ગુજરાત સહિત દેશભરમાં દલિતોની મોકાની જમીનો પર જાતિવાદી તત્વો દ્વારા ગેરકાયદે કબ્જો જમાવવો અને પછી ત્યાં બાંધકામ કે ખેતી શરૂ કરી દેવી જરાય નવી વાત નથી. ગુજરાતના ગામોગામ માથાભારે જાતિવાદી તત્વો આ કૃત્ય કરતા આવ્યા છે અને કોઈ ચૂં કે ચાં કરી શકતું નથી. આવી જ એક ઘટનામાં માથાભારે તત્વોએ દલિતોના સ્મશાનની જમીન પર પહેલા ગેરકાયદે કબ્જો જમાવ્યો અને પછી તેમાં ધીરેધીરે ખેતી ચાલુ કરી અને પછી દલિતોને અંતિમવિધિ કરતા રોકી જમીન પોતાની હોવાનો દાવો કરવા માંડ્યા. આ મામલે હવે કલેક્ટરે દરમિયાનગીરી કરવી પડી છે.
મધ્યપ્રદેશના પાટણ તાલુકાના ચપોદ ગામની ઘટના
મામલો મધ્યપ્રદેશના જબલપુરથી 37 કિલોમીટર દૂર પાટણ તાલુકાના ચપોદ ગામનો છે. અહીં બુધવારે દલિત સમાજમાંથી આવતા એક 70 વર્ષના વૃદ્ધનું મોત થઈ ગયું. એ પછી અહિરવાર સમાજના લોકો તેને અંતિમવિધિ માટે વર્ષોથી ફાળવાયેલી જમીન પર લઈ ગયા. જો કે ત્યાં ગામના માથાભારે પટેલે કબ્જો જમાવી દીધો હતો. તેણે દલિતોને કહ્યું કે, આ જમીન મારી છે, અહીં ઘઉં વાવ્યા છે, હવેથી અહીં અંતિમવિધિ માટે આવતા નહીં, નહીંતર મજા નહીં આવે. એ પછી દલિત સમાજે સ્થાનિક ટીડીઓ અને પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી. જો કે માથાભારે પટેલે જમીનનો કબ્જો છોડ્યો નહોતો અને પોલીસ જાણે તેમના તરફ હોય તેમ અન્ય જગ્યાએ દલિત વડીલની અંતિમવિધિ કરાવી કલેક્ટરને જાણ કરી હતી. હવે કલેક્ટરે જમીન ખાલી કરાવી ત્યાં સ્મશાનગૃહ બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 71.4 % દલિતો સાથે જાહેર પાણીના નળે આભડછેટ પળાય છે
દલિતોના વર્ષો જૂના સ્મશાન પર પટેલે કબ્જો જમાવ્યો
ચપોડ ગામ જબલપુરથી લગભગ ૩૭ કિમી દૂર પાટણ તાલુકાની પૌડી ગ્રામ પંચાયતમાં આવે છે. આ વિસ્તારમાં લગભગ 200 પરિવારોની વસ્તી છે. સ્મશાનગૃહના અભાવે ગામલોકો વર્ષોથી ગામની બહાર અંતિમ સંસ્કાર કરતા હતા. લગભગ 5 વર્ષ પહેલાં ગામના પટેલ પરિવારના લોકોએ સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવીને ખેતી શરૂ કરી હતી. શરૂઆતમાં કોઈએ કોઈ વાંધો ઉઠાવ્યો નહીં. થોડા દિવસો પછી જ્યારે ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અને પરિવાર તેને અંતિમવિધિ માટે ગામની બહાર લઈ ગયો ત્યારે માથાભારે પટેલ પરિવારે વાંધો ઉઠાવ્યો અને અંતિમવિધિ ન થવા દીધી. એ પછી પરિવારજનોએ સ્મશાનની જમીનથી દૂર અંતિમ સંસ્કાર કર્યા. ગામના કેટલાક લોકોએ પટેલ પરિવારની દાદાગીરી પૌડીના સરપંચ સાથે વાત કરી પણ તેમણે કશું કર્યું નહીં.
આ પણ વાંચોઃ પોલીસે થર્ડ ડિગ્રી ટોર્ચર કરતા દલિત યુવકે ગળેફાંસો ખાઈ લીધો?
દલિત વૃદ્ધનું અવસાન થયું અને મામલો ફરી બિચક્યો
દલિત સમાજમાંથી આવતા ૭૦ વર્ષના શિવપ્રસાદનું લાંબી બીમારી બાદ ૨૫ માર્ચે અવસાન થયું એ પછી આ મામલે ફરી વિવાદ થઈ ગયો. ચપોડ ગામમાં જ્યાં દલિત સમાજના મૃતકોની અંતિમવિધિ થાય છે તે સ્થળ સરકારી જમીન છે. પરંતુ ગામના શિવકુમાર પટેલ અને પપ્પુ પટેલે તે જમીન પર થોડા વર્ષોથી કબજો કરીને ત્યાં ખેતી શરૂ કરી દીધી છે. હવે તેઓ એ જમીન તેમની માલિકીની હોવાનો દાવો કરી દલિતોને ધમકાવી રહ્યા છે.
