રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે) ના પ્રમુખ અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રહેલા રામદાસ આઠવલે(Ramdas Athawale)એ દેશમાં દલિત રાજકારણને એક કરવાની હિમાયત કરી છે. તેમણે કહ્યું કે જો ભવિષ્યમાં દલિત રાજકીય પક્ષોનું કોઈ ગઠબંધન બને છે, તો તેનું નેતૃત્વ બહુજન સમાજ પાર્ટી(BSP)ના વડા માયાવતી(Mayawati)એ કરવું જોઈએ.
રામદાસ આઠવલેના આ નિવેદનને યુપીના રાજકારણ સાથે જોડવામાં આવી રહ્યું છે. હકીકતમાં, યુપી ચૂંટણી 2027 પહેલા, દલિત રાજકારણ વિશે ઘણી ચર્ચા શરૂ થઈ ગઈ છે. અખિલેશ યાદવના પછાત દલિત લઘુમતી એટલે કે PDA રાજકારણના તોડ તરીકે દલિતોમાં માયાવતી ફરીથી મજબૂત બની રહ્યાની ચર્ચા તેજ થઈ બની છે. ત્યારે આઠવલેના આ નિવેદનથી દલિત રાજકીય પક્ષોના મહાગઠબંધનની ચર્ચાએ જોર પકડ્યું છે.
દલિત રાજકીય પક્ષોના મહાગઠબંધનની ચર્ચા શરૂ
રામદાસ આઠવલે તેમની અલગ ભાષણ શૈલી અને સ્પષ્ટ અભિપ્રાય માટે જાણીતા છે. યુપી ચૂંટણી પહેલા, તેમણે માયાવતીને દલિતોના નેતા કહીને મોટો દાવ રમ્યો છે. 2024 ની લોકસભા ચૂંટણીમાં બસપાના નબળા પ્રદર્શને યુપીમાં ભાજપના મત સમીકરણને બગાડ્યું હતું. બીએસપીની વોટબેંક કોંગ્રેસના નેતૃત્વવાળા ઈન્ડિયા ગઠબંધનમાં ગઈ હતી. હવે આઠવલે માયાવતીને આ વોટબેંકનું નેતૃત્વ કરી તેની જવાબદારી સંભાળવાની વાત કરતા દલિત રાજકીય પક્ષોના મહાગઠબંધનની ચર્ચાએ જોર પકડ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત BSP નેતાની માતાનું અવસાન થયું, છતાં પક્ષનું કામ ન છોડ્યું
માયાવતી જેવું કોઈ નહીંઃ આઠવલે
રામદાસ આઠવલેએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, દલિત સમાજ ઘણા પડકારોનો સામનો કરી રહ્યો છે અને છૂટાછવાયા અવાજો હવે એક થવા જોઈએ. તેમણે કહ્યું કે માયાવતી પાસે અનુભવની સાથે સાથે મોટી રાજકીય તાકાત પણ છે. જો દલિત રાજકીય પક્ષો એક સાથે આવે છે, તો માયાવતીએ તેમનું નેતૃત્વ કરવું જોઈએ. તેમણે સ્વીકાર્યું કે રાષ્ટ્રીય રાજકારણમાં બસપા સુપ્રીમો માયાવતીને એક મહત્વપૂર્ણ ચહેરો માનીને જ દલિત રાજકારણને મજબૂત બનાવી શકાય તેમ છે.
દલિતોની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
રામદાસ આઠવલેએ એમ પણ કહ્યું કે બંધારણે દલિત સમાજને અધિકારો અને અનામત આપ્યા છે, પરંતુ તેમ છતાં દેશના ઘણા ભાગોમાં ભેદભાવ અને અન્યાયની ઘટનાઓ હજુ પણ સામે આવી રહી છે. તેમણે કહ્યું કે દલિતોનો એક મોટો વર્ગ તેમના અધિકારો અને સન્માન માટે લડી રહ્યો છે. તેમણે એમ પણ ઉમેર્યું કે કોંગ્રેસ અને ભાજપ જેવા મોટા પક્ષોમાં દલિત નેતાઓની હાજરી છે, પરંતુ દલિત સમાજનો સ્વતંત્ર રાજકીય અવાજ હજુ પણ નબળો છે.
ભાજપ સાથે જોડાણ અંગે સ્પષ્ટતા કરી
2016 માં ભાજપ સાથે જોડાણ કરવાના નિર્ણય અંગેના પ્રશ્નના જવાબમાં રામદાસ આઠવલેએ કહ્યું કે મને લાગ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દલિત સમાજ માટે કામ કરવા માંગતા હતા. તેમની સરકારે દલિતોના હિતમાં ઘણી યોજનાઓ શરૂ કરી છે. આઠવલેએ તેમની ભાગીદારીને સકારાત્મક અને દલિતોના હિતમાં ગણાવી. તેઓ ભાજપ સાથેના જોડાણને દલિતો અને પછાત વર્ગો માટે યોગ્ય ગણાવતા જોવા મળ્યા.
આ પણ વાંચો: મારા માટે સગાસંબંધીઓ કરતા BSP મહત્વની: Mayawati