ભારત જેવા લોકશાહી દેશમાં જ્યારે સામાન્ય નાગરિક મોંઘવારી, બેરોજગારી અને પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યો હોય, ત્યારે સરકાર પોતાની છબિ સુધારવા પાછળ કેટલો ખર્ચ કરે છે તે હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. તાજેતરમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડાઓએ એક નવો વિવાદ છેડ્યો છે. ન્યૂઝ લોન્ડ્રીના રિપોર્ટ મુજબ, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા 11 વર્ષોમાં પોતાની યોજનાઓ અને નેતૃત્વના પ્રચાર માટે સરકારી તિજોરીમાંથી અંદાજે ₹5,987.46 કરોડનો જંગી ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રચાર પાછળ દરરોજ સરેરાશ 1.5 કરોડનો ખર્ચ
લોકસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ ઇકરા હસન અને અન્ય સાંસદો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં સૂચના અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ. મુરુગને આ ચોંકાવનારી વિગતો આપી હતી. વર્ષ 2014-15 થી લઈને 2024-25 સુધીના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે તો સમજાય છે કે સરકાર દરરોજ સરેરાશ ₹1.5 કરોડ માત્ર જાહેરાતો પાછળ ખર્ચી રહી છે. આ એ પૈસા છે જે દેશના સામાન્ય નાગરિકો જીએસટી અને આવકવેરા સ્વરૂપે સરકારને ચૂકવે છે. જ્યારે આટલી મોટી રકમ માત્ર ‘ચહેરો ચમકાવવા’ પાછળ ખર્ચાતી હોય, ત્યારે વિકાસના દાવાઓ સામે અનેક સવાલો ઉભા થાય છે.

આ પણ વાંચો: મોદી સરકારે SC વિદ્યાર્થીઓની Scholarship 57 ટકા ઘટાડી?
વડાપ્રધાનના નિવેદન અને વાસ્તવિકતા વચ્ચે વિરોધાભાસ
વર્ષ 2022માં દિલ્હીમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી નેતાઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે ખાસ કરીને દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર કટાક્ષ કર્યો હતો કે, “જો મારે પણ મારો ચહેરો ચમકાવવો હોત, તો હું પણ વિજ્ઞાપનો પાછળ કરોડો ખર્ચ કરી શક્યો હોત. પરંતુ મેં જનતા માટે કામ કરવાનો અને કઠિન પરિશ્રમનો રસ્તો પસંદ કર્યો છે.”
જોકે, સરકારના પોતાના આંકડા વડાપ્રધાનના આ દાવાને ખોટો પાડે છે. જો વડાપ્રધાન ખરેખર પ્રચારથી દૂર રહેવા માંગતા હોય, તો 11 વર્ષમાં ₹6,000 કરોડની નજીક પહોંચેલો આ ખર્ચ શું સૂચવે છે? ટીકાકારોનું કહેવું છે કે સરકારની કથની અને કરણીમાં મોટો તફાવત છે. પ્રચારના આ માધ્યમોમાં યોજનાઓની માહિતી ઓછી અને વડાપ્રધાનના ફોટાઓનું કદ મોટું હોય છે, જે સ્પષ્ટપણે વ્યક્તિગત બ્રાન્ડિંગ તરફ ઈશારો કરે છે.
આ પણ વાંચો: મોદી સરકારે 60% બહુજન વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસ શિષ્યવૃત્તિ અટકાવી

ક્યારે સરકારી તિજોરી વધુ ખાલી થઈ?
