બોટાદમાં એક સગીરને પોલીસે ચોરીના ગુનામાં એટલો માર્યો કે તેની કિડની ફેઈલ થઈ ગઈ એવો આક્ષેપ લાગ્યો છે. 17 વર્ષના સગીરને પોલીસે એટલો માર માર્યો કે તેને પહેલા બોટાદ અને હવે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા આ સગીરે નિવેદન આપતા કહ્યું કે તેને પોલીસે 7-8 દિવસ રાતે 2 વાગ્યાથી સવારે 8 સુધી માર્યો છે અને એવો માર્યો છે કે તેની એક કિડની ફેલ થઇ ગઈ છે અને શરીરે ઈજાઓ થઈ છે. આ સગીર છેલ્લા 15 દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
સગીરને પોલીસે વીજ શોક આપ્યાનો પરિવારજનોનો આક્ષેપ
ભોગ બનનાર સગીરના પરિવારના એક વડીલે મીડિયાને જણાવ્યું હતું કે, તેમના પૌત્રને પોલીસ અજયભાઈ અને જાનીભાઈ ચોરીના ગુનામાં ઘરેથી ઉપાડી ગયા હતા અને બે દિવસ લોકઅપમાં રાખ્યા હતો. આ દરમિયાન પોલીસ તેને ઢોર માર માર્યો હતો. વડીલે કહ્યું કે મારા પૌત્રને પોલીસે વીજ શોક આપ્યો હતો. તેમણે એને એટલો માર્યો હતો કે તેની પીઠ ઉતરડાઈ ગઈ હતી. મારને કારણે તેની એક કિડની ફેલ થઈ ગઈ છે અને હાલ મારો પૌત્ર અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે. તેની સ્થિતિ બહુ ખરાબ છે. તેના પગ પણ સોજાઈ ગયા છે.
આ પણ વાંચો: દુકાન પર બુલડોઝર ફેરવી દેવાતા ભાજપ નેતાના ભાઈનો આપઘાત
પોલીસ ઘરમાંથી રૂ. 50 હજાર પણ લઈ ગયાનો આક્ષેપ
અન્ય એક વડીલે કહ્યું કે, અમને કોઈ બાબતની ખબર જ નથી કે ઘટના શું બની છે. પોલીસ અમારા ઘરે આવી અને તેને ઉપાડી ગઈ. પોલીસ અમારી પાસેથી 50,000 રૂપિયા પણ લઈ ગઈ. આ રૂપિયા વૃદ્ધ પેંશનના, મારા દીકરાએ ગાડી વેચી તેના અને નાની છોકરીના બાળ સુરક્ષા કેન્દ્રમાંથી આવતા હતા. વૃદ્ધનો આક્ષેપ છે કે, પોલીસ આ રૂપિયા ચોરીના છે તે અમને આપી દો એમ કહીને લઈ ગઈ હતી.
પીડિત સગીરે શું કહ્યું
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સગીરે પોલીસ પર આક્ષેપ કરતાં કહ્યું, “પોલીસે મને 7-8 દિવસ માર માર્યો. રાત્રે 2 વાગ્યે મારવાનું ચાલું કરતાં તો સવારે 8 વાગ્યા સુધી મારતા હતા. મને પગમાં અને સાથળમાં માર માર્યો છે. મારા મોં પર બુટ માર્યા અને કમરના ભાગમાં માર્યું. મારી એક કિડની ફેલ થઇ ગઈ છે. મેં ચોરી કરી નથી તો પણ મને માર મારીને મારા પર ચોરીનો આરોપ નાખ્યો. મારવાવાળા ડી-સ્ટાફના 4થી 5 પોલીસ હતા. કૌશિક જાની, અજય સાહેબ, યોગેશ સાહેબ અને ચોથા સાહેબનું નામ મને નથી આવડતું.
બોટાદના ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
આજે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા, અમદાવાદના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ અમદાવાદની હોસ્પિટલમાં જઈને આ સગીરની મુલાકાત લઇ ખબર અંતર પૂછ્યા હતા. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે આ ઘટનામાં જવાબદાર પોલીસકર્મીઓ પર ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરી ભોગ બનનાર સગીરનો સારવારનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.
આ પણ વાંચો: ‘જય ભીમ’ બોલવા બદલ 5 દલિત વિદ્યાર્થીઓને શિક્ષકોએ મુર્ગા બનાવી માર્યા












Users Today : 1747