બંગાળની શુભેન્દુ સરકારે OBC અનામત 17 ટકાથી ઘટાડીને 7 ટકા કરી!

બંગાળની શુભેન્દુ અધિકારી સરકારે બે મહત્વના બિલ પાસ કરીને OBC અનામત ઘટાડવાની સાથે અનેક મુસ્લિમ પેટાજ્ઞાતિઓને OBC યાદીમાંથી બહાર કરી દીધી છે.
Bengal Shubhendu government

કોલકાતા: બંગાળમાં નવી ચૂંટાયેલી ભાજપની શુભેન્દુ અધિકારી સરકારે એક મોટો રાજકીય નિર્ણય લેતા રાજ્યમાં અન્ય પછાત વર્ગ (OBC) ની અનામત યાદીમાં મોટો કાપ મૂક્યો છે. સોમવાર, 29 જૂનના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ધ્વનિ મતથી બે મહત્વના ખરડા પસાર કરવામાં આવ્યા છે. જેમાં ‘પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગ (સંશોધન) બિલ, 2026’ અને ‘પશ્ચિમ બંગાળ પછાત વર્ગ સરકારી નોકરીઓ અને પદોમાં અનામત (સંશોધન) બિલ, 2026’ નો સમાવેશ થાય છે.

આ બિલો દ્વારા ભાજપ સરકારે પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકારના એ નિર્ણયને પલટી નાખ્યો છે, જેમાં OBC અનામત 7 ટકાથી વધારીને 17 ટકા કરવામાં આવી હતી. આ કાયદો લાગુ થતાં જ અનેક મુસ્લિમ પેટાજ્ઞાતિઓ અનામતના દાયરામાંથી બહાર થઈ જશે.

કોલકાતા હાઈકોર્ટના આદેશનો હવાલો અને જૂની યાદી

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણય મે 2024માં કોલકાતા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશના અનુસંધાને લેવામાં આવ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યમાં OBC અનામત 7 ટકા જ રહેશે અને તેની યાદીમાં માત્ર 66 જ્ઞાતિઓ જ સામેલ ગણાશે. મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકારના શાસનકાળ દરમિયાન OBC યાદીનો વ્યાપ વધારીને તેમાં ખાસ કરીને મુસ્લિમ સમુદાયની ઘણી પેટાજ્ઞાતિઓને જોડવામાં આવી હતી.

આ પણ વાંચો: ‘તારી આ જ હેસિયત છે’ કહી દલિત યુવકને જૂતામાં પાણી ભરીને પીવડાવ્યું

પછાત વર્ગ કલ્યાણ મંત્રી ગૌરી શંકર ઘોષે વિધાનસભામાં જણાવ્યું હતું કે, “આ સંશોધન દ્વારા અગાઉની સરકારની એ જોગવાઈ નાબૂદ કરવામાં આવી રહી છે જેને હાઈકોર્ટે અમાન્ય ઠેરવી હતી. હવે OBC ની યાદીમાં સામેલ 66 જ્ઞાતિઓ જ અનામત માટે પાત્ર રહેશે.

અગાઉની સરકારે કેવળ પોતાના રાજકીય ફાયદા અને એક ચોક્કસ સમુદાયના મતદારોને ખુશ કરવા માટે ઉતાવળમાં 113 નવી જ્ઞાતિઓને OBC યાદીમાં ઉમેરી દીધી હતી.”

આ નવા સુધારા સાથે જ પશ્ચિમ બંગાળ સરકારે વર્ષ 2010 પહેલાની મૂળ OBC યાદીને પુનઃ બહાલ કરી દીધી છે. વર્ષ 2010માં તત્કાલીન ડાબેરી મોરચાની સરકારે વિધાનસભા ચૂંટણી પૂર્વે 42 નવી જ્ઞાતિઓ ઉમેરી અનામતને બે કેટેગરી (OBC-A ને 10% અને OBC-B ને 7%) માં વહેંચી દીધી હતી. ત્યારબાદ મે 2012માં સત્તામાં આવેલી મમતા બેનર્જી સરકારે વધુ 35 જ્ઞાતિઓ ઉમેરી હતી. આમ બંને સરકારોએ મળીને કુલ 77 નવી જ્ઞાતિઓ ઉમેરી, જેમાંથી 75 મુસ્લિમ સમુદાયની હતી. શુભેન્દુ સરકારે આ બંને કેટેગરી નાબૂદ કરીને હવે માત્ર 66 જ્ઞાતિઓ માટે 7 ટકા અનામતની જૂની વ્યવસ્થા અમલી બનાવી છે.

આ પણ વાંચો: RSS સંગઠન નથી તો શું છે, તે રજિસ્ટ્રેશનથી કેમ ડરે છે?

મદરેસાઓનું બજેટ અડધું કરાયું, વંદે માતરમ્ ફરજિયાત

ઓબીસી અનામતમાં કાપ મૂકવાની સાથે જ શુભેન્દુ અધિકારી સરકારે લઘુમતી બાબતો અને મદરેસા શિક્ષણના બજેટમાં પણ મોટો ઘટાડો કર્યો છે. ભાજપ સરકારના પ્રથમ બજેટમાં નાણામંત્રી સ્વપ્ન ગુપ્તાએ જાહેરાત કરી હતી કે લઘુમતી બાબતો અને મદરેસા શિક્ષણ માટે 2165 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે અગાઉની ટીએમસી સરકારના બજેટ (રૂ. 5713 કરોડ) ની સરખામણીએ અડધા કરતાં પણ ઓછું છે.

આ ઉપરાંત, બંગાળની નવી સરકારે રાજ્યની તમામ સરકારી, સહાયતા પ્રાપ્ત અને બિન-સહાયતા પ્રાપ્ત મદરેસાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થતાં પહેલાં થતી સામાન્ય સભા (અસેમ્બલી) માં ‘વંદે માતરમ્’ ગાવું સત્તાવાર રીતે અનિવાર્ય બનાવ્યું છે, જેનો આદેશ મદરેસા શિક્ષણ વિધેયક દ્વારા તાત્કાલિક અસરથી લાગુ કરી દેવાયો છે.

આ પણ વાંચો: ‘હું દલિત છું’ કહેતા જ કોક્રોચ જનતા પાર્ટીનો અભિજીત દીપકે ટ્રોલ થયો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x