જાતિવાદી તત્વો કઈ હદે હલકી માનસિકતા ધરાવતા હોય છે તેના ઉદાહરણ એટલા બધાં છે કે તે આપીને આપણે થાકી જઈએ પણ તેમની હલકાઈનો અંત આવે તેમ નથી. આ એ તત્વો છે જે અનુસૂચિત જાતિ સમાજ સાથે આભડછેટ પાળે છે પણ તે જ સમાજની દીકરીઓની છેડતી કરવામાં, તેમની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધવામાં તેમને આભડછેટનો નડતી નથી. જે સ્પષ્ટપણે સાબિત કરે છે કે, મનુસ્મૃતિએ ઉભું કરેલું આ તૂત માત્ર મનુવાદીઓએ પોતાના સ્વાર્થ માટે ગોઠવ્યું છે. આવી જ એક માનવતાને લજવતી ઘટના સામે આવી છે. જેમાં એક ગામના સરપંચે એક અનુસૂચિત જાતિની સગીરાની છેડતી કહી હતી. જો કે દીકરીએ તેનો સામનો કરતા આરોપી પોતાની હલકાઈ પર ઉતરી આવ્યો હતો અને દીકરીને જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કરી હતી.
મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશનો છે. અહીં સોનભદ્રના દુદ્ધી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ગામના સરપંચ પર 14 વર્ષની દલિત છોકરીની છેડતી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઘટના ૧ ફેબ્રુઆરીના રોજ સાંજે ૬ વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે દીકરી તુરીડીહ બજારમાં સામાન ખરીદવા ગઈ હતી.
દીકરીને એકલી જોઈને, મુરતા ગામના સરપંચ શિવકુમાર યાદવે તેને લલચાવીને ઝાડીઓ તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી સરપંચેએ ન માત્ર અશ્લીલ કૃત્ય કર્યું પરંતુ પીડિતાના કપડાં પણ ખેંચવાનો પ્રયાસ કર્યો. જ્યારે છોકરીએ વિરોધ કર્યો અને મદદ માટે બૂમો પાડી, ત્યારે આરોપીએ તેનું ગળું દબાવી દીધું અને જાતિસૂચક અપશબ્દોનો ઉપયોગ કરીને તેને થપ્પડ મારી.
આરોપી સરપંચે પોતાની ઓળખ કોન્ટ્રાક્ટર તરીકે પણ આપી અને દલિત દીકરીને ધમકી આપી કે જો તેણે આ ઘટના વિશે કોઈને, એટલે કે પોલીસને પણ જો જાણ કરી તો તે પોતાની ઓળખાણની મદદથી તેના આખા પરિવારને મરાવી નાખશે.
ઘટના બાદ પીડિતા ઘરે પહોંચી અને તેના પરિવારને આખી વાત જણાવી. પરિવારે તાત્કાલિક 112 ને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દીકરીનું નિવેદન નોંધ્યું અને પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી. દીકરીનો પરિવાર સરપંચ આરોપીઓની ધમકીઓથી ડરી ગયો છે અને પોલીસ રક્ષણ માંગી રહ્યો છે. પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:મરચન્ટ કૉલેજમાં દલિત દીકરીની આત્મહત્યામાં આરપારની લડાઈ શરૂ