મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના એક ગામમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા સમી એક ઘટના સામે આવી છે. અહીં એક પરિણીતાને તેની નણંદ સહિતના સાસરિયાઓએ આડા સંબંધની શંકામાં ઉકળતા તેલમાં હાથ નખાવ્યો હતો. આ મામલે હવે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મામલો વિજાપુરના ગેરીતા ગામનો છે. જ્યાં એક પરિણીતાને આડા સંબંધની આશંકામાં તેના સાસરિયાઓએ ઉકળતા તેલમાં હાથ નખાવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના 16 સપ્ટેમ્બર, 2025ના રોજ બની હતી. ભોગ બનનાર મહિલા જેનો વ્યવસાય ખેતીકામ છે, તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેના મોટા નણંદ જમનાબેને પરિણીતાના ચારિત્ર્ય પર શંકા રાખી અપશબ્દો કહ્યા હતા.
આ પણ વાંચો: બંધારણમાંથી ‘સમાજવાદી’, ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવો? – RSS મહાસચિવ
નણંદે ખેતરમાં ફરિયાદી મહિલાને કોઈ અન્ય સાથે હોવાનો આરોપ મૂક્યો હતો. જ્યારે પીડિતાએ આ વાતનો ઈન્કાર કર્યો ત્યારે નણંદ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે તેમના પતિ, તેમના ભાઈને બોલાવી હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ તમામ આરોપીઓએ પીડિતાને ચૂલા પર રાખેલા ગરમ તેલમાં હાથ નાખવા જણાવ્યું અને કહ્યું કે, જો તે સાચી હોય તો તેલથી દાઝશે નહીં. જ્યારે પીડિતાએ હાથ નાખવાની ના પાડી, ત્યારે નણંદે તેમને માર માર્યો હતો અને બળજબરીપૂર્વક તેના હાથ ઉકળતા તેલમાં નખાવ્યા હતા.
પરિણીતા ના પાડતી રહી પરંતુ નણંદ જમનાબેન, મનુભાઈ, દયાલભાઈ અને હીરાભાઈએ બળજબરી કરી અને તેનો હાથ ઉકળતા તેલમાં નાખ્યો હતો, જેના કારણે તે દાઝી ગઈ હતી. એટલું જ નહીં, તપેલીમાં રહેલું ગરમ તેલ પીડિતાના જમણા પગ પર પણ રેડ્યું, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી.. આ ઘટના બાદ, પીડિતાનો પતિ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. હાલ વિજાપુર પોલીસ સ્ટેશનમાં નણંદ જમનાબેન અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમરેલીમાં એસટી વિભાગના 5 દલિત કર્મચારીઓએ અન્નજળનો ત્યાગ કર્યો











Users Today : 1747