Dalit News: હિંદુ ધર્મમાં આભડછેટ, વર્ણવ્યવસ્થા અને ભેદભાવોનો સદીઓ જૂનો ઈતિહાસ હોવા છતાં દલિતોમાં હજુ પણ એક વર્ગ છે, જે પોતાની જાતને હિંદુ માને છે અને બ્રાહ્મણો દ્વારા ઉભા કરાયેલા કથિત દેવી-દેવતાઓમાં આસ્થા ધરાવે છે અને તેમના મંદિરોમાં દર્શન કરવા માટે પણ જાય છે. પરંતુ જ્યારે તેઓ મંદિરોમાં પ્રવેશ કરવા જાય છે, ત્યારે જ તેમને ખ્યાલ આવે છે કે, તેઓ હિંદુ નથી પરંતુ અછૂત છે અને હિંદુ ધર્મમાં તેમનું કોઈ સ્થાન નથી.
આવી જ એક ઘટના દક્ષિણ ભારતમાંથી સામે આવી છે. આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના ઓરવાકલ તાલુકાના સોમાયજુલપલ્લી ગામમાં સુનકુલામ્મા મંદિરમાં એક દલિત મહિલાને પ્રવેશતા અટકાવવામાં આવ્યા બાદ વિવાદ ફાટી નીકળ્યો છે. આ મામલે હવે પૂજારી અને તેના પુત્ર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ફરિયાદ મુજબ, દલિત માલા સમાજની સરકારી કર્મચારી માલતી દર્શન માટે મંદિરમાં ગઈ હતી. એવો આરોપ છે કે જનાર્દન નામના પુજારીએ તેને પ્રવેશતા અટકાવી હતી. મહિલાનું કહેવું છે કે પુજારીએ તેને કહ્યું હતું કે તેની “મર્યાદાઓ” છે અને તે તેને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપશે નહીં. પુજારીના પુત્ર વામસીએ પણ આ વાતને ટેકો આપ્યો હતો.
માલતીએ કહ્યું કે જ્યારે તેણે શા માટે તેને મંદિરમાં પ્રવેશવા નથી દેવાતી તેમ પૂછ્યું તો પૂજારીએ કહ્યું કે તમારી મર્યાદામાં રહો. તમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી. તમારે જેને ફરિયાદ કરવી હોય તેને કરી શકો છો. આ ઘટનાને લઈને મંદિર પરિસરમાં ઝઘડો થયો હતો, જેના કારણે ગામમાં તણાવ સર્જાયો હતો.

આ પણ વાંચો: ખંભાતના ભાટ તલાવડીના 6 સલાટો સામે એટ્રોસિટીની ફરિયાદ
બીજો કોઈ વિકલ્પ ન દેખાતા માલતીએ ઓરવાકલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં પુજારી સામે SC/ST એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. ફરિયાદ નોંધાવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા, માલતીએ કહ્યું કે આજના સમયમાં પણ જાતિ ભેદભાવનો સામનો કરવો ખૂબ જ પીડાદાયક છે.
તેણીએ કહ્યું, “ભગવાન સમક્ષ બધા સમાન છે. જાતિના આધારે મંદિરમાં પ્રવેશ ન આપવો એ સંપૂર્ણપણે ખોટું છે.” માલતીએ એ પણ સ્પષ્ટતા કરી કે તેણીએ ફક્ત પોતાના માટે જ નહીં, પરંતુ ભવિષ્યમાં બીજા કોઈને આવી અપમાનજનક પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. ઓરવાકલ પોલીસે ફરિયાદ મળ્યાની પુષ્ટિ કરી અને કહ્યું કે FIR નોંધવામાં આવશે અને કાયદા મુજબ તપાસ કરવામાં આવશે.
તમિલનાડુમાં તહેવારો દરમિયાન મંદિર પ્રવેશ પર પ્રતિબંધ
એપ્રિલ 2025 માં, તમિલનાડુના નામક્કલ જિલ્લાના એક ગામમાં તણાવ ફાટી નીકળ્યો હતો. ત્યારે વાર્ષિક ઉત્સવ દરમિયાન કથિત સવર્ણ હિન્દુઓ દ્વારા કેટલાક દલિત ગ્રામજનોને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: પગાર ન થતા બાંકે બિહારી મંદિરના રસોઈયાએ ઠાકુરજીને ભૂખ્યા રાખ્યાં
વીસનમ ગામમાં વાર્ષિક ઉત્સવ દરમિયાન દલિતોને શ્રી મહા મરિયમ્માન મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. આ મંદિર હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (HR&CE) વિભાગ હેઠળ આવે છે.
