Raghav Chadha on recharge scam: AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ સંસદમાં ટેલિકોમ કંપનીઓના 28 દિવસના રિચાર્જ પ્લાનના ખેલનો પર્દાફાશ કર્યો. જાણો કેવી રીતે થાય છે લૂંટ.
Raghav Chadha on recharge scam

Raghav Chadha on recharge scam: આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ દેશના કરોડો મોબાઈલ યુઝર્સના હિતમાં એક અત્યંત મહત્વનો અને સંવેદનશીલ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે ટેલિકોમ કંપનીઓના પ્રી-પેડ પ્લાન્સની રણનીતિને એક સુનિયોજિત ‘સ્કેમ’ અથવા છેતરપિંડી ગણાવીને દેશભરમાં ચર્ચા જગાવી છે. ચઢ્ઢાએ તર્કબદ્ધ રીતે સમજાવ્યું કે કેવી રીતે ભારતની ટેલિકોમ કંપનીઓ સામાન્ય નાગરિકોના ખિસ્સા પર વધારાનો આર્થિક બોજ નાખી રહી છે. તેમના મતે, જ્યારે કેલેન્ડર વર્ષમાં કુલ 12 મહિના હોય છે, તો પછી ગ્રાહકોએ વર્ષમાં 13 વખત રિચાર્જ કેમ કરાવવું પડે છે?

રાઘવ ચઢ્ઢાએ આંકડાકીય ગણતરી રજૂ કરતા જણાવ્યું કે ટેલિકોમ ઓપરેટર્સ ગ્રાહકોને 30 દિવસના બદલે 28 દિવસનો ‘મંથલી’ પ્લાન પધરાવે છે. જેનાથી દર મહિને 2 થી 3 દિવસ ઓછા પડે છે. જો આ 28 દિવસના હિસાબને આખા વર્ષ માટે ગણવામાં આવે તો 28 ગુણ્યા 13 એટલે કે 364 દિવસ થાય છે. આનો સીધો અર્થ એ થયો કે કંપનીઓ ગ્રાહકો પાસેથી દર વર્ષે એક આખા મહિનાનું વધારાનું ભાડું વસૂલે છે. તેમણે ધારદાર શબ્દોમાં કહ્યું કે, કંપનીઓ ગ્રાહકોને 30 દિવસની ‘ફીલિંગ’ આપે છે પરંતુ હકીકતમાં ‘ડીલિંગ’ માત્ર 28 દિવસની જ કરે છે. આ એક એવી કોમર્શીયલ વ્યૂહરચના છે જેના કારણે સામાન્ય માણસને ખબર પણ નથી પડતી કે તે વર્ષમાં 12 ને બદલે 13 મહિનાના પૈસા ચૂકવી રહ્યો છે.

આ પણ વાંચો: તમે ભારતના વૉટરમેન ‘ડૉ.આંબેડકર’ને ઓળખો છો?

આ ઉપરાંત, તેમણે બીજી એક ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોર્યું છે, જે છે રિચાર્જ ખતમ થતાની સાથે જ ઈનકમિંગ કોલ્સ બંધ થઈ જવા. ભારતમાં 125 કરોડ મોબાઈલ યુઝર્સ છે, જેમાંથી અંદાજે 90 ટકા લોકો પ્રી-પેડ સેવાનો ઉપયોગ કરે છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે દુનિયામાં ક્યાંય એવું નથી બનતું કે રિચાર્જ પૂરું થતા જ ઈનકમિંગ સેવા પણ બંધ કરી દેવામાં આવે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, જેઓ માત્ર ફોન મેળવવા માટે જ મોબાઈલ રાખતા હોય છે, તેમના માટે આ નીતિ અત્યંત અન્યાયી છે. જ્યારે બેંકના હપ્તા (EMI), મકાનનું ભાડું, વીજળીનું બિલ, ગેસ અને પાણીના બિલ જેવી તમામ પાયાની જરૂરિયાતો 30 કે 31 દિવસના કેલેન્ડર મહિના મુજબ ચાલે છે, તો પછી માત્ર મોબાઈલ રિચાર્જ જ 28 દિવસના કેમ? આ તફાવત ટેલિકોમ કંપનીઓની લાલચ અને ગ્રાહકોના શોષણને સ્પષ્ટપણે દર્શાવે છે.

આ પણ વાંચો: સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સ્વામી ભગાવો ઉતારી ફરી સંસારી બન્યા!

રાઘવ ચઢ્ઢાએ સરકાર અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ને આ બાબતે ગંભીરતાથી વિચારવા અને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. તેમણે માંગ કરી છે કે રિચાર્જ પ્લાનને ગ્રાહક લક્ષી અને પારદર્શક બનાવવામાં આવે. તમામ ટેલિકોમ કંપનીઓ માટે 30 કે 31 દિવસના કેલેન્ડર મંથ મુજબના પ્લાન ફરજિયાત કરવામાં આવે જેથી ગ્રાહકોને વર્ષમાં વધારાનું રિચાર્જ ન કરાવવું પડે. જો આ ફેરફાર અમલમાં આવે, તો દેશના કરોડો ગ્રાહકોને આર્થિક રાહત મળશે અને તેમના મહેનતના પૈસા બચશે. રાઘવ ચઢ્ઢાના આ આક્રમક વલણ અને તાર્કિક રજૂઆત બાદ હવે સરકાર ટેલિકોમ કંપનીઓ સામે કેવા પગલાં લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં SC, ST, OBC ને ફાળવાતી રકમ મુદ્દે હોબાળો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x