ચંદુ મહેરિયા
180 સભ્યોની ગુજરાત વિધાનસભાના સમાપ્ત થયેલ અંદાજપત્ર સત્રની બપોરની બેઠકો ખાલી ખાલી રહેતી હતી. એક દિવસ તો 135 સભ્યો ગેરહાજર હતા. આ સમસ્યા માત્ર ગુજરાતની નથી. દેશ આખાના વિધાનગૃહો અને સંસદની પણ છે.
તેનો એક ઉકેલ કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષને જડ્યો છે. લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વરસના માંડ પચાસેક દિવસ ચાલતા ગૃહો દરમિયાન પણ બપોરના જમણ બાદ વામકુક્ષી કે આડા પડખે થયા વિના ચાલતું નથી. એટલે તે કાયદા ઘડવા સંસદ કે વિધાનગૃહમાં જવાને બદલે ઝોકાં ખાવાનું પસંદ કરે છે. કર્ણાટક વિધાનસભાના સ્પીકરે વિધાનસભાની લાઉન્જમાં રિકલાઈનર કહેતાં આરામ ખુરશીઓની વ્યવસ્થા કરી છે. એટલે માનનીયો ત્યાં ઘડી બેઘડી ઝોકું ખાઈ લે અને પછી હાઉસમાં પધારે.
વકફ બિલની ચર્ચા વખતે લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજ્જુએ એ બાબતે અફસોસ વ્યક્ત કર્યો કે વિરોધ પક્ષના સિનિયર મેમ્બર્સ બિલના વિરોધમાં ઘણાં મુદ્દા રજૂ કરે છે પરંતુ સરકારનો તે અંગેનો પક્ષ જાણવા મંત્રીનું ભાષણ સાંભળવા હાજર રહેતા નથી.
તેલંગાણા વિધાનસભામાં કોંગ્રેસી મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ વિપક્ષ BRS (ભારત રાષ્ટ્ર સમિતિ)ના ધારાસભ્યોને ખુલ્લેઆમ કોંગ્રેસમાં જોડાવા આહવાન કર્યું. જો તેઓ આમ કરશે તો તેઓ (ચીફ મિનિસ્ટર)તેમની બેઠક ખાલી પાડી પેટાચૂંટણી થવા દેશે નહીં તેવી પણ ખાતરી આપી હતી. બીઆરએસના જે ધારાસભ્યો અગાઉ રાજીનામુ આપી સત્તાધારી કોંગ્રેસમાં જોડાયા છે તેમને વિધાનસભાના અધ્યક્ષે અયોગ્યતાની નોટિસ દસ મહિના સુધી આપી નહોતી.
આ પણ વાંચો: ધંધુકામાં પહેલીવાર દલિત મહિલાઓએ સમાજનું બંધારણ ઘડ્યું
વકફ સંશોધન કાયદા ના વિરોધમાં જમ્મુ કશ્મીર વિધાનસભામાં રુલીંગ નેશનલ કોંગ્રેસના ધારાસભ્ય અબ્દુલ મજિદ લાર્મી તેમણે પહેરેલો કાળો કોટ ફાડી નાંખી ગૃહમાં લહેરાવ્યો હતો. ઉત્તરપ્રદેશ વિધાનસભાની સીડી પર ધારાસભ્યોએ પાનમસાલા ખાઈ થૂક્યાના ડાઘ જોવા મળ્યા પછી નારાજ વિધાનસભા સ્પીકરે યુપી વિધાનસભા પરિસરમાં પાન-મસાલા- ગુટકાના સેવન પર પ્રતિબંધ મૂકી નિયમ તોડનાર પર રૂ. એક હજારના દંડની ઘોષણા કરી છે. સંસદ અને વિધાનગૃહો ચર્ચા, વાદવિવાદ અને વિમર્શના કેન્દ્રો છે પરંતુ આજે (અને કદાચ આવતીકાલે )તેની કેવી હાલત છે તેના આ કેટલાંક ઉદાહરણો છે.
સમાચાર માધ્યમોમાં જનપ્રતિનિધિઓના વર્તન અંગે અવારનવાર સમાચારો પ્રગટ થતા રહે છે. સંસદ અને વિધાનસભાની કાર્યવાહી અને સભ્યોના વર્તન અંગેના નિયમો ઘડાયા છે. પરંતુ ઘણીવાર તેનું પાલન થતું નથી. વિધાનગૃહોની કામગીરી સરળ અને સુચારુ રીતે ચલાવવા સભ્યોના આચરણ અને બોલવા-ચાલવાની ઢબછબનું વર્ણન રૂલબુકમાં કરવામાં આવેલ છે.
