સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે 23 સપ્ટેમ્બર 2025ને મંગળવારના રોજ ‘સંકલ્પ દિવસ’ નિમિત્તે ગુજરાત ઉપરાંત દેશ-વિદેશથી સેંકડો આંબેડકરવાદીઓ ઉમટી પડ્યા હતા અને મહાનાયક ડો.બાબાસાહેબ આંબેડકરના ત્યાગ-બલિદાનને યાદ કરીને તેમણે આજથી 108 વર્ષ પહેલા લીધેલા સંકલ્પને યાદ કરીને તેને પૂર્ણ કરવા માટેની પ્રતિજ્ઞાને દોહરાવી હતી.
વડોદરા શહેર ‘જય ભીમ’ના નારાથી ગૂંજી ઉઠ્યું
દર વર્ષની જેમ આ વખતે પણ વડોદરાના કમાટી બાગમાં આવેલી સંકલ્પ ભૂમિ પર ભીમયોદ્ધાઓનો મોટો જમાવડો થયો હતો. ‘જય ભીમ’ અને ‘ડો.બાબાસાહેબ આંબેડકર અમર રહો’ના ગગનભેદી નારાઓથી સમગ્ર કમાટી બાગ પરિસર ગુંજી ઉઠ્યું હતું. આ સિવાય વડોદરાની અનેક ગલીઓ અને મુખ્ય રસ્તાઓ પણ વાદળી ઝંડાથી રંગાઈ ગયા હતા. સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરામાં મોટી રેલી પણ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભીમયોદ્ધાઓ જોડાયા હતા. વડોદરાના વિવિધ બહુજન સંગઠનો દ્વારા એક થઈને સુંદર આયોજન કરાયું હતું.
આ પણ વાંચો: કહેવાતી ‘સંસ્કારી નગરી’એ જ્યારે ડો.આંબેડકરને ચોધાર આંસુએ રડાવ્યા..
નાની બાળકીઓએ સુંદર નાટક રજૂ કર્યું
સંકલ્પ દિવસની ઉજવણીના ભાગરૂપે સંકલ્પ ભૂમિ ટ્રસ્ટ, વડોદરા દ્વારા સંકલ્પ સભાનું આયોજન કરાયું હતું. ગુપ્તાનગર, અમદાવાદના શિક્ષણવિદ રામજીભાઈ રાઠોડ દ્વારા ચલાવવામાં આવતા નિઃશુલ્ક જયભીમ ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓએ સામાજિક કુરિવાજો, અંગ્રેજોની ગુલામી, ભારતની આઝાદી, બંધારણ, મહિલાઓની ગુલામી, દેશભક્તિ, શિક્ષણ સહિતના મુદ્દાઓને વાચા આપતું ખુબજ સુંદર નાટક રજૂ કર્યું હતું. તે પહેલા નાની બાળકીએ પોતાની કાલીઘેલી ભાષામાં ડો. બાબાસાહેબ આંબેડકર અને તેમના મિશન વિશે લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી.
અનેક લોકોના માર્ગદર્શનમાં વિવિધ કાર્યક્રમો યોજાયા
આ કાર્યક્રમને સફળ બનાવવામાં નિઃશુલ્ક જય ભીમ ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ, મેન્ટર દેવાંશ અને દેવાંશી, સંચાલક રામજીભાઈ રાઠોડ, મેઘવાળ ન્યૂઝના તંત્રી પ્રેમજીભાઈ દાફડા, રાષ્ટ્રપતિચંદ્રક વિજેતા જીવરાજભાઈ ચાવડા, ચંદ્રિકાબેન અને તેની ટીમ, સામાજિક કાર્યકર કાંતિલાલ પરમાર, ભીમજીભાઈ બેડવા, જીતુભાઇ વાઘેલા, ગોવિંદભાઇ, મનુભાઈ દાફડા, સહિતના આગેવાનોએ ભાગ લીધો હતો.
શા માટે સંકલ્પ દિવસ ઉજવવામાં આવે છે?
ઉલ્લેખનીય છે કે, 23 સપ્ટેમ્બર 1917ના રોજ ડો.આંબેડકરે વડોદરા શહેરના જાતિવાદી તત્વોથી કંટાળીને ગાયકવાડ સરકારની નોકરી છોડીને કમાટી બાગમાં આવેલા વડના ઝાડ નીચે બેસીને ચોધાર આંસુએ રડીને પોતાનું આખું જીવન પોતાના સમાજ માટે ખર્ચી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. જેની યાદમાં દર વર્ષે બહુજન સમાજ દ્વારા સંકલ્પ દિવસ ઉજવવામાં આવે છે. ડો. બાબાસાહેબ આંબેડકરને નમન કરવા અને તેમણે લીધેલા સંકલ્પને યાદ કરી તેમનું ઋણ અદા કરવા તેમના હજારો અનુયાયીઓ દર વર્ષે સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે આવે છે અને તેમના સંકલ્પને પૂર્ણ કરવાની પ્રેરણા મેળવે છે.
આ પણ વાંચો: સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે ‘દિક્ષાધામ ગુજરાત’ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો













Users Today : 16