મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં બ્લાસ્ટ, 16 શ્રમિકોના મોત

મેઘાલયની ઈસ્ટ જયંતિયા હિલ્સમાં ગેરકાયદે ચાલતી કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ થતા 16 મજૂરોના કરુણ મોત નીપજ્યા છે. અનેક લોકો હજુ પણ ફસાયા છે.
meghalaya coal mine blast

મેઘાલયના ઈસ્ટ જયંતિયા હિલ્સ જિલ્લામાં આવેલી એક ગેરકાયદે કોલસાની ખાણમાં અચાનક થયેલા શક્તિશાળી વિસ્ફોટે સમગ્ર પંથકને ધણધણાવી દીધો છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 મજૂરોના મોત થયા છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે અંદર કામ કરી રહેલા શ્રમિકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. હજુ પણ કેટલાય મજૂરો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે.

હજુ પણ અનેક મજૂરો અંદર ફસાયાની આશંકા

મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં જીવ ગુમાવનાર મોટાભાગના શ્રમિકો પડોશી રાજ્ય આસામના વતની હોવાનું માનવામાં આવે છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકોમાં આસામના કટિગારા વિસ્તારના બિહારા ગામના એક રહેવાસીની ઓળખ થઈ ચૂકી છે. મેઘાલય પોલીસ અને રેસ્ક્યૂ ટીમો હાલમાં અંદર ફસાયેલા અન્ય શ્રમિકોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી રાહત કાર્યમાં કોઈ અવરોધ ન આવે.

meghalaya coal mine blast

આ પણ વાંચો: દલિત મહિલાની હત્યા કરી રાજપૂત યુવક તેની પુત્રીને ઉપાડી ગયો

પ્રતિબંધ છતાં ધમધમતું ‘રેટ-હોલ’ માઈનિંગ

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા પર્યાવરણના નુકસાન અને શ્રમિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેઘાલયમાં ‘રેટ-હોલ માઈનિંગ’ જેવી જોખમી પદ્ધતિઓ પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રેટ-હોલ માઈનિંગમાં માત્ર 3 થી 4 ફૂટ ઊંચી સાંકડી સુરંગો ખોદવામાં આવે છે, જેમાં શ્રમિકો જીવના જોખમે પ્રવેશીને કોલસો કાઢે છે. આ પદ્ધતિમાં સુરક્ષાના કોઈ જ સાધનો હોતા નથી, જેના કારણે અવારનવાર આવી દુર્ઘટનાઓ સર્જાય છે. તેમ છતાં, વહીવટી તંત્રની મીલીભગત અને માફિયાઓના જોરે રાજ્યના અનેક વિસ્તારોમાં ગેરકાયદે ખાણકામ બેરોકટોક ચાલુ હોવાનું આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે.

આ પણ વાંચો: કોન્ટ્રાક્ટરો-અધિકારીઓએ રૂ. 2000 કરોડના ખીચડી કૌભાંડ કર્યું!

તંત્રની તપાસ અને આકરા પગલાંની ખાતરી

મીડિયા રિપોર્ટ મુજબ, વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસને જણાવ્યું છે કે આ મામલે ગહન તપાસ કરવામાં આવશે અને જે પણ લોકો આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ હશે અથવા જેમની બેદરકારીને કારણે આટલા મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ છે, તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પ્રાથમિકતા ફસાયેલા લોકોને બહાર કાઢવાની અને ઘાયલોને યોગ્ય સારવાર પહોંચાડવાની છે.

આ પણ વાંચો: પ્રજાસત્તાક દિવસ પહેલા રાજસ્થાનમાં 10,000 કિલો વિસ્ફોટકો મળ્યાં

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x