સુપ્રીમ કોર્ટે મુંબઈમાં કબૂતરોને દાણાં ખવડાવતા લોકો સામે એફઆઈઆર નોંધવાનો આદેશ કર્યો છે. સાથે જ કોર્ટે દાણાં ખવડાવવા પર પ્રતિબંધ સામે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે અને અરજદારોને હાઈકોર્ટમાં જવા કહ્યું છે. એટલું જ નહીં, બોમ્બે હાઈકોર્ટના નિર્ણય સામે ટોળા દ્વારા બળજબરીથી દાદર કબૂતરખાનું ખોલીને કબૂતરોને ખવડાવવાની ઘટના પર ગુસ્સો વ્યક્ત કરતા ન્યાયાધીશ જેકે મહેશ્વરી અને ન્યાયાધીશ વિજય બિશ્નોઈની બેન્ચે કહ્યું છે કે, જે કોઈ પણ આ રીતે કોર્ટના આદેશનો અનાદર કરી રહ્યું છે, તેની ધરપકડ કરવી જોઈએ અને તેમની સામે ફોજદારી કેસ નોંધવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું, “આ કોર્ટ દ્વારા સમાનાંતર દખલ વાજબી નથી. અરજદાર આદેશમાં ફેરફાર માટે હાઈકોર્ટમાં જઈ શકે છે.” સુપ્રીમ કોર્ટની પીઠે કબૂતરોને ખવડાવવાથી આરોગ્ય માટે ગંભીર ખતરો ઉભો થાય છે તેવા હાઇકોર્ટના આદેશમાં દખલ કરવાનો પણ ઇનકાર કર્યો હતો અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને નિર્દેશ આપ્યો હતો કે જેઓ કોર્પોરેશનના નિર્દેશોનું ઉલ્લંઘન કરીને મુંબઈના ‘કબૂતર ખાના’માં કબૂતરોને ખવડાવવાનું ચાલુ રાખે છે તેમની સામે ફોજદારી કેસ નોંધે.
હાઇકોર્ટે શું કહ્યું?
ગયા મહિને હાઇકોર્ટે પ્રાણી પ્રેમીઓ અને પ્રાણી અધિકાર કાર્યકરો દ્વારા દાખલ કરાયેલી અનેક અરજીઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે દાદર, ચર્ચગેટ સહિત વિવિધ સ્થળોએ કબૂતર ખાનામાં કબૂતરોને ખવડાવવું એ જાહેર ઉપદ્રવ છે અને લોકોના સ્વાસ્થ્ય માટે પણ ખતરો છે. કોર્ટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને આવી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે એફઆઈઆર નોંધવાનો પણ નિર્દેશ આપ્યો હતો. આમાં, દાદર, ચર્ચગેટ સુધી વિવિધ સ્થળોએ બનેલા કબૂતરખાનાઓમાં કબૂતરોને ખવડાવવાનું બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: આદિવાસી મહિલાને પિતાની મિલકતમાં હિસ્સો મેળવવાનો અધિકાર: સુપ્રીમ કોર્ટ
‘કબૂતર ખાનાને તોડી પાડવા પર પ્રતિબંધ
શરૂઆતમાં, હાઈકોર્ટે BMCને ‘કબૂતરખાના તોડી પાડવાથી રોકી હતી, સાથે એમ પણ કહ્યું હતું કે કબૂતરોને ખવડાવવાની મંજૂરી આપી શકાતી નથી. 30 જુલાઈના રોજ, આરોગ્ય સંબંધિત જોખમો હોવા છતાં અને લોકો મ્યુનિસિપલ અધિકારીઓના કામમાં અવરોધ ઉભો કરી રહ્યા હોવા છતાં, કબૂતરોને ખવડાવવાની પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનું ધ્યાનમાં રાખીને, કોર્ટે કબૂતરોના જૂથોને ખવડાવવાનું ચાલુ રાખનારાઓ સામે ફોજદારી કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.
જૈન સમાજ રોષે ભરાયો
ઉલ્લેખનીય છે તાજેતરમાં જૈન અને ગુજરાતી સમાજના લોકોએ મુંબઈમાં આનો વિરોધ કર્યો હતો અને દાદર કબૂતરખાના ઉપર ઢાંકેલી તાડપત્રી ફાડી નાખી ત્યાં કબૂતરોને ખવડાવ્યું હતું. ઘણા રાજકીય પક્ષોએ આની સામે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. મામલો ગરમાતો જોઈને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને સ્પષ્ટતા કરી હતી કે BMCના લોકો કબૂતરોને ખવડાવશે. તેમના સિવાય કોઈને પણ આવું કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો: માથે મેલું પ્રથા નાબૂદ કરવા નક્કર રૂપરેખા તૈયાર કરો: હાઈકોર્ટ
જૈન મુનિએ કહ્યું- આદેશોનું પાલન નહીં કરીએ
બીજી તરફ, આજે પણ જૈન સમાજના લોકોએ આ નિર્ણય સામે આક્રમક વિરોધ કર્યો હતો. ભીડે BMC દ્વારા ઢાંકવામાં આવેલી તાડપત્રી અને લાકડીઓ તોડી નાખી હતી. કેટલીક મહિલાઓ કથિત રીતે દોરડા અને દોરી કાપવા માટે હાથમાં છરીઓ લઈને આવી રહી હતી. આ ઘટના પછી, જૈન મુનિ નિલેશચંદ્ર વિજયે કડક નિવેદન આપ્યું હતું કે, “જો કોર્ટ અમારા ધર્મના માર્ગમાં આવશે, તો અમે તેની વાત પણ નહીં માનીએ. ” તેમની ટિપ્પણીની પાછળથી વ્યાપક ટીકા થઈ હતી.
મુંબઈમાં ઘર્ષણ થવાના એંધાણ
આ ઘટનાના જવાબમાં મરાઠી એકતા સમિતિએ આજે જાહેરાત કરી હતી કે તે જૈન સમાજના કાર્યોનો વિરોધ કરશે. સંગઠને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. સમિતિએ કબૂતરખાનાને કાયમી ધોરણે બંધ કરવાની હાકલ કરી છે અને બુધવારે દાદરમાં વિરોધ કરવાની ચેતવણી આપી છે. પોલીસ વિરોધ પ્રદર્શનને મંજૂરી આપશે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી. દરમિયાન, જો સમિતિના કાર્યકરો રસ્તા પર ઉતરે છે, તો મનસે અને ઠાકરે જૂથ જેવા રાજકીય પક્ષો આંદોલનને ટેકો આપી શકે છે.
આ પણ વાંચો: સહમતીથી સેક્સની ઉંમર 16 વર્ષ કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