લોકસભા રૂલબુક્ના નિયમ ૩૪૯ થી ૩૫૬માં સભ્યોના વર્તન સંબંધી નિયમો છે. તે પ્રમાણે સભ્યોએ ભાષણમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી, કોઈ અસંબધ્ધ પુસ્તક કે અખબાર ના દર્શાવવું, ભાષણ દરમિયાન અન્ય સભ્યોએ કોઈ વિક્ષેપ ઉભો ન કરવો, હસ્તક્ષેપની જરૂર હોય તો શિસ્તબધ્ધ રીતે અધ્યક્ષની અનુમતી લઈને જ બોલવું, સ્પીકર તરફ પીઠ રાખીને બેસવું કે ઉભા રહેવું નહીં, ગૃહમાં કોઈ ફોટો,પ્રતીક કે ઝંડો બતાવવો નહીં, નારા અથવા સૂત્રો લખેલ કપડાં પહેરવા નહીં વગેરે બાબતો સમાવતા લોકસભા પ્રક્રિયા અને કાર્ય સંચાલનના નિયમો વિધ્યમાન છે અને તે નિયમો અને પ્રક્રિયા મુજબ ગૃહની કાર્યવાહી ચાલે છે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં જ મંત્રીઓ અને સભ્યોની વર્તણૂંક સંબંધી નિયમો આપવામાં આવ્યા હતા. જ્યારે કોઈ સભ્ય બોલતા હોય ત્યારે તે સભ્ય અને અધ્યક્ષની વચ્ચેથી પસાર થઈ ન શકાય, નારા લખેલું ટી શર્ટ પહેરી ન શકાય, ગૃહમાં લાકડી કે છત્રી ના લઈ જઈ શકાય, વેલમાં ધસી ન જવાય, પાન મસાલા કે બીજું કંઈ ચાવી ન શકાય, પાણી ન પી શકાય,પગ ઉંચા રાખીને કે ચઢાવીને બેસી ન શકાય, ગૃહમાં ઉઘી ન શકાય જેવા નિયમો ગૃહની કાર્યવાહીને ગરિમાયુક્ત અને શાલીન બનાવે છે.
આ પણ વાંચો: દલિતવાસમાં આગ લાગતા 9 દલિત પરિવારોના ઘર બળીને ખાખ
લોકસભામાં વિરોધપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ પહેલું પ્રવચન આપ્યું ત્યારે જ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેમને શિવની તસ્વીર બતાવવા બદલ ટોક્યા હતા. સોનિયા ગાંધીએ બજેટ સત્રના આરંભે રાષ્ટ્રપતિના અભિભાષણ સંદર્ભે તે ખૂબ લાંબુ હોઈ બિચ્ચારા રાષ્ટ્રપતિ વાંચતા વાંચતા થાકી ગયા હતા એવો પ્રતિભાવ ગૃહની બહાર આપ્યો હતો. તેમણે બિચ્ચારા માટે અંગ્રેજી પુઅર લેડી શબ્દ પ્રયોગ કર્યો હતો. તેની એ હદે ટીકા થઈ કે ખુદ રાષ્ટ્રપતિ ભવન પણ પ્રેસ રિલીઝ દ્વારા સોનિયા ગાંધીની ટીકાને વખોડવા જોડાયું હતું.
લોકોની સમસ્યાને વાચા આપવાનું કામ વિધાનસભાઓમાં કે સંસદમાં થવું જોઈએ તેને બદલે ભળતા સળતા વિષયો અને આરોપપ્રત્યારોપ થતા હોય છે. કર્ણાટક વિધાનસભામાં મફતની રેવડીને અનુલક્ષીને વિપક્ષ જનતા દળ (સેક્યુલર)ના વરિષ્ઠ સભ્યે બહુ ગંભીરતાથી સરકાર સમક્ષ લોકોને દર અઠવાડિયે દારુની એક નહીં બે બોટલ મફત આપવા માંગણી કરી હતી. જો વીજળી, પાણી, શિક્ષણ, રાશન, આરોગ્ય મફત મળે તો દારુ કેમ નહીં તેવી તેમની દલીલ હતી. જ્યારે દેશમાં ચોપાસ મોંઘવારીની બૂમાબૂમ છે ત્યારે લોકસભાના સભ્યોએ વધતા વિમાન ભાડા અને તેના પર સરકારના નિયંત્રણના મુદ્દે પસ્તાળ પાડી હતી. હરિયાણાના બીજેપી સાંસદે લોકસભામાં કેન્દ્ર સરકારને અનાજ, ફળ અને શાકભાજીમાંથી દેશી દારુ બનાવવાની મંજૂરી આપવા અને નકલી દારુથી લોકોને બચાવવા સૂચન કર્યું હતું.
