ગુજરાતીમાં એક કહેવત છે, સિંદરી બળી ગઈ પણ વટ ન ગયો. સવર્ણ હિંદુઓની ચોક્કસ જાતિના લોકો લોકશાહીના 78 વર્ષ પછી પણ જાણે પોતે રાજા હોય અને બાકીના સૌ પ્રજા હોય તેવા ભ્રમમાં રાચતા રહે છે. પરિણામે આવા તત્વો નાની અમથી બાબતમાં પણ દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ પર હુમલો કરી, માર મારતા ખચકાતા નથી. તેમને હજુ પણ એવો વહેમ છે કે, પોતે રાજા છે અને તેમને આ રીતે ગમે તે વ્યક્તિને માર મારવાનો અધિકાર છે. કાયદો તેમનું કશું કરી લેવાનો નથી.
મધ્યપ્રદેશના સાગર જિલ્લાના કેસલી ગામની ઘટના
આવી જ એક ઘટના મધ્યપ્રદેશના સાગર જિલ્લાના એક ગામમાં સામે આવી છે. જ્યાં દિવાળીના તહેવાર દરમિયાન દલિત સમાજના બાળકો ફટાકડા ફોડતા હતા તે અહીંના રજપૂત જાતિના લોકોને ગમ્યું નહોતું. અને તેમણે દલિતોના ઘરમાં ઘૂસીનો હુમલો કર્યો હતો. આરોપીઓએ દલિત મહિલાઓને પણ માર માર્યો હોવાનું કહેવાય છે. આ મામલે દલિત મહિલાઓએ મુખ્યમંત્રી મોહન યાદવ સુધી રજૂઆત કરીને ન્યાયની માગ કરી છે.
આ પણ વાંચો: પાંચ વર્ષની દલિત બાળકી પર રેપ કરી હત્યા કરનારને ફાંસીની સજા
લુખ્ખા તત્વોએ દલિતોના ઘરમાં ઘૂસી માર માર્યો
સાગર જિલ્લાના કેસલીમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાને લઈને દલિતો અને ગામના માથાભારે રાજપૂતો વચ્ચે મોટો વિવાદ ઉભો થયો હતો. મધ્યપ્રદેશના કેસલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક દલિત પરિવારની મહિલાઓએ એસપીને ફરિયાદ કરી હતી કે ગામના ઠાકુર જાતિના માથાભારે તત્વો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. લુખ્ખા તત્વોએ દલિત બાળકોએ ફટાકડા ફોડતા મહિલાઓ સહિત સમગ્ર પરિવાર પર હુમલો કર્યો હતો. આ મામલે મહિલાઓ સહિત દલિતોએ મળીને એસપીને લેખિત ફરિયાદ કરી હતી.
રાજપૂતોએ દલિતોને મારી નાખવાની ધમકી આપી
સાગર એસપી ઓફિસમાં ગયેલા એક ફરિયાદીએ જણાવ્યું કે દલિત પરિવારોના બાળકો દિવાળી દરમિયાન ફટાકડા ફોડી રહ્યા હતા, જેનાથી ગામના ઠાકુરો ગુસ્સે ભરાયા હતા. ફરિયાદીએ કહ્યું, “તેઓ અમારા ઘરમાં ઘૂસી ગયા અને અમને માર માર્યો. તેમણે અમારી મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર કર્યો, અમને અપશબ્દો કહ્યા અને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી છે.”
આ પણ વાંચો: “કાર પર ‘વસાવા’ કેમ લખ્યું છે?” કહી ટોળાંએ ભાજપ નેતાના પુત્રને માર્યો
મુખ્યમંત્રીને પૂછ્યું, “સલામતી માટે અમારે ક્યાં છુપાવું જોઈએ?”
સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં, દલિત મહિલા આ વિસ્તારની દલિત મહિલાઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, સાગર જિલ્લાના કેસલી ગામમાં દલિત પરિવારોની મહિલાઓ અને બાળકો પર જાતિવાદી ઠાકુરો દ્વારા ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. વીડિયોમાં, તેણી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને પૂછતી જોવા મળી હતી કે, “કેસલી ગામના દલિત પરિવારોની મહિલાઓએ તેમની સલામતી માટે ક્યાં છુપાવું જોઈએ?”
“લાડલી બહેનો અહીં સુરક્ષિત નથી!”
વીડિયોમાં પિંકી અહિરવાર નામની મહિલાએ કહ્યું, “ઠાકુરો અમારા ઘરમાં ઘૂસી રહ્યા છે, અમારી છેડતી કરી રહ્યા છે અને અમારું અપમાન કરી રહ્યા છે. મુખ્યમંત્રી, કૃપા કરીને અમને કહો કે અમારી સલામતી માટે અમે ક્યાં છુપાઈએ. કારણ કે લાડલી બહેનો અહીં સુરક્ષિત નથી.”
પોલીસ અધિકારીઓએ શું કહ્યું
આ ઘટનાને લઈને સાગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના એક પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, દલિત સમાજ તરફથી ફરિયાદો મળી છે અને સ્થાનિક પોલીસને તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
હજુ સુધી કોઈની ધરપકડ નહીં
જો કે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. જે સ્પષ્ટ કરે છે કે, ભાજપની સરકારોની કથની અને કરણીમાં ફરક છે. તેમને માત્ર દલિતોના મતો જોઈએ છે, પણ વાત જ્યારે ન્યાય તોળવાની આવે ત્યારે તેઓ કાયમ કથિત ઉચ્ચ જાતિના હિંદુઓ તરફ જ ઉભી રહે છે.
આ પણ વાંચો: ભાજપ કાર્યકરે દર્દીને 10 રૂપિયાનું બિસ્કિટ આપ્યું, ફોટો પાડી પાછું લઈ લીધું











Users Today : 1737