દેશના દલિતો-આદિવાસીઓની અનામત ખતમ કરવા માટે સતત તત્પર રહેતા સવર્ણ હિંદુઓને આ બે સમાજ કેવી દારૂણ પરિસ્થિતિમાં જીવન ગુજારે છે તેની કલ્પના પણ નહીં હોય. રોટી-કપડા-મકાન અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ, જે સવર્ણોને સદીઓથી કશી જ મહેનત કર્યા વિના મળી છે, તે મેળવવા માટે દલિતો-આદિવાસીઓએ કેટલી આકરી મહેનત કરવી પડે છે તેની આ વાત છે.
જંગલમાં રહેતી દીકરી હવે ડોક્ટર બનશે
મામલો ઓડિશાનો છે, જ્યાં જંગલમાં વસતા એક આદિવાસી માતાપિતાની દીકરીએ NEET ની પરીક્ષા પાસ કરીને સૌ કોઈને ચોંકાવી દીધાં છે. આદિવાસી દીકરી તેના પરિવાર સાથે જંગલમાં જ રહે છે અને ત્યાં સાવ ટાંચા સાધનો વચ્ચે તેણે આટલી મોટી સફળતા મેળવી છે. સવર્ણ હિંદુઓના બાળકો જે પરીક્ષા પાસ કરવા માટે લાખો રૂપિયા ખર્ચીને ટ્યુશનો રખાવે છે, ક્લાસિસ લે છે, તે પરીક્ષા આ આદિવાસી દીકરીએ મોંઘા ટ્યુશન ક્લાસીસ વિના જાત મહેનતે પાસ કરી બતાવી છે.
ઓડિશાના મલકાનગિરીની ચંપા રાસ્પેડાની કહાની
ઓડિશાના મલકાનગિરી જિલ્લાની રહેવાસી ચંપા રાસ્પેડા NEET-2025 પરીક્ષા પાસ કરનારી અને બાલાસોરની ફકીર મોહન મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પ્રવેશ મેળવનાર દિદાયી આદિવાસી સમાજની પ્રથમ વિદ્યાર્થીની બની ગઈ છે. ચંપા આદિવાસી બહુમતી ધરાવતા કોરુકોન્ડા તાલુકાની નાકામામુડી ગ્રામ પંચાયતના આમલીબેડા ગામની વતની છે. તેના પિતા લક્ષ્મુ રાસ્પેડા ખેત મજૂર અને માતા ગૃહિણી છે.
આ પણ વાંચો: આદિવાસી વિદ્યાર્થીએ સ્માર્ટફોન-ઈન્ટરનેટ વિના NEET UG પાસ કરી
આર્થિક સમસ્યાને કારણે બીએસસીનો અભ્યાસ છોડવો પડ્યો હતો
ચંપા રાસ્પેડાએ તેનું પ્રાથમિક શિક્ષણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિકાસ (SSD) વિભાગ હેઠળ નંદિનીગુડા ખાતે PVTG બાલિકા શિક્ષા પરિસરમાંથી મેળવ્યું હતું. બાદમાં, તેણીએ ચિત્રકોંડાની SSD ગર્લ્સ હાઇસ્કૂલમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને 2019 માં મેટ્રિક પૂર્ણ કર્યું. 2021 માં ગોવિંદપલ્લીની SSD હાયર સેકન્ડરી સ્કૂલમાંથી વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા પછી તેણીને આર્થિક મુશ્કેલીઓને કારણે BSc નો અભ્યાસ છોડી દેવો પડ્યો. તેમ છતાં પણ તેણીનો ડૉક્ટર બનવાનો ઉત્સાહ ઓછો થયો ન હતો.
ચંપા રાસ્પેડા દિદાયી આદિવાસી સમાજમાંથી આવે છે
ચંપા તેના ભૂતપૂર્વ વિજ્ઞાન શિક્ષક ઉત્કલ કેશરી દાસના માર્ગદર્શન હેઠળ બાલાસોરમાં મફત NEET કોચિંગ વર્ગોમાં જોડાઈ હતી. ઓડિશા સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં આદિવાસી વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ, ખાસ કરીને મેડીકલ ક્ષેત્રમાં, સતત વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઘણા આદિવાસી વિદ્યાર્થીઓએ NEET પરીક્ષા પાસ કરી છે અને સરકારી મેડિકલ કોલેજોમાં MBBSનો અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવ્યો છે. ઓડિશાના 13 PVTG માંથી એક દિદાયી જનજાતિ મલકાનગિરી જિલ્લાના દૂરના જંગલ વિસ્તારોમાં, ખાસ કરીને કુડુમુલુગુમ્મા અને ખૈરપુટ બ્લોકમાં રહે છે. ચંપા દિદાયી આદિવાસી સમાજમાંથી આવે છે.
ચંપા પરિવાર સાથે જંગલમાં જ ઉછરી છે
પરંપરાગત રીતે, આ આદિવાસી જૂથ સતત ફરતો રહે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેતી કરે છે. વન પેદાશો સંગ્રહ અને નાના પાયે ખેતી પર નિર્ભર છે. તે જંગલમાં વસે છે અને મુખ્યધારાના સમાજ સાથે તેનું જોડાણ પણ ઘણું ઓછું રહે છે. આવી પરિસ્થિતિમાં ઉછેરેલી એક આદિવાસી દીકરી તમામ અડચણો પાર કરીને મેડિકલમાં પ્રવેશ મેળવે તે સ્ત્રી સશક્તિકરણ અને સામાજિક પરિવર્તન તરફ એક નોંધપાત્ર પગલું છે.
મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી
ઓડિશાના મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું છે કે, ‘ચંપા રાસ્પેડાની મહેનત, દ્રઢ સંકલ્પ અને સફળતા ઓડિશાના તમામ બાળકોને પ્રેરણા આપશે. મને આશા છે કે ભવિષ્યમાં તે એક સારી ડૉક્ટર તરીકે ગરીબ અને પછાત લોકોની સેવા કરશે. હું તેને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવું છું.’
આ પણ વાંચો: લગ્નોમાં વાસણ ધોતા છોકરાએ NEET પાસ કરી, હવે ડોક્ટર બનશે