દલિત ગ્રામજનોએ મંદિરની પૂજા અને ઉત્સવોમાં ભાગ લેવાની પરવાનગી માંગી હતી, પરંતુ કેટલાક ઉચ્ચ જાતિના હિન્દુ ગ્રામજનોએ વાંધો ઉઠાવ્યો હતો, અહેવાલ મુજબ દલિતોએ મંદિરમાં પ્રવેશ કરવાને બદલે પોતાનું અલગ મંદિર બનાવવું જોઈએ.
અગાઉ, તહેવાર પહેલા, અસામાજિક તત્વોએ ‘કંબમ’ – જે મંદિર ઉત્સવની શરૂઆતનું પ્રતીક છે – ને ઉપાડીને નજીકના કૂવામાં ફેંકી દીધું, જેનાથી વિસ્તારમાં તણાવ વધુ વધ્યો હતો.
આ પણ વાંચો: બે બૌદ્ધ દેશો એક શિવ મંદિર માટે કેમ લોહી વહેવડાવી રહ્યાં છે?
પરિસ્થિતિ વણસી જતાં, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસને ગામમાં તૈનાત કરવામાં આવી. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે તે એક જાહેર મંદિર છે અને HR&CE વિભાગ હેઠળ આવે છે, તેથી બધા હિન્દુઓને ત્યાં પૂજા કરવાનો અધિકાર છે. આ હોવા છતાં, કેટલાક ઉચ્ચ જાતિના સભ્યોએ દલિતોના પ્રવેશનો વિરોધ કરવાનું ચાલુ રાખ્યું હતું.
આ ઘટનાઓ દર્શાવે છે કે, કહેવા માટે હિંદુ એક ધર્મ છે પરંતુ હકીકત તેનાથી જુદી છે. હિંદુઓ ચોક્કસ જાતિઓના વાડાઓ છે અને તેમાં દલિતોનું સ્થાન સૌથી નીચેની કક્ષાનું છે. મનુસ્મૃતિ આધારિત વર્ણવ્યવસ્થા તેનું મૂળ તત્વ છે, જેમાં બ્રાહ્મણોએ પોતાને સૌથી ઉપર ગણાવ્યા છે અને અન્ય જાતિના લોકોને તેમનાથી નિમ્ન સ્તરના ગણાવી ભેદભાવના બીજ રોપ્યા હતા. એટલે જ, ડો.આંબેડકરે આ જાતિવાદી ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો. દેશ આઝાદ થયાના 78 વર્ષ પછી પણ દલિતોને સમાનતા માટે લડવું પડે છે તે દર્શાવે છે કે, હિંદુઓ કદી નહીં સુધરે.
આ પણ વાંચો: તિરુપતિ મંદિરમાં લાડુ બાદ હવે 54 કરોડનું દુપટ્ટા કૌભાંડ ઝડપાયું











દલિત -આદિવાસીઓને જો મંદિરમાં પ્રવેશતાં અટકાવે તો કોઇ દલિત -આદિવાસી સંગઠનોએ તેનો વિરોધ ન કરવો જોઈએ .કેમકે , આ તો સદીઓ થી થતું આવે છે.તેઓ આપણ ને હિન્દુ માનતાજ નથી તો પછી પરાણે આપણે શા માટે હિન્દુ બનીને તેમના દેવોના દર્શને જવું જોઈએ ? શા માટે અપમાન સહન કરો છો ? બાબાસાહેબ આંબેડકરે તમારા માટે અમસ્તું જીવન બરબાદ કરી નાખ્યું .હવે તો સમજો.સૌ બાબાસાહેબને અનુસરો અને બૌદ્ધ બનો .તમને કોઇ દેવી દેવતા નહિ બચાવે.છેવટે તો બાબાસાહેબ નું બંધારણ આગળ ધરો છો.હવે તો શરમ કરો , કંઇક સમજો.