યુજીસી બિલનો સવર્ણ હિંદુઓ એમ કહીને વિરોધ કરી રહ્યા છે કે, આ કાયદો તેમના માટે નુકસાનકારક છે. પરંતુ જાતિગત ભેદભાવ માત્ર શિક્ષણ ફિલ્ડમાં જ નહીં, તમામ ફિલ્ડમાં છે. અને તેનું તાજું ઉદાહરણ તમિલનાડુમાંથી સામે આવ્યું છે. જ્યાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગમાં મેનેજર તરીકે નોકરી કરતા દલિત અધિકારીની ટ્રાન્સફર થયા બાદ જાતિવાદી ડ્રાઈવરે તેમની ઓફિસ ગાયના છાણનો લેપ કરાવીને કથિત રીતે પવિત્ર કરાવી હતી. આ ઘટના બાદ હોબાળો મચી ગયો હતો અને ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવાયો છે.
મામલો કોઈમ્બતુરનો છે. અહીં તમિલનાડુ રાજ્ય પરિવહન નિગમ (TNSTC) ની મેટ્ટુપલયમ શાખા-1 ના એક બસ ડ્રાઇવરને જાતિ ભેદભાવના ગંભીર આરોપો બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એવો આરોપ છે કે તેણે દલિત બ્રાન્ચ મેનેજરની બદલી પછી તેમની ઓફિસ ગાયનું છાણ લગાવીને પવિત્ર કરાવી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં 13 પરિવારોના 29 લોકોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો
મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટના 23 જાન્યુઆરીના રોજ બની હતી, જ્યારે શાખા મેનેજર ડી. પ્રકાશકુમાર, જે અનુસૂચિત જાતિ સમાજના છે, તેમને ટ્રાન્સફર ઓર્ડર મળ્યો હતો. એ પછી ડ્રાઈવર એસ. શશિરાજને તેમની ઓફિસમાં ગાયના છાણનો લેપ કરાવ્યો હતો. ઘટનાની જાણ થતા ડ્રાઇવર એસ. શશિરાજને ગુરુવારે કોઈમ્બતુર પ્રદેશના એક વરિષ્ઠ TNSTC અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. શશિરાજ શાસક DMK સાથે જોડાયેલા લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન (LPF) યુનિયનના સેક્રેટરી પણ છે.

TNSTC સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રાફિક નિયંત્રક તરીકેના કાર્યકાળ દરમિયાન શશિરાજનો જાતિ આધારિત ભેદભાવનો ઇતિહાસ રહ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે તેમણે કથિત રીતે અનુસૂચિત જાતિ સમાજના બસ કર્મચારીઓને લાંબા અંતરના રૂટ સોંપ્યા હતા, જ્યારે પોતાની જાતિના ડ્રાઈવરોને ટૂંકા રૂટની ડ્યુટી સોંપતો હતો. તેમના પર રજા અને પ્રેફરન્શિયલ ડ્યુટી સોંપણીઓના બદલામાં કર્મચારીઓ પાસેથી પૈસા પડાવવાનો પણ આરોપ છે.
સૂત્રોનો વધુમાં આરોપ છે કે શશિરાજ વારંવાર બ્રાન્ચ મેનેજરોની સૂચનાઓને અવગણતો હતો અને કર્મચારીઓ સામે જાતિસૂચક અપશબ્દો બોલતો હતો. TNSTCના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “તે દલિત કર્મચારીઓને રજા આપતો નહોતો. અને મનસ્વી રીતે ફરજના કલાકો નક્કી કરતો હતો અને ખૂલ્લેઆમ દલિત કર્મચારીઓ સાથે જાતિગત ભેદભાવ કરતો હતો.” તેની દાદાગીરીને કારણે છેલ્લાં દોઢ વર્ષના સમયગાળામાં આ બ્રાન્ચમાંથી છ મેનેજરોની બદલી કરાઈ છે.
આ પણ વાંચો: બીજાનું ભવિષ્ય ભાખતા પ્રેમાનંદજી મહારાજનો ફ્લેટ આગમાં લાગી!
અગાઉના બ્રાન્ચ મેનેજરે શશિરાજને ટ્રાફિક કંટ્રોલર તરીકેના પદ પરથી હટાવ્યો હતો. એ પછી 15 દિવસમાં તેની બદલી કરવામાં આવી હતી. દલિત સમાજમાંથી આવતા પ્રકાશકુમારે લગભગ 40 દિવસ પહેલા નવા બ્રાન્ચ મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, શશિરાજે તેમના પર પોતાના સૂચનોનું પાલન કરવા માટે દબાણ કર્યું હતું, પરંતુ પ્રકાશકુમારે તેનો ઇનકાર કર્યો હતો. શશિરાજે તેમની સાથે જાતિ ભેદભાવ દાખવતા આખરે પ્રકાશકુમારે તેની સામે મેમો જારી કરી દીધો હતો.
આનાથી ગુસ્સે થઈને, શશીરાજે કથિત રીતે પોતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને પ્રકાશકુમારને કોઈ દેખીતા કારણ વગર ઉક્કડમ ટ્રાન્સફર કરાવી દીધી હતી. 23 જાન્યુઆરીના રોજ, શશીરાજે એક મહિલા સફાઈ કામદારને બ્રાન્ચ મેનેજરની ઓફિસના ફ્લોરને સાફ કરવા અને તેને ગાયના છાણથી લીપીને કથિત રીતે પવિત્ર કરવા કહ્યું હતું. તેણે એવું પણ કહ્યું હતું કે, “કીડો બ્રાન્ચ છોડીને જતો રહ્યો છે.” આ ઘટના પ્રકાશકુમારની સામે બની હતી, જેના કારણે તેઓ ખૂબ જ આઘાત પામ્યા હતા અને ત્યારથી કામ પર પાછા ફર્યા નથી.
કેટલાક બસ કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કર્યા પછી, TNSTC વહીવટીતંત્રે હસ્તક્ષેપ કર્યો અને શશીરાજને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કર્યો છે.
આ પણ વાંચો: ‘શું હવે અમારે કચરો ઉપડાવવા ઢે#ઓના પગ પકડવાના?’
જોકે, શશીરાજે બધા આરોપોને નકારી કાઢ્યા છે. TNIE સાથે વાત કરતાં તેમણે કહ્યું, “મારા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. હું નિયમિતપણે શાખાની સ્વચ્છતા જાળવું છું. તે દિવસે રૂમ ગંદો હતો, તેથી તેને સાફ કરવામાં આવ્યો હતો અને નિયમિત જાળવણીના ભાગ રૂપે ગાયનું છાણ લગાવવામાં આવ્યું હતું.”
જો કે, પ્રકાશકુમારે આ બાબતે કશું પણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો. દરમિયાન, કોઈમ્બતુર પ્રદેશના TNSTC અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે આરોપોની વિભાગીય તપાસ શરૂ કરી છે અને તપાસના તારણોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.” જો કે, આ ઘટનાએ ફરી એકવાર દેશમાં કઈ હદે દલિતો સાથે જાતિ આધારિત ભેદભાવ થાય છે તેનો ચિતાર આપ્યો છે.
આ પણ વાંચો: મહેસાણામાં 561 મતદારોની જાણ બહાર નામ કમી કરવા અરજી થઈ










