પોતાના ઘોર મહિલા વિરોધી અને જાતિવાદી વિચારો માટે જાણીતા જગદગુરુ રામભદ્રાચાર્ય(Jagatguru Rambhadracharya)નો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે, જેમાં તેઓ અંગ્રેજી શબ્દ “WIFE” નું ફૂલફોર્મ (Wife full form) સમજાવીને મહિલાઓ વિશે ટિપ્પણી કરતા જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદથી સોશિયલ મીડિયા પર તેમની ટીકા થઈ રહી છે અને ઘણા લોકોએ તેને મહિલાઓનું અપમાન ગણાવીને વિરોધ કરી રહ્યા છે. જો કે, આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તે હજુ સુધી નક્કી થઈ શક્યું નથી. વાયરલ ક્લિપ જોનારા યૂઝર્સનું કહેવું છે કે, આ વીડિયો એડિટ કરેલો પણ હોઈ શકે છે. તેમ છતાં, આ મુદ્દો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ધ્યાન ખેંચી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં શું છે?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રામભદ્રાચાર્ય કહેતા જોવા મળે છે કે, “પત્ની કેટલી ખતરનાક હોય છે. વાઈફનો પહેલો અક્ષર શું છે? W એટલે વન્ડરફૂલ, I એટલે ઈન્સ્ટ્રુમેન્ટ, F એટલે ફોર, અને E એટલે એન્જોય… તો તેનો અર્થ થયો ‘વન્ડરફૂલ ઈન્સ્ટ્રુમેન્ટ ફોર એન્જોય’. એટલે કે મોજ-મસ્તી માટેનું રમકડું. રામભદ્રાચાર્યના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર આક્રોશ ફેલાયો છે, ઘણા યૂઝર્સ તેને સ્ત્રીઓનું અપમાન ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો: ‘સ્વામીનારાયણ, બ્રહ્માકુમારી, ઈસ્કોન વગેરે ફ્રોડ સંપ્રદાયો છે!’ : શંકરાચાર્ય
વાયરલ વીડિયોમાં હિંદુ પરંપરાની વાત
વાયરલ વીડિયોમાં રામભદ્રાચાર્ય આગળ હિન્દુ પરંપરાનો ઉલ્લેખ કરે છે અને કહે છે, “પત્ની એટલે એવી વ્યક્તિ જે યજ્ઞમાં પોતાના પતિનો સાથ આપે. આપણા દેશમાં પત્નીઓ હનીમૂન મનાવવા માટે નથી હોતી..આપણે ત્યાં તો ‘મૂન’ હંમેશા ‘હની’ રહે છે. આપણે ત્યાં સ્ત્રીઓનો ઉપયોગ ભોગ માટે નહીં પરંતુ યોગ માટે થાય છે.” આ નિવેદનને પણ સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ સાથે પણ શેર કરી રહ્યા છે.

વીડિયો એડિટ કરાયેલો હોવાની આશંકા
ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સ દાવો કરે છે કે રામભદ્રાચાર્યનો વાયરલ વીડિયો એડિટ કરાયેલો છે, જ્યારે અન્ય લોકો દાવો કરે છે કે આ તેમનું જ નિવેદન છે. જો કે, ઓફિશિયલી આ વીડિયોની સત્યતાની ન તો ખાતરી થઈ છે, ન તો રામભદ્રાચાર્યના પ્રતિનિધિઓ દ્વારા કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું છે.
Aren’t You Still Ashamed As A Citizen ?
This guy calls his wife a “Wonderful Instrument of Enjoyment”.
And This Guy has been Awarded by the Modi Government –
👉 17 February 2024 Rambhadracharya was named a recipient of the 58th Jnanpith Award (for 2023).
👉 In 2015,… pic.twitter.com/RwVDSGJYyn
— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) November 27, 2025
રામભદ્રાચાર્ય પહેલા પણ વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે, રામભદ્રાચાર્ય અગાઉ પણ અનેકવાર પોતાના નિવેદનોને કારણે વિવાદમાં આવી ચૂક્યા છે. અગાઉ તેમણે મુસ્લિમ મહિલાઓ વિશે એક નિવેદન આપ્યું હતું જેમાં કહ્યું હતું કે, “ઇસ્લામમાં મહિલાઓની દુર્ગતિ છે. તેમણે 25-25 બાળકો પેદા કરવા પડે છે.” એ વખતે પણ ઘણી સામાજિક સંસ્થાઓ અને લોકોએ તેમની આકરી ઝાટકણી કાઢી હતી. રામભદ્રાચાર્ય તેમના કટ્ટર જાતિવાદી વિચારો માટે પણ કુખ્યાત છે. થોડા દિવસ પહેલા તેમણે દલિતો-આદિવાસીઓને મળતી અનામતને હટાવી દેવાની વાત કરી હતી. એ સિવાય પણ તેમણે ઘણીવાર એસસી-એસટી વિરોધી નિવેદનો કર્યા છે.
આ પણ વાંચો: ‘રામને ન માનનારા ચમાર છે..’ કહેનાર રામભદ્રાચાર્યને ‘જ્ઞાનપીઠ’ મળ્યો










