આદિવાસી યુવકના માથે તગારું હતું ને ફોન આવ્યો- ‘તેં NEET પાસ કરી લીધી’

આદિવાસી યુવક કન્સ્ટ્રક્શન સાઈટ પર કડિયાકામ કરતો હતો, ત્યાં તેના શિક્ષકનો ફોન આવ્યો, 'હેલ્લો શુભમ બેટા, તેં NEET પાસ કરી લીધી છે...'
adivasi news

આદિવાસી સમાજના યુવક-યુવતીઓ કેટલી આકરી મહેનત કરીને સફળતા મેળવે છે તેની આ વાત છે. એક આદિવાસી યુવાને કડિયાકામ કરવાની સાથે NEET ની પરીક્ષા આપી હતી. પરીક્ષા આપ્યાના બીજા જ દિવસથી તે પરિવારને મદદ કરવા માટે ફરી કડિયાકામે ચડી ગયો હતો. થોડા દિવસ પછી તે ભરબપોરે માથે તગારું ઉચકીને કપચી ભરી રહ્યો હતો, ત્યાં તેનો ફોન રણક્યો. યુવાને ફોન ઉપાડીને “હેલ્લો” કહ્યું, કે તરત સામેથી તેના શિક્ષકનો અવાજ આવ્યો, “હેલ્લો શુભમ બેટા, તેં NEET પાસ કરી લીધી છે…” એ સાથે જ યુવકની આંખમાંથી હર્ષના આંસુ વહી ગયા.

ખેતમજૂર આદિવાસી માતાપિતાના પુત્રની કમાલ

ડોક્ટરીનો અભ્યાસ કરવા માટે પાસ કરવી પડતી NEET ની પરીક્ષામાં ઉત્તીણ થવું દરેક વ્યક્તિનું કામ નથી. અત્યંત અઘરી ગણાતી આ પરીક્ષા પાસ કરાવવા માટે સવર્ણો લાખો રૂપિયા ખર્ચીને કોચિંગ સેન્ટરોમાં તેમના બાળકોને ટ્યુશન અપાવે છે. પરંતુ ગરીબ દલિત-આદિવાસી સમાજના હોંશિયાર બાળકો આવી સગવડ મેળવી શકતા નથી. પરિણામે તેઓ આ સ્પર્ધામાં ક્યાંય પાછળ રહી જાય છે. અંતે કારમી ગરીબીનો સામનો કરી રહેલા દલિત-આદિવાસી યુવાનો માટે આ પરીક્ષા પાસ કરવી અશક્ય જેવી બની જાય છે. પરંતુ ઓડિશાના આદિવાસી યુવાન શુભમ સબરે(Shubham Sabar) આ અશક્ય લાગતા પડકારને પણ પાર કરી બતાવ્યો છે. 19 વર્ષના આદિવાસી યુવાન શુભમનું ડૉક્ટર બનવાનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. તેણે નીટ(NEET)ની પરીક્ષા પાસ કરી લીધી છે અને આગામી ચાર વર્ષ પછી તે પોતાના વિસ્તારનો પહેલો ડોક્ટર બની જશે.

કડિયાકામ કરતો હતો અને NEET પાસ કર્યાનો ફોન આવ્યો

14 જૂને જ્યારે શુભમને ફોન આવ્યો ત્યારે તે બેંગલુરુમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કડિયાકામ કરી રહ્યો હતો. પરંતુ આ એક કોલથી તેનો થાક અને ચિંતા દૂર થઈ ગઈ. આ ફોન ઓડિશાના તેના શિક્ષક બાસુદેવ મોહરાણાનો હતો. ફોન પર તેમણે શુભમને જણાવ્યું હતું કે તેણે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-UG (NEET-UG) પાસ કરી લીધી છે. મીડિયા સાથે વાત કરતા શુભમે કહ્યું, “હું મારા આંસુ રોકી શક્યો નહીં. મેં મારા માતા-પિતાને કહ્યું કે હું ડૉક્ટર બનીશ. પછી મેં મારા કોન્ટ્રાક્ટરને કહ્યું કે મને મારી અત્યાર સુધીની મજૂરીની રકમ આપી દે.”

