Dalit News: જો તમે દલિત સમાજમાંથી આવતા હશો તો ખ્યાલ હશે કે, નાનપણમાં પ્રાથમિક શાળામાં ભણતી વખતે તમને ભણાવતા મોટાભાગના શિક્ષકો કઈ જાતિના હતા, અને તેઓ તમારી સાથે કેવો વ્યવહાર કરતા હતા. જો યાદશક્તિ પર થોડો વધુ ભાર આપશો તો એ પણ યાદ આવશે કે ચોક્કસ જાતિના તમારા એ શિક્ષક તમારી જાતિનો ઉલ્લેખ કરીને સતત તમારું અને તમારા પરિવારનું, તમારી જાતિના લોકોનું અત્યંત ખરાબ ભાષામાં અપમાન કરતા હતા. જ્યારે ભણવામાં તમારાથી કોઈ ભૂલ થાય અથવા તમને કશું આવડે નહીં ત્યારે આ ચોક્કસ જાતિના શિક્ષક તરત તમારા પર તૂટી પડતા અને તેમાં ગંદી જાતિસૂચક ગાળો આપીને માર મારતા. આ સિલસિલો આજે પણ યથાવત છે અને આ ઘટના તેની સાબિતી છે.
રાયબરેલીના સલોન વિસ્તારની સ્કૂલની ઘટના
મામલો જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તર પ્રદેશનો છે, જ્યાં દલિત અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના રાયબરેલીમાં એક દલિત વિદ્યાર્થીને ક્રૂર રીતે માર મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દલિત વિદ્યાર્થીની એકમાત્ર ભૂલ એ હતી કે તે તેનું હિન્દીનું પાઠ્યપુસ્તક લાવ્યો ન હતો. એ પછી શિક્ષકે તેને એટલો બધો માર માર્યો કે તે શાળામાં બેહોશ થઈ ગયો. વિદ્યાર્થીનો આરોપ છે કે શિક્ષકે પહેલા તેની જાતિ પૂછી હતી અને પછી તેને ઢોરની જેમ માર માર્યો હતો. ઘરે પહોંચ્યા પછી તેણે બાદમાં તેના પરિવારને આ વાત જણાવી હતી. તેના પરિવારે આરોપી શિક્ષક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહીની માંગ કરી છે.
આ પણ વાંચો: દુષ્કર્મ પીડિતા દલિત સગીરાએ સમાધાનની ના પાડતા પોલીસે માર માર્યો?
વિદ્યાર્થી બેભાન થયો ત્યાં સુધી માર માર્યો
રાયબરેલીના સલોન પોલીસ સ્ટેશન વિસ્તારની એક શાળામાં ધોરણ 12નો વિદ્યાર્થી તેનું હિન્દીનું પાઠ્યપુસ્તક લાવ્યો ન હતો. આટલી અમથી બાબત પર જાતિવાદી શિક્ષક ઓમ પ્રકાશ શુક્લા ગુસ્સે ભરાયો હતો. પહેલા તેણે વિદ્યાર્થીની જાતિ પૂછી અને પછી વર્ગખંડમાં બધાં વિદ્યાર્થીઓ વચ્ચે જાતિસૂચક અપશબ્દો કહીને ઢોર માર માર્યો હતો. આ જાતિવાદી શિક્ષક આટલેથી જ અટક્યો નહોતો. તે દલિત વિદ્યાર્થીને ક્લાસની બહાર લઈ ગયો હતો અને ત્યાં પણ તેને માર માર્યો હતો. વિદ્યાર્થીનું કહેવું છે કે, તે શિક્ષકના મારથી બેભાન થઈ ગયો હતો, તેમ છતાં ભાનમાં આવ્યો ત્યાં સુધી કોઈ સારવાર નહોતી કરાઈ. આરોપી શિક્ષકે જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેને ધમકી આપીને કહ્યું હતું કે, પોલીસે કે બીજું કોઈપણ મારું કશું બગાડી શકે તેમ નથી. તારાથી થાય તે કરી લેવું.
વિદ્યાર્થીએ કહ્યું, શિક્ષકે પહેલા મારી જાતિ પૂછી પછી માર્યો
વિદ્યાર્થીનું કહેવું છે કે શિક્ષકે મારી જાતિ પૂછી અને જ્યારે તેણે તેમને કહ્યું કે તે દલિત સમાજમાંથી આવે છે, ત્યારે શિક્ષક અત્યંત ગુસ્સે ભરાયા હતા અને તેને એટલી નિર્દયતાથી માર મારવામાં આવ્યો કે તે શાળામાં બેહોશ થઈ ગયો. વિદ્યાર્થીએ એમ પણ જણાવ્યું હતું કે ભાનમાં આવ્યા પછી પણ તેને ઘરે મોકલવામાં આવ્યો ન હતો, પરંતુ તેને શાળામાં બેસાડી રાખવામાં આવ્યો હતો અને માર માર્યા પછી તેને તેનું હોમવર્ક પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીના શરીર પર મોટા ઉઝરડા પડ્યાં
વિદ્યાર્થીને એટલી ગંભીર રીતે મારવામાં આવ્યો હતો કે તેના શરીર પર મોટા લાલ ઉઝરડા પડી ગયા હતા. તેના પરિવારે આરોપી શિક્ષક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહીની માંગ કરી છે.
દલિત વિદ્યાર્થીએ શાળાએ જવાનું બંધ કર્યું
જોકે, આ મામલે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી, કે શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. શાળાએ પણ માર મારવા અંગે હજુ સુધી કોઈ નિવેદન જારી કર્યું નથી. આ ઘટના બાદ, વિદ્યાર્થીએ હાલમાં શાળામાં જવાનું બંધ કરી દીધું છે.
આ પણ વાંચો: બોટાદમાં ચોરીના આરોપી સગીરને પોલીસે એટલો માર્યો કે કિડની ફેલ થઈ ગઈ!











Users Today : 41