Dalit News: દેશની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ(Mumbai) આજકાલ ભાષાને લઈને કરવામાં આવતા ભેદભાવ માટે વિવાદના કેન્દ્રમાં છે. પરંતુ આ જ મુંબઈમાં દલિતો સાથે બ્રાહ્મણો દ્વારા દાખવવામાં આવતા જાતિવાદ વિશે ભાગ્યે જ ચર્ચા થાય છે. જાતિવાદનો આવો જ એક વરવો કિસ્સો હાલ પ્રકાશમાં આવ્યો છે. અહીંના વિલે પાર્લે (Vile parle) વિસ્તારમાં એક દલિત મહિલા (Dalit Woman beaten up) રેશ્મા કાંબલે અને તેના પુત્રને ઉત્તર ભારતીય ગુપ્તા પરિવારે ન માત્ર માર માર્યો પરંતુ જાહેરમાં જાતિસૂચક અપમાન કર્યું. આરોપ છે કે હુમલો પોલીસની હાજરીમાં થયો અને તેમ છતાં પોલીસ મૌન રહી અને ફરિયાદમાં પણ બેદરકારી દાખવી, કારણ કે આરોપી બ્રાહ્મણ હતા.
મામલો શું હતો?
પીડિત રેશ્મા કાંબલેએ કહ્યું કે આ ઘટના ધંધાના વિવાદથી શરૂ થઈ હતી, પરંતુ મામલો જાતિગત અપશબ્દો અને જાતિગત હિંસા સુધી પહોંચી ગયો. રેશ્માએ દાવો કર્યો હતો કે ગુપ્તા પરિવારના એક સભ્યએ તેને કહ્યું હતું કે, “તમે….જાતિના છો, અને તમારા જેવા લોકોએ ભીખ માંગતા રહેવું જોઈએ.” આ નિવેદનથી મામલો બિચક્યો હતો. મહિલાના જણાવ્યા અનુસાર, ગુપ્તા પરિવારના ત્રણ પુરુષો અને એક મહિલાએ તેને અને તેના ઘાયલ પુત્રને બળજબરીથી એક રૂમમાં બંધ કરી દીધા અને લગભગ 15 મિનિટ સુધી નિર્દયતાથી માર માર્યો.
આ પણ વાંચો: બનાસકાંઠાના લાખણીમાં SMC ના PI ના માતાપિતાની હત્યા
દલિત મહિલાએ ગંભીર આરોપ લગાવ્યા
રેશ્મા કહે છે કે, તેનો દીકરો પહેલેથી જ ઘાયલ હતો, પરંતુ હુમલાખોરોએ તેને પણ નિર્દયતાથી માર માર્યો. ગુપ્તા પરિવારના બંને પુત્રો અને મહિલાઓએ તેને જમીન પર પછાડીને માર માર્યો. પીડિતાએ જણાવ્યું કે તેણીએ તેના દીકરાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને વાળ પકડીને ખેંચવામાં આવી, જેના કારણે તેણીને ગળામાં ગંભીર ઈજાઓ થઈ હતી.
પોલીસ સ્ટેશનમાં પણ ધમકીઓ, ફરિયાદ પર કોઈ કાર્યવાહી ન થઈ
સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે રેશ્મા કાંબલે તેના દીકરા સાથે વિલે પાર્લે પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે પણ તેને ન્યાય ન મળ્યો. રેશ્માએ આરોપ લગાવ્યો છે કે ગુપ્તા પરિવારના લોકો પોલીસ સ્ટેશનમાં પણ તેને ધમકી આપતા રહ્યાં અને પોલીસકર્મીઓ ચૂપચાપ જોતા રહ્યા. કાંબલેએ કહ્યું કે ફરિયાદ નોંધવાને બદલે પોલીસે તેને ત્યાંથી ભગાડવાનો પ્રયત્ન કરાયો હતો.
ઘટનાનો વિડીયો વાયરલ, દલિત સંગઠનોમાં ગુસ્સો
આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં રેશ્મા કાંબલે રડી-રડીને પોતાની આપવીતી સંભળાવી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ દલિત સંગઠનોએ મુંબઈ પોલીસની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા છે અને ગુપ્તા પરિવાર સામે SC-ST એક્ટ હેઠળ કડક કાર્યવાહીની માંગ કરી છે.
“You Are a Chamar and Your Job Is to Beg,” Said North Indian Gupta Family to Dalit Woman, Locked Her and Her Son Inside Their House and Beat Them for 10 to 15 Minutes.#Mumbai #crime #Vileparle pic.twitter.com/7gkCgjJImv
— Kumar Ankit (@Kumar_Ankit03) July 19, 2025
શું પોલીસ હજુ પણ ચૂપ રહેશે?
સવાલ એ છે કે શું પોલીસ આ કેસમાં નિષ્પક્ષ કાર્યવાહી કરશે કે પછી આરોપીઓ સામે ઝૂકી જશે? પીડિતા રેશ્મા કાંબલેની પીડા હવે દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે, અને લોકો જાણવા માંગે છે કે તેને ન્યાય મળશે કે પછી આરોપીઓની જાતિ ફરી એકવાર કાયદા પર ભારે પડશે?
આ પણ વાંચો: દલિત દીકરીની જાન પર જાતિવાદીઓનો ગોળીબાર, પોલીસ ઘાયલ