આ પણ વાંચો: લગ્નોમાં વાસણ ધોતા છોકરાએ NEET પાસ કરી, હવે ડોક્ટર બનશે

પહેલા જ પ્રયાસમાં NEET પાસ કરી બતાવી

આ અઠવાડિયાની શરૂઆતમાં 19 વર્ષીય આદિવાસી યુવક શુભમને ઓડિશાના બરહામપુરમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પ્રવેશ મળ્યો છે. તેણે તેના પહેલા જ પ્રયાસમાં અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીમાં 18,212મો ક્રમ મેળવ્યો છે. સુભમ ઓડિશાના ખુર્દા જિલ્લાના મુદુલિધિયા ગામના ખેતમજૂર માતાપિતાનો પુત્ર છે. તે ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટો છે. આજથી ચાર વર્ષ પછી જ્યારે તે તેનો મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરી લેશે, એ સાથે જ તે તેની આસપાસના અનેક ગામોમાં પહેલો ડોક્ટર બની જશે.

શુભમે આગળ કહ્યું, “હું મારી આર્થિક સ્થિતિથી સારી રીતે વાકેફ હતો. મારા માતા-પિતા પાસે થોડી જમીન હતી. તેમણે અમને ઉછેરવા માટે સખત મહેનત કરી છે. હું મારો અભ્યાસ ચાલુ રાખવા અને જીવનમાં કંઈક કરી બતાવવા માટે મક્કમ હતો.”

જ્યારે શુભમ સાબરે ધોરણ 10 માં 84 ટકા માર્ક્સ મેળવ્યા ત્યારે તેના શિક્ષકોએ તેને ભુવનેશ્વરની બીજેબી કોલેજમાંથી ધોરણ 11 અને 12 પૂર્ણ કરવાનું સૂચન કર્યું. ત્યાં તેણે પહેલા વર્ષે જાતે અભ્યાસ કર્યો. પરંતુ બીજા વર્ષમાં તેણે ગણિત અને રસાયણશાસ્ત્રનું ટ્યુશન રાખ્યું અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષામાં 64 ટકા માર્ક્સ મેળવ્યા.

એડમિશન મેળવવા મજૂરી કરી રૂ. 25 હજાર બચત કરી

આ દરમિયાન, શુભમે ડૉક્ટર બનવાનું નક્કી કર્યું અને બરહામપુરાના એક સેન્ટરમાં NEET નું કોચિંગ લેવાનું શરૂ કર્યું. NEET ની પરીક્ષા આપ્યા પછી તે બેંગલુરુ ગયો. જ્યાં તેણે ત્રણ મહિના સુધી કન્સ્ટ્રક્શન સાઈટ પર કડિયાકામ કરી માથે કપચી ભરેલા તગારા ઉચક્યા. એ રીતે તેણે આ સમય દરમિયાન રૂ. 45,000 ની કમાણી કરી અને તેમાંથી 25,000 રૂપિયા બચાવ્યા. આ મજૂરીના પૈસાએ તેની પ્રારંભિક પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

શુભમના માતાપિતા, તેના શિક્ષકોએ તેની આ સફળા પર ગર્વ વ્યક્ત કર્યો છે. સાથે જ આગામી સમયમાં આવનારા નાણાકીય પડકારો વિશે ચિંતા પણ વ્યક્ત કરી છે. તેમને આશા છે કે સરકાર તેમના પુત્રને MBBS નો કોર્સ પૂર્ણ કરવામાં નાણાકીય સહાય પૂરી પાડશે.

નવીન પટનાયકના રાજકીય સચિવે અભિનંદન પાઠવ્યા

આ તરફ, શુભમની સંઘર્ષ બાદની સફળતા પછી તેને અભિનંદન આપનારા લોકોનો ઘોડાપૂર આવ્યું છે. તેને અભિનંદન આપનારાઓમાં ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકના રાજકીય સચિવ સંતૃપ્ત મિશ્રા પણ છે. તેમણે કહ્યું કે, “શુભમની આ સફર પ્રેરણા, શક્તિ અને સંઘર્ષનું એક અદ્ભુત ઉદાહરણ છે. શુભમ સાબરની આ સફળતા ન માત્ર તેનું જીવન બદલી નાખશે, પરંતુ અંતરિયાળ અને ઉપેક્ષિત વિસ્તારોમાં રહીને સફળતાના સપના સેવતા હજારો યુવાનોને પ્રેરણા પુરી પાડશે.”

આ પણ વાંચો: જંગલમાં રહેતી આદિવાસી વિદ્યાર્થીનીએ NEET પાસ કરી, હવે ડોક્ટર બનશે

4 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x