જાતિવાદી તત્વોને કોઈપણ રીતે કોમી વૈમનસ્ય ફેલાતું રહે અને દલિતો અને કથિત સવર્ણ જાતિના લોકો વચ્ચેની ખાઈ કાયમ રહે તેમાં જ રસ હોય તેમ જણાય છે. આવી જ એક ઘટના ઝારખંડના કોલસા નગરી તરીકે જાણીતા ધનબાદમાં બની છે. અહીં રામનવમીની ઉજવણી દરમિયાન એક અત્યંત શરમજનક અને સામાજિક સૌહાર્દને ઠેસ પહોંચાડતી ઘટના સામે આવી છે.
શહેરના મુખ્ય વિસ્તારમાં આવેલા ડૉ.આંબેડકર ચોક પર સ્થાપિત ભારતીય બંધારણના શિલ્પી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે કેટલાક અસામાજિક અને અરાજક તત્વોએ ચેડાં કર્યા હતા. આ તત્વોએ પ્રતિમાની આસપાસ જ નહીં, પરંતુ બાબા સાહેબની આંગળી અને હાથમાં પણ ભગવા ધાર્મિક ઝંડા બાંધી દીધા હતા. આ ઘટનાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ દલિત સમાજ અને બંધારણ પ્રેમીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

આ પણ વાંચો: રોહિત વેમુલાથી દર્શન સોલંકી સુધી, આ દલિતો જાતિવાદનો ભોગ બન્યા
નીચ માનસિકતાનું વરવું પ્રદર્શન
હિંદુત્વવાદીઓના મતે રામનવમી એ આસ્થા અને મર્યાદા પુરુષોત્તમ રામના આદર્શોનું પર્વ છે, પરંતુ કેટલાક લોકોએ આ અવસરનો ઉપયોગ ધાર્મિક ઉન્માદ ફેલાવવા અને અન્ય વિચારધારાના પ્રતીકોનું અપમાન કરવા માટે કર્યો હોય તેમ લાગે છે. રવિવારે જ્યારે આખું શહેર શોભાયાત્રામાં મગ્ન હતું, ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમા પર ચઢીને આ કૃત્ય આચર્યું હતું. સોશિયલ મીડિયા પર લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે, “શું તમે ક્યારેય જોયું છે કે આંબેડકર જયંતિ કે અન્ય કોઈ દલિત ઉત્સવ પર કોઈ શ્રદ્ધાળુએ કોઈ મંદિર કે દેવી-દેવતાની પ્રતિમા પર વાદળી ઝંડો લગાવ્યો હોય?”
આ પ્રકારની હરકત માત્ર એક પક્ષપાતી માનસિકતા જ નહીં, પરંતુ સામાજિક અશાંતિ ઊભી કરવાનું એક પૂર્વનિયોજિત ષડયંત્ર હોવાનું પણ જણાય છે. લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે આવા તત્વો ધર્મના નામે ડો. આંબેડકર જેવા રાષ્ટ્રીય નેતાનું અપમાન કરીને સમાજમાં ભાગલા પાડવા માંગે છે.
આ પણ વાંચો: શું રામાયણ મહિલાઓની વિરુદ્ધ છે? જાણો પેરિયારના ધારદાર તર્ક

પોલીસે કાર્યવાહી શરૂ કરી
આ ઘટનાની ગંભીરતાને જોતા ઝારખંડ પોલીસ અને ધનબાદ પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પ્રિયાંશુ નામના યુઝર દ્વારા આ મામલે પોલીસને ટેગ કરવામાં આવતા જ વહીવટીતંત્ર દોડતું થયું હતું. સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પ્રતિમા પરથી તમામ ઝંડાઓ દૂર કરાવ્યા હતા અને સ્થળની ગરિમા પુનઃસ્થાપિત કરી હતી.
ધનબાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે જણાવ્યું હતું કે, “અમે આ ઘટનાની સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસી રહ્યા છીએ. જે લોકોએ જાણીજોઈને પ્રતિમા સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે, તેમની સામે આકરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.” પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા વિશ્વાસ અપાવવામાં આવ્યો છે કે કોઈ પણ સંજોગોમાં શહેરની શાંતિ ડહોળવા દેવામાં આવશે નહીં.
આ પણ વાંચો: ‘આદિવાસી થઈને અમારી સાથે જમે છે!’ કહી સરપંચે યુવકને ફટકાર્યો
દલિત સંગઠનો રોષે ભરાયા
આ ઘટના બાદ દલિત સંગઠનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે અને આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે જો પ્રશાસન આવા તત્વો સામે કડક પગલાં નહીં ભરે, તો ભવિષ્યમાં આવી હરકતો વધી શકે છે. ડો. આંબેડકર દેશના તમામ નાગરિકો માટે આદરણીય છે, તેમની પ્રતિમાનો ઉપયોગ કોઈ વિચારધારાના પ્રચાર માટે કરવો એ બંધારણીય મૂલ્યોનું હનન છે.
कुछ नीच मानसिकता के लोगों की नीच हरकतें 😡👇🏻
आज झारखंड के धनबाद में रामनवमी के मौके पर कुछ अराजक तत्वों के द्वारा जबरन अंबेडकर चौक पर स्थित बाबासाहेब की प्रतिमा के आसपास यहां तक कि हाथ पर भी भगवा धार्मिक झंडे बांध दिये गये
क्या आपने कभी अंबेडकर जयंती पर देखा कि कोई किसी मंदिर… pic.twitter.com/Cts4AptrZp
— Priyanshu Kumar (@priyanshu__63) March 27, 2026
પ્રતિમા આસપાસ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો
હાલમાં ધનબાદમાં સ્થિતિ સંપૂર્ણપણે અંકુશ હેઠળ છે. પોલીસ દ્વારા આંબેડકર ચોક અને તેની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. વહીવટીતંત્રએ તમામ પક્ષોને સંયમ જાળવવા અને સોશિયલ મીડિયા પર ભડકાવ ભાષણો કે પોસ્ટ ન કરવા તાકીદ કરી છે. આ હીન કૃત્ય આચરનાર તત્વો કોણ હતા અને તેમની પાછળ કોઈ ચોક્કસ સંગઠનનો હાથ છે કે કેમ, તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
આ પણ વાંચો: જાતિવાદી તત્વોએ સળંગ ત્રીજીવાર ડૉ.આંબેડકર પ્રતિમા તોડી નાખી!











