ચંદુ મહેરિયા
2026-27ના શૈક્ષણિક વરસનો આરંભ થઈ ગયો છે. ગુજરાતનો બહુ ગાજેલો શાળા પ્રવેશોત્સવ પણ રંગેચંગે સમાપ્ત થઈ ગયો છે. આઝાદી મળી ત્યારે દેશનો સાક્ષરતા દર 18.33 ટકા હતો તે 2011માં 74.04 અને આજે 80.9 ટકા છે. એટલે સાક્ષરતા દરમાં અનેકગણો વધારો થયો છે. છતાં આપણા પ્રાથમિક શિક્ષણની હાલત ભાંખોડિયા ભરતાં બાળક જેવી વર્તાય છે. એટલે દેશના અને રાજ્યના પ્રાથમિક શિક્ષણની દશા અને દિશા વિશે વિચારવાનો આ યોગ્ય સમય છે.
2009ના શિક્ષણના અધિકાર કાયદાથી 6 થી 14 વરસના બાળકોને ફરજિયાત અને નિ:શુલ્ક શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. ખાનગી શાળાઓમાં ગરીબ વર્ગના બાળકો માટે 25 ટકા બેઠકો ફાળવવાની કાયદાકીય જોગવાઈ પછી તો ફરજિયાત શિક્ષણ સમાન પણ લાગવા માંડ્યું છે.

મુંબઈ હાઈકોર્ટની નાગપુર પીઠે તેના તાજેતરના ચુકાદામાં ખાનગી પ્રાથમિક શાળામાં ફી નહીં ભરી શકેલ એક 13 વરસની બાળકીને શાળામાંથી કાઢી મૂકવાના પગલાંને બંધારણના અનુચ્છેદ 21-એ અને આરટીઈ અધિનિયમની કલમ 16(4) અંતર્ગત ગેરકાયદેસર અને મનસ્વી ગણાવ્યું છે. બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે આરટીઈ કાયદા હેઠળ ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં વિધાર્થીના વાલીને પસંદગીની શાળા નક્કી કરવાનો અધિકાર હોવાનું નકાર્યું છે. આ બંને ચુકાદાથી પ્રાથમિક શિક્ષણને મળેલું સ્થાન અને અધિકારના અમલ અંગેનું અદાલતી વલણ સમજાય છે. .
આ પણ વાંચો: બંગાળની શુભેન્દુ સરકારે OBC અનામત 17 ટકાથી ઘટાડીને 7 ટકા કરી!
એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ( અસર- ASER ) જણાવે છે કે આપણા દેશનું પ્રાથમિક શિક્ષણ મોટાભાગે સરકારી શાળાઓ પર નભે છે. દેશમાં આશરે 10.17 લાખ ગવર્નમેન્ટ પ્રાઈમરી સ્કૂલ્સ છે. તેમાં લગભગ 1 કરોડ પ્રાઈમરી ટીચર્સ છે. રાષ્ટ્રીય કક્ષાએ 66.8 ટકા પ્રાથમિક શિક્ષણ સરકારી શાળાઓ મારફત આપવામાં આવે છે. મોટા રાજ્યોમાં સૌથી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ બંગાળમાં છે. બંગાળની કુલ પ્રાથમિક શાળાઓમાં 80 ટકા સરકારી છે. ગ્રામીણ બિહારના 6 થી 14 વરસના 80 ટકા બાળકો સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણે છે.
સરકારી શાળાઓએ ઘરેઘરે પ્રાથમિક શિક્ષણ તો પહોંચાડ્યું છે પરંતુ તે કેટલું ગુણવત્તાયુક્ત છે તે મોટો સવાલ છે. ભારત સરકારના ખુદના ડેટા જણાવે છે કે દેશમાં એક લાખ કરતાં વધુ એકલ શાળાઓ છે. એટલે કે આ શાળાઓમાં એકથી વધુ ધોરણના તમામ બાળકોને ભણાવવા માટે માત્ર એક જ શિક્ષક છે. 2022માં 1,18,190, 2023માં 1,10,971 અને 2025માં 1,04,125 શાળાઓમાં જુદાજુદા ધોરણના ઘણા વિધ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક ભણાવે છે. 33,76,769 બાળકો આવી એકલ શાળાઓમાં ભણે છે.

આંધ્રપ્રદેશમાં એક્લ શાળાઓની સંખ્યા અને ઉત્તરપ્રદેશમાં એકલ શાળાઓમાં ભણતા વિધાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે.
દેશની 10.17 લાખ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી 2.24 લાખ શાળાઓ જર્જરિત કે અસલામત છે. ગયા વરસે રાજસ્થાનના ઝાલાવાડના મનોહરથાણા બ્લોકની પીપલોદી સરકારી પ્રાઈમરી સ્કૂલની છત તૂટી પડતાં 7 બાળકોના મોત થયા હતાં.
આ પણ વાંચો: ગાંધીનગરમાં લેખક, વિચારક ચંદુ મહેરિયાની લેખન સફરનો કાર્યક્રમ યોજાયો
2025ના વરસના ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોતરી દરમિયાન શિક્ષણ મંત્રીએ એવી માહિતી આપી હતી કે રાજ્યમાં 327 પ્રાથમિક શાળાઓ એક જ ઓરડામાં ચાલે છે. એટલે બધા ધોરણના વિધ્યાર્થીઓને એક જ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે. તેનું કારણ શાળાના મકાન માટે જમીન ઉપલબ્ધ ન હોવાનું છે. રાજ્યના 33 જિલ્લાની 5175 સરકારી પ્રાથમિક શાળાઓમાં 6100 વર્ગખંડ ભણાવવા માટે અસલામત છે. કેમકે તે ઓરડાઓ ગમે ત્યારે પડી જાય તેવા જર્જરિત છે.
