રેશનાલિસ્ટ લંકેશ ચક્રવર્તીનું ‘પલ્લી પરિવર્તન અભિયાન’ શું છે?

અમદાવાદના રેશનાલિસ્ટ લંકેશ ચક્રવર્તી રૂપાલની પલ્લીમાં કરોડોનું શુદ્ધ ઘી ઢોળવા સામે અભિયાન ચલાવી રહ્યાં છે. જાણો શું છે તેમનું અભિયાન?
Rupal Palli

Global Hunger Index 2025માં 127 દેશોમાં ભારતનું સ્થાન 105મું છે. Human Development Index 2025માં 193 દેશોમાં ભારતનું સ્થાન 130મું છે. World Happiness Report 2025 મુજબ 147 દેશોમાં ભારત 118મા સ્થાને છે. નીતિ આયોગના એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં દર 100 બાળકોમાંથી 38 બાળકો કુપોષણથી પીડિત છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ મુજબ ગુજરાતમાં 1.5 લાખ બાળકો અલ્પ વિકસિત છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં બાળકોના કુપોષણની સ્થિતિ વધી રહી છે. આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ અનુસંધાન મુજબ ગુજરાતમાં 15-49 વયની 1.26 કરોડ મહિલાઓ એનીમિયાથી પીડિત છે. નીતિ આયોગના 2023-24 મુજબ ગુજરાત ભૂખ સૂચકાંકમાં 36 રાજ્યોમાં 25માં સ્થાને છે. કુપોષણની સ્થિતિ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિના આહારમાં પર્યાપ્ત માત્રામાં પોષક તત્વ ન હોય. કુપોષણના કારણે બાળકો અને મહિલાઓમાં અનેક પ્રકારની બીમારીઓ થાય છે.

30 સપ્ટેમ્બર 2025ના રોજ ગાંધીનગરથી 15 કિલોમીટર દૂર આવેલા રૂપાલ ગામે નવરાત્રીમાં નોમની રાત્રે, દર વર્ષની માફક વરદાયીની માતાની પલ્લીમાં આશરે 25 કરોડની કિંમતનું શુદ્ધ ધી રસ્તા ઉપર ઢોળી નાખવામાં આવશે; શું આ આઘાતજનક નથી? શા માટે આ ઘી ઢોળાય છે? માત્ર અંધશ્રદ્ધાના કારણે. વર્ષોથી ગામના નિર્ધારીત 27 ચોકમાં એકઠું થયેલું કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી પલ્લી ઉપર ઢોળીને, ધુળીયા રસ્તાઓ શુદ્ધ ઘીથી રેલમછેલ કરાય છે.

આ પણ વાંચો: Thalapathy Vijay ની રેલીમાં ભાગાભાગી, 39 ના મોતની જવાબદારી કોની?

દર વર્ષે આ જાહેર બગાડ થાય છે. લાખો માણસોના પગ તળે કચડાઈને ધૂળમાં મળેલું, કાદવવાળુ ઘી પરંપરાના નામે ગામના વાલ્મિકી સમાજના લોકો સફાઈના નામે લઈ જાય છે. અનેક પ્રકારની મથામણો બાદ તેમાંથી થોડું ઘણું ખાવાલાયક ઘી મેળવી તે જીવન નિર્વાહના ભાગરૂપે ગરીબાઈને કારણે ના-છુટકે જાત ઉપયોગમાં લે છે. આઝાદીના 75 વર્ષ પૂરા થયા પણ આપણે અંધશ્રદ્ધાઓને કારણે ખાધ ચીજોનો માનવ વપરાશની જગ્યાએ બિનજરૂરી મોટા પાયે થતો બગાડ અટકાવી શક્યા નથી.

બીજી અંધશ્રદ્ધા પણ ખતરનાક છે. આ પલ્લીમાં, અંધશ્રદ્ધા રૂપે બાધા આખડીવાળા કુમળા બાળકોને ધાર્મિક વિધિના નામે લાખોની માનવ ભીડમાં પલ્લીની ભડભડતી જ્યોત સાથે સ્પર્શ કરાવવાનું ક્રૂરતાભર્યું કૃત્ય થાય છે. જેમાં બાળક રડતું કકળતું, હિજરાતું એક જગ્યાએથી બીજી જગ્યાએ અનેક અજાણ હાથોમાં ગભરાતું, ફંગોળાતું રહે છે. રૂપાલ ગામમાં વરદાયીની માતા ટ્રસ્ટના અધ્યક્ષ મામલતદાર છે. છતાંય આ બગાડ અટકી શક્યો નથી.

