આપણા દેશમાં ભગવા વસ્ત્રો જોઈને તેમને પુણ્ય આત્મા માની લેતા લોકોનો તોટો નથી. ખાસ કરીને મહિલાઓ ઢોંગી બાવાઓની જાળમાં આસાનીથી ફસાઈ જતી હોય છે. મહિલાઓ માટે આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કથિત સાધુ છેલ્લાં પાંચ વર્ષથી મહિલાનું શોષણ કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
મામલો ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લાનો છે. જ્યાં સંસારની મોહ-માયા છોડીને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાનો દાવો કરનાર એક પાખંડી સાધુએ શ્રદ્ધાના નામે એક મહિલાનું પાંચ વર્ષ સુધી શારીરિક અને માનસિક શોષણ કર્યું હોવાની વિગતો બહાર આવી છે. આ કેસમાં ઈસ્લામનગર પોલીસે રવિવારે કથિત સાધુ મહેન્દ્ર શર્માની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

સાધુના વેશમાં શૈતાન
પોલીસ તપાસ મુજબ, આરોપી મહેન્દ્ર શર્મા મૂળ બદાયુના ઈસ્લામનગર વિસ્તારના અલ્લેહપુર સમસપુર ગામનો રહેવાસી છે. તે સમયે તે સંભલ જિલ્લાના બનિયાઠેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં પોતાની કુટિર નાખીને રહેતો હતો. તે ગામમાં તે ‘ભગત’ તરીકે જાણીતો થયો હતો અને લોકો તેની પાસે ધાર્મિક વિધિઓ અને દુઃખ દૂર કરવા માટે આવતા હતા.
આ પણ વાંચો: દલિત યુવકે ખેતરમાંથી પાણી પીતા ધીંગાણું, 191 લોકો સામે ફરિયાદ
આ દરમિયાન પીડિત મહિલા તેના સંપર્કમાં આવી હતી. મહિલાને સાધુ પ્રત્યે શ્રદ્ધા જાગી, જેનો ગેરલાભ લઈને મહેન્દ્ર શર્માએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણે સંસાર ત્યાગ્યો હોવા છતાં મહિલાને લગ્નનું વચન આપ્યું અને તેને ફોસલાવીને પોતાના ગામ સમસપુર લઈ આવ્યો. સાધુએ વચન આપ્યું હતું કે તે તેને પત્ની તરીકે સન્માન આપશે, પરંતુ વાસ્તવમાં તે મહિલાને માત્ર પોતાની હવસ સંતોષવાનું સાધન બનાવવા માંગતો હતો.
પાંચ વર્ષ સુધી મહિલાનું જાતિય શોષણ કર્યું
મહિલાએ પોતાના નિવેદનમાં પોલીસને જણાવ્યું હતું કે, સાધુ મહેન્દ્ર તેને પાંચ વર્ષ સુધી પત્નીની જેમ સાથે રાખતો રહ્યો. આ સમયગાળા દરમિયાન તેણે મહિલાની મરજી વિરુદ્ધ અનેકવાર તેનું શારીરિક શોષણ કર્યું. ભગવા વસ્ત્રો પહેરીને તે સમાજમાં સંત હોવાનો ઢોંગ કરતો હતો.

આ મામલામાં વધુ આઘાતજનક વળાંક ત્યારે આવ્યો જ્યારે મહિલાએ જણાવ્યું કે તેની સાથે રહેતી એક દલિત યુવતી પર પણ સાધુએ ખરાબ નજર નાખી હતી. સાધુએ તે યુવતીની પણ અવારનવાર છેડતી કરી હતી. જ્યારે મહિલા અને તે યુવતીએ સાધુના આ અમાનવીય કૃત્યોનો વિરોધ કર્યો, ત્યારે સાધુએ પોતાની ખોટી મર્યાદા છોડીને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તેણે મહિલા અને યુવતી બંનેને ઢોર માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી.
આ પણ વાંચો: ગાંધીનગરમાં SC-ST ચિંતન સભામાં અત્યાચારો સામે સંગઠિત થઈ લડવા હુંકાર
પોલીસ ફરિયાદ નોંધાતા સાધુ જેલ હવાલે
અંતે હિંમત ભેગી કરીને પીડિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં આ મામલો 12 ફેબ્રુઆરીએ સંભલના બનિયાઠેર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. ગુનાની ગંભીરતા જોઈને પોલીસે ‘ઝીરો FIR’ હેઠળ આઈપીસીની કલમ 376 (દુષ્કર્મ) મુજબ ગુનો નોંધ્યો હતો. જોકે, ઘટનાસ્થળ ઈસ્લામનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતું હોવાથી, કેસની તપાસ ત્યાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
ઈસ્લામનગર પોલીસની તપાસમાં અને મહિલાના મેજિસ્ટ્રેટ સમક્ષના નિવેદનોમાં સાધુની કરતૂતોની કાળી કથા બહાર આવી. આ બયાનોના આધારે પોલીસે છેડતી અને મારપીટની વધારાની કલમો ઉમેરી. રવિવારે પોલીસની ટીમે દરોડો પાડીને મહેન્દ્ર શર્માને ઝડપી પાડ્યો.
આ ઘટના માત્ર એક ગુનો નથી, પરંતુ તેવા લોકો માટે ચેતવણી છે જેઓ ધર્મના નામે આંધળો વિશ્વાસ કરે છે. સાધુનો પોશાક પહેરીને કોઈ સજ્જન નથી બની જતું, તે આ કિસ્સાએ સાબિત કર્યું છે. જે સાધુએ સંસારનો ત્યાગ કર્યો હતો, તેણે વાસનાને ખાતર એક મહિલાનું જીવન બરબાદ કરી નાખ્યું. હાલમાં પોલીસે આરોપીને જેલ હવાલે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સ્વામી ભગાવો ઉતારી ફરી સંસારી બન્યા!











