આ રીતે ‘ભણશે ગુજરાત?’ નર્મદા જિલ્લાની 145 શાળાઓમાં માત્ર એક શિક્ષક

‘ભણશે ગુજરાત’ના મસમોટા દાવાઓ વચ્ચે જમીની વાસ્તવિકતા જુદી. નર્મદા જિલ્લામાં 145 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે.
narmada news

ગુજરાત સરકાર દર વર્ષે બજેટમાં શિક્ષણ માટે હજારો કરોડ રૂપિયાની જોગવાઈ કરે છે, પરંતુ આ રકમ ક્યાં વપરાય છે તે એક મોટો પ્રશ્ન છે. ખાસ કરીને નર્મદા અને દાહોદ જેવા પછાત આદિવાસી જિલ્લાઓમાં શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય છે. વિધાનસભા ગૃહમાં ખુદ રાજ્યના શિક્ષણમંત્રીએ સ્વીકાર્યું છે કે માત્ર નર્મદા જિલ્લામાં જ 145 શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલે છે. હવે પ્રશ્ન એ થાય છે કે, જે શાળામાં ધોરણ 1 થી 8 હોય ત્યાં માત્ર એક જ શિક્ષક તમામ બાળકોને કઈ રીતે અને કેવું શિક્ષણ આપતા હશે? શું આ બાળકોના ભવિષ્ય સાથે ચેડાં નથી?

નર્મદા-દાહોદમાં 1833 શિક્ષકોની ઘટ

રાજ્ય શિક્ષણ વિભાગના સત્તાવાર આંકડા મુજબ, નર્મદા જિલ્લામાં 549 અને દાહોદ જિલ્લામાં 1284 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. એટલે કે માત્ર આ બે જિલ્લામાં જ 1833 શિક્ષકોની ઘટ છે. એક તરફ શિક્ષકોની અછત છે, તો બીજી તરફ જે શિક્ષકો હાજર છે તેમને શિક્ષણ સિવાયની કામગીરીમાં જોતરવામાં આવે છે. શિક્ષકોને ઓનલાઇન ડેટા એન્ટ્રી અને અવિરત મિટિંગોમાં વ્યસ્ત રાખવામાં આવતા હોવાથી વર્ગખંડમાં વિદ્યાર્થીઓ નવરાં બેસી રહે છે.

આ પણ વાંચો: 70 વર્ષથી વસેલા 40 દલિત પરિવારોને 7 દિવસમાં મકાન ખાલી કરવા આદેશ

આદિવાસી બાળકો ઝાડ નીચે ભણવા મજબૂર

ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, આદિવાસી વિસ્તારોમાં શાળાઓમાં પૂરતા ઓરડા પણ નથી. અનેક ગામોમાં વિદ્યાર્થીઓ ભાડાના મકાનમાં અથવા ખુલ્લામાં ઝાડ નીચે બેસીને ભણવા મજબૂર છે. 30 વર્ષના શાસન પછી પણ જો સરકાર ગરીબ આદિવાસી બાળકોને પાકું મકાન અને પૂરતા શિક્ષકો ન આપી શકતી હોય, તો ‘વિકાસ’ની વાતો માત્ર કાગળ પર જ હોવાનું સાબિત થાય છે. શિક્ષકોની ભરતી કરવાને બદલે સરકાર માત્ર સમય વેડફી રહી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

ડભોઈનું ગોજાલી ગામ: વહીવટી અણઘડતાનો અનોખો નમૂનો

જ્યાં એક તરફ શિક્ષકોની બૂમરાણ છે, ત્યાં વડોદરાના ડભોઈ તાલુકાના ગોજાલી ગામ પાસેની વસાહતમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીંની પ્રાથમિક શાળામાં માત્ર બે જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને આશ્ચર્યની વાત એ છે કે આ બે બાળકો માટે બે શિક્ષકો ફરજ બજાવે છે! ત્રણ ઓરડાનું પાકું મકાન અને બે બાળકો વચ્ચે બે શિક્ષકોનો આ વહીવટ સરકારી સંસાધનોનો વેડફાટ સૂચવે છે. જો આ શાળાને નજીકની મુખ્ય શાળા સાથે મર્જ કરવામાં આવે, તો આ શિક્ષકોની સેવા અન્ય જગ્યાએ જ્યાં અછત છે ત્યાં લઈ શકાય તેમ છે. પરંતુ તંત્ર પાસે આયોજનનો અભાવ સ્પષ્ટ દેખાય છે.

આ પણ વાંચો: અમદાવાદના રાણીપમાં 43 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો 

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાના બે વિરોધાભાસી પાસાં જોવા મળે છે. ક્યાંક સેંકડો બાળકો વચ્ચે એક જ શિક્ષક છે, તો ક્યાંક બે બાળકો માટે બે શિક્ષકો ફાળવવામાં આવ્યા છે. આ સ્થિતિ સૂચવે છે કે સરકાર શિક્ષણ પ્રત્યે જરાય ગંભીર નથી. જો તાત્કાલિક ધોરણે ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં નહીં આવે અને માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં નહીં આવે, તો આવનારી પેઢીનું ભવિષ્ય અંધકારમય બની રહેશે.

આ પણ વાંચો:બાળકી સ્કૂલે મોડી પડી, શિક્ષકે 100 ઊઠ-બેસ કરાવતા મોત થયું! 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x