GPSC માં OBC ને અન્યાય કરનાર હસમુખ પટેલને હટાવો!

GPSC ની ડાયરેક્ટ ભરતીમાં OBC ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ આપી અન્યાય કરાતો હોવાના દાવા સાથે ચેરમેન હસમુખ પટેલને હટાવવા ઓબીસી સમાજ મેદાનમાં.
GPSC Chairman Hasmukh Patels injustice to OBC

GPSC ની ભરતી પરીક્ષાઓમાં EWS કેટેગરીમાં પટેલ જાતિના ઉમેદવારોને વધુને વધુ ફાયદો કરાવતા GPSC ના ચેરમેન હસમુખ પટેલ(GPSC Chairman Hasmukh Patel) પર આક્ષેપો લાગી રહ્યાં છે. ત્યારે હવે OBC સમાજે હસમુખ પટેલ સામે મોરચો માંડ્યો છે. P for P ની થિયરી મુજબ ચાલતા હસમુખ પટેલ પહેલેથી વિવાદિત રહ્યાં છે. પટેલ મુખ્યમંત્રીએ તેમની જાતિના હસમુખ પટેલને જીપીએસસીના ચેરમેન બનાવ્યા ત્યારથી આ વિવાદ શરૂ થયો હતો. હસમુખ પટેલે પટેલોની સંસ્થા સરદાર ધામમાં ઈન્ટરવ્યૂની પ્રેક્ટિસ કરાવતા નિષ્ણાતોને જીપીએસસીના ઈન્ટરવ્યૂમાં બોલાવ્યા હતા અને સરદાર ધામમાં તૈયારી કરતા પટેલ સમાજના ઉમેદવારોને ઈન્ટરવ્યૂમાં ફાયદો કરાવ્યો હતો તેવા આક્ષેપો લાગ્યા હતા. આ આખી ચેઈનમાં સૌથી વધુ અન્યાય OBC સમાજને થઈ રહ્યો હોવાનું સામે આવતા હવે OBC સમાજના જાગૃત લોકોએ GPSC ના ચેરમેન હસમુખ પટેલને પદ પરથી દૂર કરવા અવાજ ઉઠાવ્યો છે.

OBC ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં જાણીજોઈને ઓછાં માર્ક્સ અપાય છે

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની સૌથી સર્વોચ્ચ સંસ્થા ગણાતી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ની ભરતી પ્રક્રિયા ફરી એકવાર વિવાદમાં આવી છે. છેલ્લા 25 વર્ષથી વર્ગ-1 અને 2 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્ગદર્શન આપતા નિષ્ણાત ડૉ. બી. સી. રાઠોડે ગંભીર આરોપ લગાવ્યો છે કે GPSC ની ડાયરેક્ટ ભરતીમાં OBC ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં જાણીબુઝીને ઓછા માર્ક્સ આપવામાં આવી રહ્યા છે, જેથી તેઓ ઓપન મેરિટમાં સ્થાન મેળવી ન શકે. તો બીજી તરફ, કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીએ પણ GPSC ચેરમેન હસમુખ પટેલ સામે એકતરફી નિર્ણયો લેવાના આક્ષેપ કરીને પોલીસ ભરતીમાં દોડના માર્ક્સ રદ કરવા પાછળ પણ તેમની જ ભૂમિકા હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે.

લેખિત પરીક્ષામાં ટોપર્સ, પણ ઇન્ટરવ્યૂમાં અન્યાયનો દાવો

ડૉ. રાઠોડે સ્પષ્ટ કર્યું કે GPSC દ્વારા રેગ્યુલર અને ડાયરેક્ટ એમ બે પ્રકારે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. વિવાદનું મુખ્ય કેન્દ્ર ડાયરેક્ટ ભરતીમાં અપાતા ઇન્ટરવ્યૂના માર્ક્સ છે. આંકડાકીય વિગતો રજૂ કરતાં તેમણે જણાવ્યું કે, લેખિત પરીક્ષામાં અત્યંત ઊંચા માર્ક્સ મેળવીને મેરિટમાં સ્થાન મેળવનારા OBC ઉમેદવારોને ઇન્ટરવ્યૂ પેનલ દ્વારા પ્રમાણમાં સરેરાશ કરતા પણ ખૂબ ઓછા માર્ક્સ ફાળવવામાં આવે છે. આ નીતિના કારણે આ ઉમેદવારો ઓપન (જનરલ) કેટેગરીના મેરિટમાં પ્રવેશતા અટકી જાય છે, જેનો સીધો પ્રતિકૂળ પ્રભાવ અન્ય અનામત વર્ગના ઉમેદવારોની પસંદગી પર પણ પડે છે.

આ પણ વાંચોઃ GPSC કે પટેલ સેવા આયોગ? હસમુખ પટેલે ફરી SC-OBCના હકો છીનવ્યા?

