નડિયાદ(Nadiad)માં ભાજપ(BJP)ના કાર્યકરોએ કોંગ્રેસ પ્રમુખ(Congress President) સહિત 6 કાર્યકરો સામે એટ્રોસિટી એક્ટ(SC-ST Act) હેઠળ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, નડિયાદ મનપામાં કર્મચારીઓના પીએફ સહિતની બાબતોને લઈને કોંગ્રેસના કાર્યકરો ડેપ્યુટી કમિશનરને મળવા પહોંચ્યા હતા. એ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ કમિશ્નરને રજૂઆત કરવા પહોંચેલા ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. ભાજપના કાર્યકરોએ આક્ષેપ છે કે, એ દરમિયાન કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકરોએ તેમને જાતિસૂચક અપશબ્દો કહીને જાહેરમાં અપમાન કર્યું હતું. સમગ્ર મામલે ભાજપના કાર્યકર દ્વારા નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કુલ છ વિરુદ્ધ નડિયાદ પોલીસ મથકે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ ધરી છે.
આ પણ વાંચોઃ 35 વર્ષ જૂના એટ્રોસિટીના કેસમાં 35 આરોપીઓને 5 વર્ષની સજા
મામલો શું હતો?
નડિયાદ મનપામાં ગુરુવારે બપોરના સમયે કોંગ્રેસ શહેર પ્રમુખ તેમના કાર્યકરો સાથે ડેપ્યુટી કમિશ્નરને મળવા માટે અને રજૂઆત કરવા માટે ગયા હતા. આ સમયે ભાજપના પૂર્વ કાઉન્સિલર અને કાર્યકરો પોતાના વિસ્તારની સમસ્યાઓની રજૂઆત કરવા માટે કમિશ્નરને મળવા આવ્યા હતા. ડેપ્યુટી કમિશનરની કચેરી પાસે ભાજપ – કોંગ્રેસના કાર્યકર્તાઓ સામ સામે આવી ગયા બાદ બોલાચાલી થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ જાતિવાચક અપશબ્દો બોલીને માર માર્યો હોવાને લઈને નડિયાદ ટાઉન પોલીસ મથકે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ, રાજુ રબારી, ગોકુલ શાહ, ભાવિક પરમાર, મિલન પ્રેંક તથા પુરવ મેત્રાલ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતની 9 ખાનગી યુનિ. સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા માંગ