દલિત વૃદ્ધની અંતિમવિધિ કરતા રોક્યા
મંગળવારે અહિરવાર સમાજના કેટલાક લોકોએ શિવકુમારના પરિવારના સભ્યો સાથે વાત કરી હતી. પરંતુ પટેલ પરિવારે એમ કહીને ત્યાં અંતિમવિધિ કરવાનો ઈનકાર કરી દીધો કે, આ તેમની જમીન છે અને ત્યાં ઘઉં વાવ્યા છે. જો તમે અંતિમવિધિ કરશો તો મારા ઘઉંનો પાક બળી જશે. બીજા દિવસે બુધવારે જ્યારે આહિરવાર સમાજના લોકો મૃતદેહ લઈને સ્મશાન પર પહોંચ્યા ત્યારે પટેલ પરિવારના લોકોએ તેના પર પાણીની નોઝલ મૂકી દીધી. જેને લઈને દલિતો અને પટેલ પરિવાર સામસામે આવી ગયા. ઘટનાની માહિતી મળતાં જ ટીડીઓ, મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને વૃદ્ધના અન્ય સ્થળે અંતિમ સંસ્કાર કરાવ્યા.
આ પણ વાંચોઃ દલિતોના અચ્છે દિન માટે રાજકીય સત્તા એકમાત્ર રસ્તો: mayawati
દોઢ એકર જમીન પર માથાભારે પટેલ પરિવારે કબ્જો જમાવ્યો
આ મામલે મૃતક શિવપ્રસાદના નાના ભાઈ દૌલત અહિરવારે જણાવ્યું કે છેલ્લાં 30 વર્ષથી તેઓ જોઈ રહ્યા છે કે જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય છે ત્યારે ગામની બહાર આ જગ્યાએ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોથી શિવકુમાર પટેલ, પપ્પુ પટેલ અને સુદેશ પટેલના પરિવારોએ સ્મશાનની જમીન પર કબજો કર્યો છે. ધીમે ધીમે, લગભગ દોઢ એકર જમીન કબજે કર્યા પછી પટેલ પરિવારે તેના પર ખેતી કરવાનું શરૂ કર્યું. થોડા મહિના પહેલા, ગામના બે આદિવાસી છોકરાઓનું મૃત્યુ થયું હતું. જ્યારે પરિવારના સભ્યો મૃતદેહો લઈને પહોંચ્યા, ત્યારે પટેલ પરિવારે તેનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ નાછુટકે એક તળાવના કાંઠે બંને મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી હતી. શુક્રવારે બનેલી આ ઘટનાની જાણ થતાં કલેક્ટરે મામલતદાર અને ટીડીઓને સ્થળ પર જઈને જમીનની માપણી કરાવવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ સ્મશાન માટે અંદાજિત બજેટ તૈયાર કરીને વહેલીતકે ત્યાં સ્મશાન બનાવવા કહ્યું છે.
આ પણ વાંચોઃ દલિત વૃદ્ધને મહિલાઓ સામે નગ્ન કરી મોં પર પેશાબ કર્યો

દલિત સમાજના લોકો કલેક્ટરને મળ્યા
આ ઘટના બાદ અનુસૂચિત જાતિ સમાજના સંગઠનના સભ્યો કલેક્ટરને મળ્યા હતા. તેમણે કહ્યું કે, આઝાદીના 78 વર્ષ પછી પણ ચપોડમાં દલિતોને પોતાનું સ્મશાન નથી તે દુઃખદ બાબત છે. 25 માર્ચે શિવપ્રસાદ ચૌધરીના અવસાન પછી પરિવાર ખુલ્લી જમીન પર અંતિમ સંસ્કાર કરવા માંગતો હતો, પરંતુ ગામના માથાભારે પટેલ પરિવારના લોકોએ દલિતોના સ્મશાનની સરકારી જમીન પર કબજો કરી લીધો અને તેમને અંતિમ સંસ્કાર કરતા અટકાવ્યા. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ એટ્રોસિટી એક્ટ હેઠળનો કેસ છે.
કલેક્ટરે કહ્યું – ટૂંક સમયમાં એ જ જગ્યાએ સ્મશાન બનશે
જબલપુરના કલેક્ટર દીપક કુમાર સક્સેનાએ જણાવ્યું હતું કે ચપોડ ગામમાં જ્યાં દલિત સમાજના લોકો અંતિમ સંસ્કાર કરવા માંગતા હતા તે જમીન સરકારની છે પરંતુ થોડા વર્ષો પહેલા પટેલ પરિવારે તે જમીન પર કબજો કરી લીધો હતો અને તેના પર ખેતી કરવાની શરૂ કરી દીધી હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે. 25મી માર્ચે આ લોકોએ દલિત સમાજના લોકોને અંતિમવિધિ કરતા રોક્યો હતો. અમે તેની ગંભીરતાથી નોંધ લીધી છે. મેં તાલુકાના અધિકારીઓને મોકલીને પટેલ પરિવારના કબ્જામાં રહેલી જમીન છોડાવી લીધી છે. ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત સંયુક્ત રીતે ત્યાં એક સ્મશાનગૃહ બનાવી રહ્યા છે, ત્યારબાદ દરેક સમાજના લોકો તેનો ઉપયોગ કરી શકશે. આજે દલિત સમાજના કેટલાક લોકો મને મળવા આવ્યા હતા, અને મેં તેમને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.
આ પણ વાંચોઃ દલિત સગીરાની છેડતી કરી તેની ઉપર ઉકળતું તેલ ફેંક્યું