ગુજરાત સહિત દેશભરમાં બહુજન મહાનાયક જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત ફિલ્મ ‘Phule’ ધૂમ મચાવી રહી છે. ગુજરાતના તમામ મોટા શહેરોમાં બહુજન સમાજના વિવિધ સંગઠનો દ્વારા આ ફિલ્મના ખાસ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તે હાઉસફૂલ જઈ રહ્યાં છે. ગઈકાલે અમદાવાદમાં ‘Phule’ ફિલ્મના શોનું મૂકનાયક ગ્રુપ દ્વારા આયોજન કરાયા બાદ સુરતમાં બહુજન સંઘર્ષ મંચ દ્વારા પણ ‘Phule’ ફિલ્મનો ખાસ શો યોજાયો હતો અને તેને ધાર્યા કરતા અનેકગણો મોટો પ્રતિસાદ સાંપડ્યો હતો.
બહુજન સંઘર્ષ મંચ દ્વારા આયોજન કરાયું
સુરતમાં બહુજન સંઘર્ષ મંચની કામગીરી વિશે વધુ કંઈ કહેવાનું રહેતું નથી. દલિત-બહુજન સમાજના અનેક સળગતા પ્રશ્નોને લઈને આ મંચના કાર્યકરો સતત જમીની લેવલે કામ કરતા રહે છે. ‘Phule’ ફિલ્મને થિયેટરોમાં રજૂ થવા દેવામાં આવતી નથી, તેના શો કેન્સલ કરવામાં આવી રહ્યાં છે એવી જાણકારી મળતા જ બહુજન સંઘર્ષ મંચના કાર્યકરોએ સમાજને જાગૃત કરીને આ ફિલ્મ જોવા માટે પ્રેરિત કર્યા હતા અને ખાસ શોનું આયોજન કર્યું હતું.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સિનેપોલીસ થિયેટરમાં બહુજન સંઘર્ષ મંચ દ્વારા Phule ફિલ્મના ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારણા કરતા બમણાં લોકો ઉમટી પડતા શો હાઉસફૂલ થઈ ગયો હતો. ફિલ્મ જોવા માટે 250થી વધુ લોકો આવી પહોંચતા થિયટર માલિકોએ તેમને પોપકોર્ન અને ઠંડાપીણા સહિતની વસ્તુઓમાં મોટું ડિસ્કાઉન્ટ પણ આપ્યું હતું.
ફિલ્મ જોઈને બહાર આવેલા દર્શકોએ શું કહ્યું?
‘Phule’ ફિલ્મ જોયા બાદ કેટલાક દર્શકોએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, “ભારતમાં સ્ત્રી સશક્તિકરણ અને બહુજન ક્રાંતિનું બીજારોપણ કરનાર ક્રાંતિજ્યોતિ ફૂલે દંપતીના જીવન પર આધારિત આ ફિલ્મ દેશના દરેક નાગરિકે જોવી જોઈએ.
આ પણ વાંચો: ‘બ્રાહ્મણોને શરમ આવે છે..’ ‘Phule’ વિવાદ પર Anurag Kashyap આકરા પાણીએ
આજે જ્યારે ફરી દેશમાં જાતિવાદ, કોમવાદ અને આભડછેટ સહિતની બદ્દીઓએ જોર પકડ્યું છે ત્યારે ફૂલે દંપતીનો સંઘર્ષ આપણને તેની સામે લડવાનું નવું જોમ પુરું પાડે છે. જે જમાનામાં શુદ્રોનો પડછાયો પણ અછૂત ગણાતો હતો, એ જમાનામાં ફૂલે દંપતીએ કેટલી મોટી ક્રાંતિ કરી હતી તે સિનેમાના પડદે જોવી એક અદ્દભૂત અનુભવ છે. દરેક બહુજને થિયેટરમાં જઈને આ ફિલ્મ જોવી જોઈએ.”
ફૂલે દંપતી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ફિલ્મ જોવી જોઈએઃ દર્શક
અન્ય એક દર્શકે જણાવ્યું હતું કે, “ફૂલે દંપતીએ પોતાની ઈચ્છાશક્તિથી દેશના બહુજનો માટે શિક્ષણ અને સમાનતાનો માર્ગ ખોલી આપ્યો હતો, જેના પર ચાલીને ડૉ.આંબેડકર આ દેશના બહુજનોને મુક્તિ સુધી દોરી ગયા. દેશના પ્રથમ મહિલા અધ્યાપક સાવિત્રીબાઈ અને એમના સહયોગી ફાતિમા શેખના કારણે આ દેશની સ્ત્રીઓ આજે અંતરિક્ષ સુધી પહોંચી છે. કહેવાતા ધર્મશાસ્ત્રોએ જ્યારે આ દેશની બહુજન પ્રજાને માણસ તરીકેના તેમના મૂળભૂત અધિકારોથી વંચિત કરી દીધી હતી, ત્યારે ફૂલે દંપતીએ વિદ્રોહ કરીને પાખંડની દિવાલને તોડી પાડી હતી. કમ સે કમ આ ફિલ્મ જોઈને અને પોતાના પરિવારને બતાવીને આપણે આ મહાનાયકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ છીએ.”