ગુજરાત વિધાનસભામાં ૧૫૬ની પ્રચંડ બહુમતી પછી તો વિધાનસભાની કાર્યવાહી સાવ જ સરળ બની ગઈ હોવી જોઈએ. ગૃહમાં ચાહે પ્રશ્નોતરી કાળ હોય કે અન્ય ચર્ચા સત્તા પક્ષના સભ્યો ગંભીરતાથી પોતાની વાત રજૂ કરવાને બદલે સરકારની વાહવાહી અને મુખ્યમંત્રી તથા મંત્રીઓને અભિનંદન અને ધન્યવાદ જ આપ્યા કરતા હતા.. હદ તો ત્યારે થાય જ્યારે પ્રશ્નોતરીમાં પેટા પ્રશ્ન માટે સ્પીકર કોઈ સભ્યને એલાઉ કરે તો તે સીધું જ કહી દે મારે કોઈ પ્રશ્ન નથી પણ સરકારને ફલાણાઢીકણા કામ માટે અભિનંદન આપવા છે. આ પ્રકારના વર્તન સામે સ્પીકર પણ મોં વકાસીને બેસી રહે તેવી સ્થિતિ હોય છે.
શું સભ્યોનું આવું બેમર્યાદ વર્તન ચલાવી લેવાય ખરું? રાહુલ ગાંધીની ફરિયાદ છે કે લોકસભા અધ્યક્ષ તેમને લોકસભામાં બોલવા જ દેતા નથી. તો અધ્યક્ષ તેમના વકતવ્યને અટકાવવાનું કારણ રૂલ બુક જણાવે છે. લોકસભા અને રાજ્યસભાના સ્પીકર્સ સામે વિપક્ષો દર વખતે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની ઘોષણા કરે છે એટલે અધ્યક્ષોનું વલણ પણ વિપક્ષોને અન્યાયકર્તા અને બિનલોકશાહી જણાય છે.
આ પણ વાંચો: ‘રાઈટ બ્રધર્સે નહીં તલપડેએ પહેલું વિમાન ઉડાડ્યું હતું..’
સાંસદો અને વિધાનસભ્યોના આ પ્રકારના આચરણનું કારણ શું હશે? શું ચૂંટાયેલા પ્રજા સેવકોનો લોકો સાથેનો સંપર્ક રહ્યો નથી કે તેઓ ચૂંટણી પછી કોઈ બીજી જ દુનિયામાં વસે છે?જનપ્રતિનિધિઓની ગુણવતામાં કોઈ ઓટ આવી રહી છે એટલે આમ થાય છે? ધ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોમ્સ (ADR)ના દેશના ૪૦૯૨ ધારાસભ્યોના ચૂંટણી પંચ સમક્ષના એફિડેવિટના વિષ્લેષણ પ્રમાણે ૪૫ ટકા ધારાસભ્યો સામે અપરાધિક કેસો નોંધાયેલા છે. કોંગ્રેસના ૫૨ અને ભાજપના ૩૯ ટકા ધારાસભ્યો ક્રિમિનલ કેસોનો સામનો કરી રહ્યા છે. લોકસભાના ૫૪૩માંથી ૨૫૧ સભ્યો પર ક્રિમિનલ કેસ છે.
શું વિધાનગૃહોની ગરિમાને લાગેલા લૂણાનું આ કારણ હશે? કર્ણાટક્ના ૩૧, આંધ્રના ૨૭, મહારાષ્ટ્રના ૧૮ ધારાસભ્યો અબજોપતિ છે. દેશના ધારાસભ્યોની કુલ સંપત્તિ રૂ. ૨,૭૩,૩૪૮ કરોડ અને સરેરાશ વ્યક્તિગત સંપત્તિ રૂ.૧૮ કરોડ છે. એટલે બાહુબળ અને ધનબળનું મિશ્રણ કારણ હશે?
યુરોપિય દેશ સર્બિયામાં સરકારના ભ્રષ્ટાચાર સામે વિધ્યાર્થીઓએ હમણાં આંદોલન કર્યું હતું. વિરોધપક્ષો પણ તેના સમર્થનમાં હતા. તેનો પડઘો સર્બિયાની સંસદમાં પણ પડ્યો. વિપક્ષે વિરોધમાં પાર્લામેન્ટ્માં સ્મોક ગ્રેનેડ અને ટીયરગેસના સેલ છોડ્યા.તેનાથી સંસદમાં ધુમાડો ફેલાયો, ગુંગળામણ થઈ અને અંધાધૂધી મચી. ભારતની સંસદમાં મારામારી અને ધક્કામુક્કી થાય છે પણ હજુ સ્મોક ગ્રેનેડ નથી ફેંકાયા તેનો આનંદ થવો જોઈએ. ગુજરાતના પાટનગર ગાંધીનગરના ગિફ્ટસિટીમાં સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ (SOUL) આકાર લઈ રહી છે. જેમાં રાજકારણને કેરિયર બનાવવા માંગતા યુવાનોને રાજકારણના પાઠ ભણાવાશે. આવા ઉપક્રમો આશા જગાડે છે.
maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)
આ પણ વાંચો: બ્રાહ્મણવાદ સામેની લડાઈમાં કેવી રીતે ઉપયોગી છે પેરિયારનું ‘સાચી રામાયણ’ પુસ્તક?