Mumbai News: મહારાષ્ટ્રમાંથી શિક્ષણ જગતને કલંકિત કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંની એક શાળામાં એક બાળકી સ્કૂલે મોડી પહોંચતા શિક્ષકે તેને 100 ઉઠ-બેસ કરવાની આકરી સજા કરી હતી. શિક્ષકના ડરને કારણે બાળકીએ જેમતેમ કરીને આ સજા પુરી કરી હતી. પરંતુ ઘરે પહોંચ્યા બાદ તેની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. જ્યાં તેનું મોત થઈ ગયું હતું. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને આરોપી શિક્ષકોને સજા કરવાની માગ ઉઠી છે.
વસઈ-ઈસ્ટની શ્રી હનુમંત વિદ્યામંદિર શાળાની ઘટના
મામલો મુંબઈનો છે. અહીંના વસઈ-ઈસ્ટના સાતીવલીના કુવરા પાડા વિસ્તારમાં શ્રી હનુમંત વિદ્યા મંદિર શાળા આવેલી છે. તેમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આમાં, વિદ્યાર્થી કાજલ ગૌડ ધોરણ 6 (એ) માં અભ્યાસ કરતી હતી. 8 નવેમ્બરની સવારે, ઘણા વિદ્યાર્થીઓ શાળામાં મોડા આવ્યા હતા. કાજલ પણ તેમાં સામેલ હતી. વિદ્યાર્થીઓ મોડા આવ્યા હોવાથી શિક્ષકે વિદ્યાર્થીઓને 100 ઊઠ બેસ કરવાની આખરી સજા કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ તેમની બેગ ખભા પર લઈને ઊઠ-બેસ કરી હતી. આમાંથી બાકીના લોકો 10-20 ઊઠ-બેસ કરીને અટકી ગયા હતા, જ્યારે કાજલે ભયના માર્યા 100 ઊઠ-બેસ પુરી કરી હતી.
આ પણ વાંચોઃ અયોધ્યામાં વિદ્યાર્થી ભૂલ કરશે તો રામ-નામ લખવાની સજા કરાશે!
100 ઊઠ-બેસ કરવાથી બાળકીની તબિયત લથડી
શાળાએથી ઘરે પરત ફર્યા બાદ છોકરીની તબિયત અચાનક અચાનક બગડી ગઈ, તેથી તેને તાત્કાલિક વસઈની આસ્થા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. એ બાદમાં, તેને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે, તેની હાલત વધુ બગડતા, તેને સારવાર માટે મુંબઈની જે.જે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન શનિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. તેના પરિવારે શાળા મેનેજમેન્ટ અને શિક્ષકો પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે, જેના કારણે અમારી દીકરીનું મોત થયું છે. તેમણે આ ઘટનાની સંપૂર્ણ તપાસ અને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે.
In a tragic incident, a 13-year-old schoolgirl in Maharashtra’s Vasai died a couple of days after she was asked to do 100 sit-ups for turning up late at school.
The incident happened on November 8, and the mother of the child has alleged she suffered severe pain and discomfort… pic.twitter.com/dZe6WCae2w
— Vani Mehrotra (@vani_mehrotra) November 16, 2025
આ પણ વાંચોઃ વર્ધા યુનિવર્સિટીએ 10 SC-OBC વિદ્યાર્થીને કાઢી મૂક્યા
વાલીઓએ શાળાએ પહોંચી હોબાળો મચાવ્યો
આ ઘટના બાદ, વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળા નજીક મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. આ ઘટના બાદ, વાલીવ પોલીસે શાળા અને હોસ્પિટલમાં જઈને તપાસ શરૂ કરી છે. જે.જે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાની માહિતી મળ્યા બાદ, અમારો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.
શિક્ષણ વિભાગના અધિકારીઓ શાળાએ પહોંચ્યા
બાળકીના મોતની જાણ થતા શિક્ષણ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને માહિતી મેળવી હતી. વસઈના જૂથ શિક્ષણ અધિકારી પાંડુરંગ ગલંગેએ કહ્યું હતું કે, સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરવામાં આવશે અને રિપોર્ટ રજૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગ હંમેશા વિદ્યાર્થીઓની સલામતી અંગે તમામ શાળાઓને સૂચનાઓ આપે છે. તેમણે એમ પણ કહ્યું કે આરટીઈ ૨૦૦૯ શિક્ષણ કાયદામાં એવી જોગવાઈ છે કે વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે સજા કરવી એ ગુનો છે. જોવાનું એ રહેશે કે બાળકીના પરિવારને ન્યાય મળે છે કે નહીં.
આ પણ વાંચોઃ 3 સવર્ણ શિક્ષકોએ 8 વર્ષના દલિત વિદ્યાર્થીના પેન્ટમાં વિંછી નાખ્યો










