‘હું ગ્રેજ્યુએટ છું, તમે ગધેડા છો’: BJP ધારાસભ્ય મોં સંતાડી ભાગ્યા

OBC અનામતના વિરોધ પ્રદર્શનમાં યુવકે BJP ધારાસભ્યને મોં પર કહી દીધું 'તમે ગધેડા છો', વીડિયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું!
OBC

OBC અનામતનો વિરોધ કરી રહેલા BJP ના એક ધારાસભ્યને જાગૃત ઓબીસી યુવકે જાહેરમાં ગધેડાં કહી દેતા ભારે હોબાળો મચી ગયો હતો. ઘટના મધ્યપ્રદેશના શિવપુરીની છે. જ્યાં 27 ટકા OBC અનામત લાગુ કરવાની માંગ સાથે ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના શિવપુરીના ધારાસભ્ય દેવેન્દ્ર જૈન અને એક આક્રોશિત યુવક વચ્ચે ગરમાગરમી થઈ ગઈ હતી. આ ચર્ચા દરમિયાન યુવકે સત્તાધારી ધારાસભ્યના મોં પર જ તેમને ગધેડા કહી દેતાં સમગ્ર કલેક્ટર પરિસરમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આ આખી ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને રાજકીય ગરમાવો આવી ગયો છે.

શું છે આખી ઘટના?

ઓબીસી મહાસભા દ્વારા 27 ટકા ઓબીસી અનામત લાગુ કરવાની માંગણી સાથે વિશાળ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં યુવાનો અને સ્થાનિક નાગરિકો શિવપુરી કલેક્ટ્રેટ કચેરીએ આવેદનપત્ર આપવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન ત્યાં પોહરી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય કૈલાશ કુશવાહ પણ હાજર હતા અને શિવપુરીના ભાજપ ધારાસભ્ય દેવેન્દ્ર જૈન પણ પોતાની ગાડી પાસે ઉપસ્થિત હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન યુવાનો અને ધારાસભ્ય વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ધારાસભ્ય દેવેન્દ્ર જૈન પોતાની ગાડીનો દરવાજો ખોલીને ઊભા છે અને એક શિક્ષિત યુવક તેમને પોતાની વાત સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. સામસામે ચાલી રહેલી ચર્ચા વચ્ચે યુવકે આવેશમાં આવીને પોતાની લાયકાત દર્શાવતા કહ્યું કે, “હું ગ્રેજ્યુએટ છું.” આ સાંભળીને ભાજપ ધારાસભ્ય દેવેન્દ્ર જૈને સામો સવાલ ફેંક્યો કે, “તો શું હું ગધેડો છું?”

ધારાસભ્યના આ સવાલનો ત્વરિત અને જડબાતોડ જવાબ આપતાં યુવકે મોં પર જ કહી દીધું કે, “હા, તમે ગધેડા છો.” યુવકના આ આક્રોશપૂર્ણ જવાબથી ત્યાં હાજર પ્રદર્શનકારીઓમાં ઉત્સાહ વ્યાપી ગયો હતો અને લોકોએ જોરદાર તાળીઓ પાડીને નારેબાજી શરૂ કરી દીધી હતી. જનતાનો આ મૂડ અને અચાનક થયેલી ફજેતી જોઈને ભાજપ ધારાસભ્ય દેવેન્દ્ર જૈન પાસે કોઈ જવાબ રહ્યો નહોતો અને તેઓ ચુપચાપ પોતાની ગાડીમાં બેસીને ત્યાંથી નીકળી ગયા હતા.

આ પણ વાંચોઃ NEET: SC-ST-OBC વિદ્યાર્થીઓને ડોક્ટર બનતા રોકવાનું કાવતરું!

કલેક્ટર ન આવતાં પ્રદર્શનકારીઓનો ઉગ્ર આક્રોશ

આ વિરોધ પ્રદર્શન માત્ર અનામત પૂરતું સીમિત નહોતું પરંતુ જિલ્લા તંત્રના વલણ સામે પણ લોકોમાં ભારે ગુસ્સો હતો. પ્રદર્શનકારીઓની નારાજગી એ વાતને લઈને પણ વધી ગઈ હતી કે કલેક્ટર પોતે તેમનું આવેદનપત્ર લેવા માટે નીચે આવ્યા નહોતા. કલેક્ટર ન આવતાં લોકોનો ગુસ્સો વધી ગયો હતો.

આક્રોશિત યુવાનોએ કલેક્ટર કચેરીની અંદર જ જિલ્લા તંત્ર, કલેક્ટર, સ્થાનિક ધારાસભ્ય, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ આ દેશના જવાબદાર નાગરિકો છે અને બંધારણીય રીતે પોતાની વ્યાજબી માંગણીઓ રજૂ કરવાનો તેમને પૂરો અધિકાર છે. તેમણે માંગ કરી હતી કે કલેક્ટરે પોતે રૂબરૂ આવીને તેમની રજૂઆત સાંભળવી જોઈએ.

આ પણ વાંચોઃ બંગાળની શુભેન્દુ સરકારે OBC અનામત 17 ટકાથી ઘટાડીને 7 ટકા કરી!

27 ટકા ઓબીસી અનામત અને ઓર્ડિનન્સની માંગ

ઓબીસી મહાસભાના પ્રદર્શનકારીઓએ મુખ્યમંત્રી મોહન યાદવ અને ભાજપ સરકાર પાસે તાત્કાલિક અસરથી 27 ટકા ઓબીસી આરક્ષણ લાગુ કરવાની માંગ કરી છે. તેમણે દલીલ કરી હતી કે આ બાબતે અદાલતનો આદેશ પણ છે, તેથી સરકારે સત્વરે અધ્યાદેશ (ઓર્ડિનન્સ) લાવીને આગામી 7 દિવસની અંદર આ આરક્ષણ અમલમાં મૂકવું જોઈએ. પ્રદર્શનકારીઓએ વ્યથા વ્યક્ત કરી હતી કે આરક્ષણની નીતિઓ સ્પષ્ટ ન હોવાના કારણે દેશના ભણેલા-ગણેલા યુવાનોને રોજગારી અને શિક્ષણ માટે અદાલતોના ચક્કર કાપવા પડી રહ્યા છે.

આ સાથે જ યુવાનોએ ઓબીસી સમાજના સ્થાનિક નેતાઓની ગેરહાજરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ લડાઈ કોઈ એક ચોક્કસ રાજકીય પક્ષની નથી પરંતુ સમગ્ર સમાજના હક્ક અને અધિકારોની લડાઈ છે. તેમણે સત્તાપક્ષમાં બેઠેલા તમામ નેતાઓને આ મુદ્દે આગળ આવીને પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે પડકાર ફેંક્યો છે.

આ વાયરલ વીડિયો બાદ મધ્ય પ્રદેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. વિપક્ષ આ મુદ્દે ભાજપ સરકારને ઘેરી રહ્યો છે, તો બીજી તરફ ભણેલા-ગણેલા યુવાનો દ્વારા જનપ્રતિનિધિઓની સામસામે વિરોધ કરવાની આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચોઃ GPSC માં OBC ને અન્યાય કરનાર હસમુખ પટેલને હટાવો!

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x