સરકારી આંકડાઓ મુજબ, જાહેરાત પાછળનો ખર્ચ સતત વધતો-ઘટતો રહ્યો છે: શરૂઆતના વર્ષો 2014-15માં જાહેરાત ખર્ચ ₹765.83 કરોડ હતો, જે 2015-16માં વધીને ₹879.80 કરોડ થયો. ત્યારબાદ 2017-18ના વર્ષમાં આ ખર્ચ વધીને ₹889.34 કરોડ સુધી પહોંચ્યો હતો, જે દર્શાવે છે કે ચૂંટણીલક્ષી વર્ષોની આસપાસ પ્રચાર મશીનરી વધુ તેજ બને છે. કોરોના કાળ અને ઘટાડો: 2020-21 અને 2021-22 દરમિયાન આ ખર્ચમાં ઘટાડો થયો હતો (અનુક્રમે ₹281 કરોડ અને ₹214 કરોડ), પરંતુ તે પછી ફરી તેજી જોવા મળી છે. વર્ષ 2023-24માં આ આંકડો ફરીથી વધીને ₹353.98 કરોડ પર પહોંચી ગયો હતો.
યુટ્યુબ અને મેટા પાછળ કરોડો રૂપિયા વાપર્યા
બદલાતા સમયની સાથે મોદી સરકારે પણ પ્રચારની પદ્ધતિ બદલી છે. હવે માત્ર અખબારો કે ટીવી જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પણ જનતાના પૈસા વહેવડાવવામાં આવી રહ્યા છે. 2023-24 થી 2025-26 ના ટૂંકા ગાળામાં સરકારે યુટ્યુબ પરની જાહેરાતો બદલ ગૂગલ ઇન્ડિયાને ₹120.13 કરોડથી વધુની રકમ ચૂકવી છે. જ્યારે આ જ સમયગાળામાં ફેસબૂક અને ઈન્સ્ટ્રાગ્રામ પર મેટાને અંદાજે ₹24.45 કરોડની જાહેરાત આપવામાં આવી હોવાનું કહેવાય છે. આ આંકડા સાબિત કરે છે કે સરકાર હવે ડિજિટલ માધ્યમો દ્વારા મતદારોના સ્માર્ટફોન સુધી પહોંચી રહી છે. યુટ્યુબ પર આવતી સ્કીપેબલ એડ્સથી લઈને ફેસબુક ફીડ્સ સુધી દરેક જગ્યાએ સરકારી પ્રચારનો મારો ચાલી રહ્યો છે.
આ પણ વાંચો: વંચિત વર્ગના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના કરોડો રૂપિયા સરકારે વાપર્યા જ નહીં!
જનતાના પરસેવાની કમાણીનો કેવો ઉપયોગ થઈ રહ્યો છે?
છેલ્લા 11 વર્ષનો ₹5,987 કરોડનો ખર્ચ એ કોઈ નાની સૂની રકમ નથી. જો આ રકમનો ઉપયોગ દેશમાં નવી હોસ્પિટલો બાંધવા, સરકારી શાળાઓને આધુનિક બનાવવા અથવા ખેડૂતોની સબસિડી વધારવા માટે કરવામાં આવ્યો હોત, તો તેનું પરિણામ કંઈક અલગ હોત. પરંતુ લોકશાહીમાં જ્યારે સરકાર ‘સેવક’ હોવાનો દાવો કરતી હોય, ત્યારે તેના દ્વારા થતો રોજનો ₹1.5 કરોડનો પ્રચાર ખર્ચ એ પ્રશ્ન ઊભો કરે છે કે આ ખર્ચ જનતાની જાગૃતિ માટે છે કે પછી સત્તાધારી પક્ષની છબિ ચમકાવવા માટે?
વિપક્ષી દળો આ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે અને આક્ષેપ કરી રહ્યા છે કે મોદી સરકાર જનતાના ટેક્સના પૈસાનો ઉપયોગ પોતાના રાજકીય ફાયદા માટે કરી રહી છે. હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં આ ખર્ચ ઘટે છે કે પછી પ્રચારનું આ ચક્ર હજુ વધુ વેગ પકડે છે.
આ પણ વાંચો: PM MODIના મતવિસ્તારમાં દલિતોએ જાતે રસ્તો બનાવવો પડ્યો











