Thalapathy Vijay Karur rally stampede: તમિલનાડુના કરૂર(Karur)માં સાઉથના અભિનેતા થલાપતિ વિજય(Thalapathy Vijay)ના રાજકીય પક્ષ તમિલાગા વેટ્રી કઝગમ (TVK) ની રેલીમાં ભાગાભાગી(stampede) થતા 39 લોકોના મોત થયા છે. આ ઘટનાએ ફરી એકવાર બેકાબૂ ભીડ માટે નેતા-અભિનેતાઓની જવાબદારીને લઈને સવાલ ઉભો કર્યો છે.
તમિલાગા વેટ્રી કઝગમ (TVK)ના વડા અને અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજય(Thalapathy Vijay)ની કરુર રેલીમાં ભાગદોડમાં 39 લોકો માર્યા ગયા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા. પોલીસ સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે ભીડ અચાનક આગળ વધી જતાં નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે ઘણા લોકો બેભાન થઈ ગયા હતા અને પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ હતી. મૃતકોમાં અનેક બાળકો પણ હતા. લોકોએ નાસભાગ માટે પોલીસ અને ગેરવહીવટને જવાબદાર ઠેરવી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીનો અંદાજ છે કે “ઓછામાં ઓછા 30,000 લોકો” રેલી સ્થળે હાજર હતા, જ્યાં વિજય નામક્કલમાં તેમની અગાઉની રેલી પછી ભાષણ આપવાના હતા. જોકે, વિજય 6 કલાકથી વધુ મોડો પડ્યો હતો, જેના કારણે ભીડ બેકાબૂ બની ગઈ હતી.
આ પણ વાંચો: રાઈટ બ્રધર્સ પહેલા આપણી પાસે ‘પુષ્પક વિમાન’ હતું: શિવરાજસિંહ ચૌહાણ
મુખ્યમંત્રી સ્ટાલિને તેમના મંત્રીઓને ઘટના સ્થળે મોકલ્યા
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “કરુરથી મળેલા અહેવાલો હૃદયદ્રાવક છે. મેં બેભાન થયેલા લોકોને તાત્કાલિક સારવાર આપવાનો આદેશ આપ્યો છે અને આરોગ્ય મંત્રી, કલેક્ટર અને ભૂતપૂર્વ મંત્રી સેન્થિલ બાલાજીને સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. ADGP ને સ્થિતિ સામાન્ય કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. મંત્રી અનબીલ મહેશને યુદ્ધના ધોરણે સહાય પૂરી પાડવા માટે કહેવામાં આવ્યું છે. હું જનતાને પોલીસને સહયોગ આપવા અપીલ કરું છું.”
વિજયની રેલીઓ પર સવાલો ઉઠ્યાં, સમર્થકો બેકાબૂ
આ પહેલી વાર નથી જ્યારે વિજયની રેલીઓ પર સવાલ ઉઠ્યા હોય. આ મહિનાની શરૂઆતમાં, તિરુચિરાપલ્લીમાં તેની પહેલી રેલીમાં, એક વિશાળ ભીડે એરપોર્ટથી રેલી સ્થળ સુધી તેના કાફલાને છ કલાક સુધી રોકી રાખ્યો હતો, જેના કારણે શહેરમાં ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો. સુરક્ષાના કારણોસર, પોલીસે ટીવીકેની રેલીઓ માટે 23 શરતો લાદી હતી, જેમાં કાફલા, જાહેર સ્વાગત અને સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો અને અપંગોને કાર્યક્રમ ઓનલાઈન જોવાની સલાહનો સમાવેશ થાય છે. જોકે, વિજયની વારંવાર વિનંતીઓ છતાં, તેમના સમર્થકોએ ખુલ્લેઆમ આ શરતોનો અનાદર કર્યો છે. ઘણા લોકો તેમના બાળકો અને શિશુઓને પોતાની સાથે લાવ્યા હતા.
આ પણ વાંચો: ‘OBC અનામત પર કોઈનો હુમલો સહન નહીં કરીએ’, છગન ભૂજબળ
મદ્રાસ હાઈકોર્ટે જવાબદારી પર પણ પ્રશ્ન ઉઠાવ્યો
મદ્રાસ હાઈકોર્ટે આ મહિનાની શરૂઆતમાં ટીવીકેની અરજી પર સુનાવણી કરતી વખતે, પોલીસ દ્વારા લાદવામાં આવેલી “કઠોર અને અવ્યવહારુ શરતો” પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. 13 સપ્ટેમ્બરના રોજ તિરુચિરાપલ્લી રેલીમાં થયેલી અંધાધૂંધીનો ઉલ્લેખ કરતા ન્યાયાધીશ એન. સતીશ કુમારે કહ્યું, “જો કંઈક અયોગ્ય બન્યું હોત, તો જવાબદારી કોણ લેત? પાર્ટી પ્રમુખ તરીકે, વિજયે ભીડને નિયંત્રિત કરવી જોઈતી હતી.” કોર્ટે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે શું આવી શરતો બધા પક્ષો પર સમાન રીતે લાગુ કરવામાં આવી રહી છે.
કરૂરની ઘટના માટે TVK જવાબદાર
કરુરની દુર્ઘટનાએ TVKની જવાબદારી અને પોલીસ તૈયારીઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. શું વિજયના મોડા પડવાથી ભીડનું દબાણ વધ્યું અને શું આ તેની લોકપ્રિયતા દર્શાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ હતો? શું અગાઉની રેલીઓમાંથી સંકેતો મળ્યા હોવા છતાં આવી દુર્ઘટનાને રોકવા માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા હતા?
ઘણા અસરગ્રસ્ત પરિવારો તેમના પ્રિયજનોના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ વિજયે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આ ઘટના અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. હાલ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. આ દુર્ઘટના ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે એક બોધપાઠ તરીકે સામે આવી છે.
આ પણ વાંચો: ‘તું મારા બાળકને જન્મ આપ, હું તને મારી પત્ની બનાવીશ’










