ગાંધીનગરઃ પાટનગર ગાંધીદલિત સાહિત્ય વિમર્શ મંચ-ગાંધીનગર દ્વારા અગ્રીમ લેખક, વિચારક, કોલમ્નિસ્ટ અને કર્મશીલ ચંદુભાઈ મહેરિયાની કેફિયત-લેખનસફરનો એક કાર્યક્રમ યોજાયો હતો.નગર ખાતે દલિત સાહિત્યના વિવિધ કાર્યક્રમો યોજવાની શ્રેણી અંતર્ગત એક વિશેષ સંવાદ કાર્યક્રમ ગઈકાલે રવિવારે સંપન્ન થયો હતો. ‘સવાયા દલિત સાહિત્યકાર’ તરીકે જાણીતા ગુજરાતના અગ્રણી દલિત સાહિત્યકાર શ્રી પ્રવીણ ગઢવી સાહેબની દલિત સાહિત્ય પ્રત્યેની આજીવન પ્રતિબદ્ધતાના સન્માનમાં કાર્યરત ‘દલિત સાહિત્ય વિમર્શ મંચ-ગાંધીનગર’ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ શ્રેણી હેઠળ ગાંધીનગરના નિવાસી અને ગુજરાતના જાણીતા લેખક, વિચારક, કોલમ્નિસ્ટ અને કર્મશીલ ચંદુભાઈ મહેરિયાની કેફિયત અને તેમની દીર્ઘ લેખનસફરને કેન્દ્રમાં રાખીને એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન – ગાંધીનગર’ ના સમિતિખંડ ખાતે 7 જૂન 2026 ને રવિવારના રોજ સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન યોજાયો હતો.

આ પણ વાંચો: Ken-Betwa project ના વિરોધમાં આદિવાસી મહિલાઓ બાળકો સાથે ચિતા પર સૂતી
કાર્યક્રમની શરૂઆતમાં જાણીતા લેખક અને પત્રકાર નટુભાઈ પરમારે કાર્યક્રમની પૃષ્ઠભૂમિ સ્પષ્ટ કરી હતી અને મુખ્ય વક્તા ચંદુભાઈ મહેરિયાનો વિગતવાર પરિચય કરાવી તેમને શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે આભારદર્શનની વિધિ પ્રવીણ શ્રીમાળી દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય વક્તા શ્રી ચંદુભાઈ મહેરિયાએ પોતાની સુદીર્ઘ અને સંઘર્ષપૂર્ણ લેખનસફરના વિવિધ પડાવો શ્રોતાગણ સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે તેમની લેખનપ્રવૃત્તિનો પ્રારંભ જનતાના અને લોકશાહીના પ્રશ્નોને વાચા આપતા ચર્ચાપત્રોના લેખનથી થયો હતો. ત્યારબાદ આ સફર ‘ઓપન ફોરમ’ થી લઈને ‘દલિત અધિકાર’ જેવા પ્રતિષ્ઠિત સામયિકોના સંપાદન સુધી પહોંચી હતી.
તેમણે પોતાની કેફિયત રજૂ કરતાં ‘અસ્મિતા’ અને ‘વિસ્ફોટ’ જેવા પ્રખ્યાત દલિત કાવ્યસંગ્રહોની રચના પ્રક્રિયા પર પ્રકાશ પાડ્યો હતો. આ ઉપરાંત ‘માડી મને સાંભરે રે’, ‘સાંબરડાથી સ્વમાનનગર’, ‘આંબેડકર વિચાર’, ‘દલિત સાહિત્યની પ્રભાવી કૂચ’, ‘રૂદ્રવીણાનો ઝંકાર’, તેમજ ‘સમાજમિત્ર’ ના દલિત કાવ્યસંગ્રહ અને ‘ચોતરફ’ જેવા મહત્વના સંપાદનો તથા સ્વતંત્ર પુસ્તકોના સર્જન પાછળના તથ્યો અને અનુભવો શ્રોતાઓ સાથે વહેંચ્યા હતા.

આ પણ વાંચો: ‘નયા માર્ગ’ના તંત્રી ઈન્દુકુમાર જાનીના બે પુસ્તકોનું વિમોચન થયું
વર્તમાન વર્ષ 2026માં જ દેશના એક નામાંકિત પ્રકાશનગૃહ દ્વારા અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયેલી તેમની આત્મકથા ‘HOMES WITHOUT WINDOWS’ વિશે પણ તેમણે વિશેષ ચર્ચા કરી હતી. ચંદુભાઈએ આ પુસ્તકમાં સમાવિષ્ટ આત્મકથ્ય, તેના અંગ્રેજી અનુવાદ દરમિયાન નડેલા પડકારો, અનુવાદની પ્રક્રિયા અને આ પુસ્તકને સાહિત્યજગતમાં મળેલા વ્યાપક આવકાર વિશે શ્રોતાઓને વિસ્તૃત માહિતી આપી હતી.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ગુજરાતના SC-ST સમાજના પત્રકારોનું સ્નેહમિલન યોજાયું
તેમણે પોતાની જાણીતી નિર્ભીક અને બેબાક શૈલીમાં વર્તમાન દલિત સાહિત્યની દિશા, દલિત સમાજજીવનની વાસ્તવિકતાઓ અને સમાજના બેજવાબદાર આગેવાનોની ભૂમિકા અંગે માર્મિક અને તીક્ષ્ણ નુકતેચીની કરી હતી.
આ કાર્યક્રમમાં સાહિત્ય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સર્વશ્રી દલપત ચૌહાણ, ભી.ન.વણકર, આલોક ગુપ્તા, પ્રજ્ઞા પટેલ, અશોક શ્રીમાળી, સોમ વાઘેલા, ઘનશ્યામ ગઢવી, ડૉ. નરસિંહદાસ વણકર, ચીમનભાઈ રાઠોડ, મનોજ મકવાણા, જ્યોત્સના મકવાણા, દીપક જોષી, રાજેશ શ્રીમાળી, દિનેશ સિંહલ, તુષારકુમાર, પી.બી.મકવાણા, વસંતભાઈ જાદવ, રણજીત ગઢવી, ડૉ. દિનુ ભદ્રેસરિયા, અશ્વિનભાઈ રાઠોડ, ધીરૂભાઈ કોટવાલ, ગીરીશભાઈ મારૂ, યોગેન્દૂ ચૌહાણ અને આલોક આનંદ સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે.
(વિશેષ માહિતીઃ નટુભાઈ પરમાર, ગાંધીનગર)
આ પણ વાંચો: અમદાવાદમાં ‘દલિત પેન્થર’ના નહીં લખાયેલા ઈતિહાસ પર વાર્તાલાપ યોજાયો













