આનંદના અવસરોને આપણે ઘોંઘાટિયા કેમ બનાવી દીધા છે!

તહેવારો-ઉત્સવોમાં વધતા ડી.જે. અને ફટાકડાના અવાજે શાંતિ છીનવી લીધી છે. શું આ ઘોંઘાટ આપણા આરોગ્ય અને મૂળભૂત અધિકારો છીનવી રહ્યો છે?
sound pollution AI Image

ચંદુ મહેરિયા

દિવાળી હોય કે દશેરા, મોહરમ હોય કે ચેટીચાંદ, ક્રિસમસ હોય કે ઉત્તરાયણ, ઇવેન્ટ્સ હોય કે સેલિબ્રેશન, રાજકીય જુલૂસ હોય કે ધાર્મિક મેળાવડા, સામાજિક સંમેલન હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ—આનંદના આ સઘળા અવસરોને આપણે ઘોંઘાટિયા બનાવી દીધા છે. જેટલો વધુ ઘોંઘાટ એટલો અવસર ભવ્ય. અવાજ કે ધ્વનિનું પ્રદૂષણ નહીં, શોરબકોર કે કોલાહલ નહીં; કાન ફાડી નાખે અને મગજની નસો ઢીલી કરી નાખે એવો ઘોંઘાટ, ઘોંઘાટ અને નકરો ઘોંઘાટ હોય તો જ વધુ આનંદ આવે, વધુ મજા આવે, વધુ મનોરંજન મળે એવું ગણિત આપણા મગજમાં ઠસાવી દેવામાં આવ્યું છે.

બંધારણના અનુચ્છેદ 21માં, જીવન જીવવાના અધિકારની અંદર શાંતિપૂર્ણ અને કોઈ પણ ખલેલ વગર જીવન જીવવાના અધિકારનો સમાવેશ કર્યો છે. ભારતીય નાગરિકને ગેરકાયદે ઘોંઘાટથી રક્ષણ મેળવવાનો હક આપવામાં આવ્યો છે. વધારે પડતો અવાજ, જે માનવીની શ્રવણશક્તિ પર જ નહીં પરંતુ સમગ્ર શરીર પર વિપરીત અસર કરે છે, તેને અવાજ કે ધ્વનિનું પ્રદૂષણ કહેવાય છે. આ એક ગંભીર સમસ્યા છે, ન્યુસન્સ છે. તે જીવન જીવવાના મૂળભૂત અધિકારનું હનન છે, પરંતુ તે સામે પૂરતી જાગૃતિ જોવા મળતી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) 53 ડેસિબલ અવાજને માનવ શરીર માટે યોગ્ય માન્યો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે રહેણાંક વિસ્તારોમાં દિવસે 45 અને રાત્રે 55 ડેસિબલ અવાજની માત્રા કરતાં વધુ માત્રાને પ્રદૂષણ ગણી છે. પરંતુ તેના કરતાં ક્યાંય વધારે અવાજ આપણે રોજેરોજ સહન કરી રહ્યા છીએ. હવે લાઉડસ્પીકર નહીં, ડી.જે.નો અવાજ આપણે સાંભળવો પડે છે—ક્યારેક કામચલાઉ તો ક્યારેક કાયમી.

ઔદ્યોગિક વિસ્તારોમાં યંત્રોનો અવાજ આવે તે સમજાય છે, પરંતુ વિના કારણે માનવવસ્તીમાં ઘોંઘાટ જ ઘોંઘાટ હોય અને તેના પર કોઈનું નિયંત્રણ ન હોય તે અસહ્ય છે. અવાજના પ્રદૂષણની માનવ શરીર પર ખરાબ અસરો જોવા મળે છે. સતત ઘોંઘાટભર્યા વાતાવરણમાં જીવતા લોકોમાં ચીડિયાપણું, માનસિક ચિંતા, તણાવ, અનિદ્રા, થાક, શ્રવણશક્તિમાં ઘટાડો, લોહીનું દબાણ (બીપી) અને હૃદયને લગતા રોગોની સંભાવના વધે છે. માત્ર માનવપ્રાણી જ નહીં, પશુ-પંખીઓ પણ તેની ખરાબ અસરો અનુભવે છે. ઘોંઘાટને લીધે તણાવ સર્જતા હોર્મોન્સનું પ્રમાણ વધે છે. બીમાર વ્યક્તિઓ, વૃદ્ધો અને બાળકો પર અવાજના પ્રદૂષણની સૌથી વધુ અસર થાય છે. બાળકોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની, શીખવાની ક્ષમતા તેમજ સ્મરણશક્તિ પર ઘોંઘાટની પ્રતિકૂળ અસર થાય છે. આ શક્તિ અને ક્ષમતા ઘટવાનું મુખ્ય કારણ ધ્વનિ પ્રદૂષણ છે.