માત્ર અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં જ આ સ્થિતિ નથી રાજ્યના મહાનગરો અમદાવાદ, વડોદરા, જુનાગઢ અને ભાવનગરની 667 શાળાઓના 764 વર્ગખંડો ખરાબ સ્થિતિમાં છે.
ગત વરસના સંસદના શીતકાલીન સત્રમાં લોકસભામાં એવી માહિતી આપવામાં આવી હતી કે દેશમાં 5149 સરકારી શાળાઓમાં એક પણ વિધ્યાર્થી અભ્યાસ કરતો નથી. એટલે કે આ શાળાઓમાં કોઈ વિધ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો નથી. આશ્ચર્યની વાત તો એ છે કે આ શૂન્ય વિધ્યાર્થી સંખ્યા ધરાવતી 5,149 શાળાઓમાં 1.44 લાખ શિક્ષકો ફરજ(?) બજાવે છે. શિક્ષકોની કામગીરી તો વિધ્યાર્થીઓને ભણાવવાની છે. પરંતુ જો વિધ્યાર્થીઓ જ ન હોય તો આ ગુરુદેવો શું કરતા હશે? સરકારનો જવાબ છે કે બાળકોને સરકારી શાળાઓ તરફ આકર્ષવા અને તેમને પ્રવેશ મેળવવા સમજાવવાનું કામ કરવા આ શિક્ષકો રાખ્યા છે. એટલા માટે જ શૂન્ય વિધ્યાર્થી સંખ્યા ધરાવતી 5000 શાળાઓમાં દોઢેક લાખ શિક્ષકો છે ! જ્યારે દેશમાં લાખો શિક્ષકોની ઘટ હોય ત્યારે શૂન્ય વિધ્યાર્થી સંખ્યાની શાળાઓમાં શિક્ષકોનું હોવું પ્રજાના નાણા અને દેશના સંસાધનોનો બગાડ છે, વેડફાટ છે.
આ પણ વાંચો: ધોળું એટલું દૂધ નહીં: કેવો છે ઉજળા દૂધનો કાળો કારોબાર?
પ્રાથમિક શિક્ષણ નબળું હોવા પાછળના કારણોમાં આવી વહીવટી અણઆવડત કે આવડતનો મોટો ફાળો રહેલો છે. બધા જ ધોરણના વિધ્યાર્થીઓને એક જ ક્લાસ રૂમમાં ભણાવવાથી ભણતરમાં શું ભલીવાર આવે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સમાં ગુજરાતના પ્રાથમિક શાળાના બાળકો માટે એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે આ બાળકો શિક્ષકો જે ભણાવે છે તે સમજવામાં અને બીજાને સમજાવવામાં કાચા છે.
બાળકોના ભણતર પરની માઠી અસર ‘અસર’ ના રિપોર્ટમાં પણ દર્શાવી છે. ધોરણ 1 ના 31.9 ટકા બાળકો 1 થી 9 સુધીની ગણતરી પણ વરસના અંતે કરી શકતા નથી. ધોરણ 3ના 62.5 ટકા વિધ્યાર્થીઓ સામાન્ય સરવાળા બાદબાકી કરી શકતાં નથી.
આ પણ વાંચો: ડૉ.આંબેડકરની અધૂરી આત્મકથાનું પૂર્ણ સત્ય
જ્યારે શાળામાં આપવામાં આવતું શિક્ષણ નબળું હોય ત્યારે માબાપ કે વાલીએ બાળકોના ટ્યુશન કે કોંચિંગનો માર્ગ કમને કે મધ્યમવર્ગે અન્ય ખર્ચ પર કાપ મૂકીને પણ અપનાવવો પડે છે. નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ(NSO) ના આંકડા જણાવે છે કે ગુજરાતના વાલીઓ ખાનગી ટ્યુશન પાછળ વરસે સરેરાશ રૂ.14,545 ખર્ચે છે. પ્રિપાઈમરી થી ધોરણ 12 સુધીના શહેરી 35 ટકા અને ગ્રામીણ 12 ટકા વિધ્યાર્થીઓ ખાનગી કોંચિંગ લે છે. ગુજરાતમાં ધોરણ 1 થી 5માં ખાનગી ટ્યુશનનો વ્યક્તિદીઠ સરેરાશ ખર્ચ રૂ.9152 છે.
દલિત, આદિવાસી, નબળા વર્ગો અને ગરીબોને ખાનગી શાળાઓની ફી પોસાતી નથી એટલે તેમના માટે સરકારી શાળાઓ એક માત્ર વિકલ્પ છે. સરકારી શાળાઓના નબળા શિક્ષણને પ્રતાપે આ બાળકોનું પાયાનું એવું પ્રાથમિક શિક્ષણ કાચું રહે છે. સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો બાળકોને ભણાવવા ઉપરાંત અનેક પ્રકારની વધારાની સરકારી કામગીરીઓના બોજ તળે દબાયેલા છે.
લાખો શિક્ષકોની ખાલી જગ્યાઓ, કાયમીને બદલે સહાયક સિક્ષક તરીકેની નોકરી અને તેમાં એકલ શાળા કે શૂન્ય વિધ્યાર્થી શાળા જેવા વ્યવધાનો પ્રાથમિક શિક્ષણને વધુ નબળું બનાવે છે. શિક્ષણને તમામ દુખોની દવા માનવી હોય તો પ્રાથમિક શિક્ષણ ગુણવતાસભર અને સબળુ હોય તેની તકેદારી રાખવી જોઈએ.
maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)
આ પણ વાંચો: છેલ્લા 25 વર્ષમાં દેશનું સંરક્ષણ બજેટ કેટલું વધ્યું?