શુદ્ધ ઘીના બગાડ બાબતે રેશનાલિસ્ટ લંકેશ ચક્રવર્તીએ ગુજરાત હાઇકોર્ટમાં પીટિશન કરતા (રિટ પિટિશન નંબર – 7576 / 1998) હાઈકોર્ટે લોકજાગૃતિ પર ભાર મૂક્યો હતો. એટલા માટે લંકેશ ચક્રવર્તી અને તેમની ટીમ આ બાબતે જાગૃતિ અભિયાન ચલાવે છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિ.એ જાહેરાત-ઈન્ટરવ્યૂ વિના સગાઓને આસિ. પ્રોફેસર બનાવ્યા

થોડાંક પ્રશ્નોઃ

[1] બંધારણના આર્ટિકલ- કલમ 51(A)(H) મુજબ વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની અને અંધશ્રદ્ધાના નામે ખાદ્ય પદાર્થોનો બગાડ અટકાવવાની દરેક નાગરિકની અને સરકારમાં બેઠેલ અધિકારી/ મંત્રીઓની ફરજ નથી?

[2] રૂપાલ ગામે ચઢાવવા માટે આવેલા શુદ્ધ ઘીમાંથી તેને હાઇજેનિક રીતે મંદિરમાં સાચવી રાખવામાં આવે અને ટોકન જેટલું ચમચી ભરીને ઘી ચઢાવી બાકીનું શુદ્ધ ઘી ફરી વપરાશમાં લેવાય તેવું આયોજન ન થઈ શકે?

[3] દાન પેટે આવેલા શુદ્ધ ઘીની યોગ્ય વ્યવસ્થા કરી, લાડુ શીરો કે સુખડી બનાવી પ્રસાદરૂપે આપી ન શકાય?

[4] વિકલ્પ તરીકે આ શુદ્ધ ઘીને વ્યાજબી ભાવે વેચાણ કરી, તે આવકમાંથી ગામના વિકાસલક્ષી કામો; પાકા રસ્તાઓ, સુંદર બાગ-બગીચા, લાયબ્રેરી, આંગણવાડી, પ્રાથમિક શાળા, સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ, હોસ્પિટલ, અનાથ આશ્રમ, ગૃહ ઉદ્યોગ, બાળ અને મહિલા કલ્યાણ કેન્દ્રો વગેરે વ્યવસ્થા ઊભી ન કરી શકાય?

આ પણ વાંચો: નવરાત્રિ અને ગરબા તો મને પણ બહુ ગમતા, પણ…

[5] ગામમાં ઢોળાયેલું અખાદ્ય થઈ ગયેલા ઘી ભેગું કરવાની સફાઈ કામદાર સમુદાય માટે ધિક્કારજનક પરંપરા સરકારે અટકાવવી ન જોઈએ?

[6] સગીર બાળકો ઉપર પલ્લીની ભડભડતી જ્યોત સાથે સ્પર્શ કરાવવાની ધાર્મિક વિધિ પણ બાળ કલ્યાણની વિરુદ્ધ નથી?

[7] ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે પૂજાવિધિ માટે ઘી વપરાય તેમાં હાઈકોર્ટ માથું ન મારી શકે, બરાબર. પરંતુ બગાડને પૂજાવિધિ કહી શકાય? વળી તે ઘી એકત્ર કરતા ગરીબોની લાચારીનો, અપમાનજનક સ્થિતિનો વિચાર કરવાનો કે નહીં? શું માનવ ગૌરવને હાનિ પહોંચે તેવી કોઈ પ્રવૃતિ પ્રત્યે હાઈકોર્ટ મોં ફેરવી લે તે ઉચિત છે?

[8] અનેક પડકારો વચ્ચે, લંકેશ ચક્રવર્તી અને તેમની ટીમ આ અંધશ્રદ્ધા સામે અભિયાન ચલાવે છે, શું ગુજરાતના જાગૃત MLA/MP, સ્વતંત્ર મીડિયા પ્લેટફોર્મ, એક્ટિવિસ્ટો, યુવાનો, મહિલાઓ ‘પલ્લી પરિવર્તન અભિયાન’ માટે અવાજ બુલંદ કરશે? આ અંધશ્રદ્ધા, ગાંડપણને આપણે પડકારીશું?

રમેશ સવાણી (લેખક પૂર્વ આઈપીએમ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)

આ પણ વાંચો: મહિષાસુર કોણ હતા, શા માટે તેમની હત્યા કરવામાં આવી હતી?

4.8 5 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x