આ પણ વાંચોઃ શું AI માનવજાત માટે સૌથી મોટું જળસંકટ સર્જશે?

અમદાવાદમાં દિવસે 79.88 ડેસિબલ અવાજ હોય છે, જ્યારે ચેન્નઈમાં 89, કોલકાતામાં 87, મુંબઈમાં 85 અને દિલ્હીમાં 80 ડેસિબલ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની (WHO) માર્ગદર્શિકા ભલે દિવસે 53 અને રાત્રે 45 ડેસિબલની અવાજની માત્રાને સામાન્ય ગણે અને તેથી વધુ માત્રામાં અવાજ થતો હોય તો તેને હાનિકારક માને, પણ ભારતના મહાનગરોમાં ‘ડબ્લ્યુએચઓ’ની (WHO) માત્રા કરતાં ઘણો વધારે અવાજ રોજ થાય છે. એક અભ્યાસનું તારણ છે કે અમદાવાદના 77 ટકા વિસ્તારોમાં, એટલે કે લગભગ પોણા ભાગના શહેરમાં દિવસે 70 ડેસિબલ અને સમગ્ર શહેરમાં લગભગ 80 ડેસિબલ અવાજ જોવા મળ્યો છે.

અવાજના પ્રદૂષણને ડામવા માટેની પૂરતી કાયદાકીય જોગવાઈઓ છે અને નિયમો ઘડાયા છે. ખાટલે મોટી ખોડ તેના અમલીકરણની છે. અવાજના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાની જેની મુખ્ય જવાબદારી છે તે પોલીસતંત્ર પાસે અવાજનું પ્રદૂષણ માપવાનું યંત્ર (સ્ટાન્ડર્ડ ડેસિબલ મીટર) જ હોતું નથી, એટલે તે રામભરોસે જ લાઉડસ્પીકર કે ડી.જે.ની મંજૂરી આપે છે. પોલીસ ત્યારે જ સક્રિય થાય છે જ્યારે નાગરિકો વધારે પડતા અવાજની ફરિયાદ કરે છે.

એક અહેવાલ પ્રમાણે એકલા અમદાવાદમાં ઇમરજન્સી હેલ્પલાઇન સર્વિસ પર રોજના 55 કોલ અવાજના પ્રદૂષણની ફરિયાદના આવે છે. નવેમ્બર 2025થી ઓગસ્ટ 2026ના દસ મહિનામાં અવાજના પ્રદૂષણની 17,050 ફરિયાદો થઈ હતી. પોલીસ જાતે ભાગ્યે જ ઘોંઘાટ અંગે કશું કરે છે, પરંતુ નાગરિકોની ફરિયાદો પછી તે જાગે છે અને કાર્યવાહી કરે છે. અવાજના પ્રદૂષણના નિયમન અને નિયંત્રણ માટેના ૨૦૦૦ના નિયમોમાં જોગવાઈ છે કે રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાઉડસ્પીકર કે ડી.જે. પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે, પરંતુ આ પ્રતિબંધનો ભાગ્યે જ અમલ થાય છે.