દરેક બહુજને ‘Phule’ જોવી જોઈએઃ દર્શકો
એક મહિલા દર્શકે જણાવ્યું હતું કે, “ફૂલે ફિલ્મનો વિરોધ કરીને એમાંથી મહત્વનાં દૃશ્યો કઢાવી નાખનાર, ફિલ્મને બહુજનો સુધી પહોંચતી રોકવા માટે તેની રિલીઝમાં અવરોધ ઊભો કરનાર એ જ લોકો છે, જેમના પૂર્વજોને આ ફિલ્મમાં ફૂલે દંપતીનો વિરોધ કરતા બતાવવામાં આવ્યા છે. પોતાના પૂર્વજોએ કરેલા કુકર્મો બદલ માફી માગવાની વાત તો દૂર રહી, આ લોકો હજુ પણ પોતાના પૂર્વજોના મિથ્યા ગૌરવમાં રાતદિવસ મત્ત અને વ્યસ્ત રહે છે. આવા સમયે બહુજન સમાજની જવાબદારી બને છે કે તેઓ ‘Phule’ ફિલ્મને સપોર્ટ કરે.”
‘Phule’ તમને તમારી સામાજિક જવાબદારીનું ભાન કરાવશે
સુરતના જ એક સિનિયર સિટીઝન દર્શકે જણાવ્યું કે, “અન્ય ફિલ્મોની જેમ ફૂલે ફિલ્મ વિશે ક્રિટિક્સ દ્વારા રિવ્યૂનું પૂર આવ્યું હોય તેવું મારી જાણમાં નથી. જે દંપતીએ આ દેશના કરોડો બહુજનો માટે શિક્ષણના દ્વારા ખોલી આપ્યા તેમના જીવન પર આધારિત ફિલ્મને મનુવાદીઓએ હાંસિયામાં ધકેલવા પ્રયાસ કર્યો છે. હાલનાં એક ચોક્ક્સ પ્રકારના પ્રોપેગેન્ડાથી ભરેલી, એક આખી કોમને સતત હિન ચીતરતી અને દેશમાં સતત વૈમનસ્ય જળવાઈ રહે એ પ્રકારની પ્રોપેગેન્ડા ફિલ્મોનો દૌર ચાલી રહ્યો છે ત્યારે ‘Phule’ સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાનો સંદેશ લઈને આવી છે. આ ફિલ્મ તમને સમાજ પ્રત્યેની ફરજનું ભાન તો કરાવશે જ, સાથે આપણાં જીવનમાં સકારાત્મક પરિવર્તન પણ લાવશે.”
સુરતના અડાજણમાં બહુજન સંઘર્ષ મંચ દ્વારા ‘ફૂલે’ ફિલ્મના ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ક્રાંતિજ્યોતિ ફૂલે દંપતિની તસવીરો સાથે થિયેટરોમાં ‘મહાત્મા જ્યોતિરાવ ફૂલે-સાવિત્રી ફૂલે અમર રહે..’ ના નારા લગાવ્યા હતા. #phulemovie #Surat #housefull pic.twitter.com/ivx8xWbnhk
— khabar Antar (@Khabarantar01) April 28, 2025
બહુજન સંઘર્ષ મંચ વધુ એક શોનું આયોજન કરશે?
આ શોને મળેલી ભારે સફળતા બાદ આયોજકોને સુરત અને તેની આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકો દ્વારા તેઓ ‘Phule’ ફિલ્મ જોવા માંગતા હોવાની ડિમાન્ડ આવી રહી છે. એ જોતા આગામી સમયમાં બહુજન સંઘર્ષ મંચ દ્વારા વધુ એક શોનું આયોજન કરવામાં આવી શકે છે. તેના વિશે આયોજકો દ્વારા લોકોને જાણ કરવામાં આવશે. જો તમે પણ સુરતમાં બહુજન સમાજ સાથે બેસીને ‘Phule’ ફિલ્મ જોવા માંગતા હો અને તેના આગામી શો વિશે વધુ કોઈ જાણકારી લેવા માંગતા હો તો બહુજન સંઘર્ષ મંચના કાર્યકરો અરુણભાઈ જોગડિયા (+91 75671 62637), શાંતિભાઈ નાગર(+91 75675 50858) અને ભરતભાઈ જાદવ (+91 77790 49154) નો સંપર્ક કરી શકો છો.