GPSC Chairman Hasmukh Patels injustice to OBC

102 જગ્યાઓ માટે 306 ના બદલે 727 ને બોલાવાયા

માહિતી અધિકાર (RTI) હેઠળ મળેલી વિગતોનો હવાલો આપતાં ડૉ. રાઠોડે જણાવ્યું કે 19 માર્ચ, 2025 ના રોજ જાહેર થયેલી 102 જગ્યાઓની ભરતી પ્રક્રિયામાં નિયમ મુજબ 306 ઉમેદવારોને જ ઇન્ટરવ્યૂ માટે આમંત્રિત કરવાના હતા. જોકે, તેના બદલે 727 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. તેમાં પણ EWS કેટેગરીના જ આશરે 231 ઉમેદવારોને સ્થાન અપાતાં શરૂઆતથી જ અનામતના નિર્ધારિત ગુણોત્તરનું ઉલ્લંઘન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 13 ડિસેમ્બર, 2024 ના રોજ લેવાયેલી આદિજાતિ વિકાસ અધિકારી અને ઔદ્યોગિક સુરક્ષા અધિકારીની પરીક્ષાઓમાં પણ લેખિતમાં પ્રથમ ક્રમે રહેલા OBC ઉમેદવારો ઇન્ટરવ્યૂના ઓછા માર્ક્સના કારણે આખરી સિલેક્શન લિસ્ટમાંથી બહાર ફેંકાઈ ગયા હતા.

માર્કિંગ પદ્ધતિનો અભાવ અને પેન્ડિંગ ઇન્ટરવ્યૂ

RTI ના જવાબો ટાંકીને ડૉ. રાઠોડે વધુમાં ખુલાસો કર્યો કે ઇન્ટરવ્યૂ દરમિયાન ઉમેદવારને માર્ક્સ આપવા માટે કમિશન પાસે કોઈ નિશ્ચિત કે વૈજ્ઞાનિક માર્કિંગ પદ્ધતિ જ ઉપલબ્ધ નથી. માત્ર ત્રણ સભ્યોની પેનલ અંદરોઅંદર ચર્ચા કરીને ગુણ નક્કી કરે છે, જેમાં ચેરમેનની ભૂમિકા આખરી ગણાય છે. હાલમાં GPSC માં માત્ર બે જ સભ્યો કાર્યરત હોવાના કારણે 15,000 થી વધુ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લાંબા સમયથી અટવાયેલા પડ્યા છે.

આ પણ વાંચોઃ હસમુખ પટેલનું વલણ જાતિવાદી, GPSC માંથી હટાવો 

પોલીસ ભરતી અને દોડના માર્ક્સ રદ કરવાનો વિવાદ

બીજી તરફ, કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીએ વહીવટી તંત્ર સામે મોરચો માંડતાં આરોપ લગાવ્યો છે કે કમિશનના વર્તમાન ચેરમેન હસમુખ પટેલના શાસનમાં OBC સમાજના ઉમેદવારો સાથે પક્ષપાત થઈ રહ્યો છે. તેમણે દાવો કર્યો કે પોલીસ ભરતીમાં શારીરિક કસોટી એટલે કે મેદાનની દોડના ગુણ રદ કરીને માત્ર ક્વોલિફાઈંગ રાખવા પાછળ પણ હસમુખ પટેલનો જ હાથ હતો, જેનાથી ગ્રામીણ અને શારીરિક રીતે સક્ષમ OBC ઉમેદવારોને મોટું નુકસાન થયું છે. આ સમગ્ર ભરતી વિવાદની ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ કરવાની માંગ પણ તેમણે કરી છે. બીજી તરફ ઓબીસી સમાજના જાગૃત યુવાનો હસમુખ પટેલ જેવી જાતિવાદી વ્યક્તિને જીપીએસસી જેવી સંસ્થાના ચેરમેન પદેથી હટાવવા મક્કમ બની છે.

જીપીએસસી દ્વારા ઓબીસી સહિત બહુજન સમાજના સક્ષમ ઉમેદવારોને જીપીએસસી ચેરમેન હસમુખ પટેલ દ્વારા સતત અન્યાય થતો હોવાની રાવ સાથે અગાઉ પ્રો. જયેશ વરિયા અને અંકિત ઠાકોર સહિતના જાગૃત ઓબીસી યુવાનો પણ અવાજ ઉઠાવી ચૂક્યા છે. હાલનો માહોલ જોતા હસમુખ પટેલ વધુ વિવાદાસ્પદ બને તે પહેલાં સરકાર તેમને જીપીએસસીના ચેરમેન પદ પરથી દૂર કરે તેવી માંગ તીવ્ર બની રહી છે.

આ પણ વાંચોઃ GPSC એસસી, એસટી, ઓબીસી એકલવ્યોના અંગૂઠા કાપે છે: મેવાણી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x