશે તો તેની સંપૂર્ણ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની રહેશે તેવું દલિત સમાજે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે.
આ પણ વાંચો: લાઠી નિલેશ રાઠોડ હત્યાકાંડમાં NHRC એ કલેક્ટર પાસે રિપોર્ટ માંગ્યો