અદાલતોએ અવાજના પ્રદૂષણના નિયંત્રણની દિશામાં નોંધપાત્ર કાર્ય કર્યું છે. પટના હાઈકોર્ટે ધ્વનિ પ્રદૂષણ વિરુદ્ધની ફરિયાદો આવે તેની રાહ જોવાને બદલે તેના નિયમિત અમલ માટે તંત્ર જાગે તે બાબત પર ભાર મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે દર વર્ષે દિવાળીના દિવસોમાં ફટાકડા પરના પ્રતિબંધ અંગે કોઈ ઉતાવળો નિર્ણય લેવાનો થાય તેને બદલે અત્યારથી જ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ફટાકડાની મર્યાદા નક્કી કરવા અને જરૂર જણાય તો કેટલાક ફટાકડાને પ્રતિબંધમાંથી આંશિક છૂટ આપવા વિચારવા જણાવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે સર્વોચ્ચ અદાલતે દેશની રાજધાની દિલ્હીમાં ફટાકડા ફોડવા પર છેલ્લા કેટલાક વર્ષોથી પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ તેની પરવા કર્યા વિના દર દિવાળીએ ધૂમ ફટાકડા ફૂટે છે અને અદાલતો કશું જ કરી શકતી નથી.

આ પણ વાંચોઃ સરકારી શિક્ષણની દશા: ક્યાંક એક જ શિક્ષક, તો ક્યાંક શૂન્ય વિદ્યાર્થી!

વાહનોના ભોંપુઓ એટલે કે હોર્નનો અવાજ પણ પ્રદૂષણ ફેલાવે છે. એક અભ્યાસમાં નોંધાયું છે કે અમદાવાદ શહેરમાં આશરે 20 ટકા વાહનચાલકો 10ની ગતિએ વાહન ચલાવતા હોય ત્યારે પણ હોર્ન વગાડે છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની બસોના ડ્રાઈવરો તો સૌથી વધુ હોર્ન વગાડે છે. જાણીને નવાઈ લાગશે પણ એએમટીએસ (AMTS) બસનો ડ્રાઈવર રોજ 700 વખત હોર્નનો ઉપયોગ કરે છે. સતત રસ્તા પર ઊભા રહીને ટ્રાફિક નિયંત્રણ કરતા 98 ટકા ટ્રાફિક પોલીસોની સાંભળવાની શક્તિ હોર્નના અવાજથી નબળી પડી ગઈ છે.

આમ તો અમદાવાદીઓ ઘોંઘાટમુક્ત શહેરના હકદાર છે, પરંતુ તે તો તેમના નસીબમાં નથી. હવે જ્યારે શહેરના આંગણે કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે ત્યારે શહેરને ટુરિઝમ યોગ્ય બનાવવા મહાનગરપાલિકાના 300 વાહનોમાં ‘વાયહોન્ક’ (WhyHonk) ટેકનોલોજી આધારિત ડિવાઈસ લગાવીને ડ્રાઈવરોના હોર્ન વગાડવાની ટેવને ચકાસવામાં આવશે અને નિયંત્રિત કરવામાં આવશે. અગાઉ પોલીસના વાહનો પર આ ડિવાઈસ લગાવવાથી 40 ટકા વાહનોના હોર્ન વગાડવામાં ઘટાડો થયો છે. શહેરના લાખો વાહનોની સરખામણીએ 300 સરકારી વાહનો બહુ નાની સંખ્યા છે, છતાં આ એક સ્તુત્ય પગલું છે.

ઘણા જ્ઞાતિસમાજોએ લગ્નના વરઘોડામાં ડી.જે. વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે, તે એક સારી શરૂઆત છે. અવાજનું પ્રદૂષણ આપણા સમાજમાં દંભ, દેખાડા કે ખોટા ભપકા દર્શાવવાના માનવ સ્વભાવનું પણ પરિણામ છે. કાયદાકીય જોગવાઈઓ સાથે જો સમાજ પોતે આ દિશામાં વિચારતો અને અમલ કરતો થાય, તો આ સમસ્યાનો ઉકેલ શક્ય છે.

maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં લેખક, વિચારક ચંદુ મહેરિયાની લેખન સફરનો કાર્યક્રમ યોજાયો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x