સુરતમાં ધર્મની આડમાં કાળી કરતૂતો કરતા એક લંપટ ભૂવાનો પર્દાફાશ થયો છે. મૂળ બોટાદની અને સુરતના અડાજણમાં રહેતી યુવતી સંતાનપ્રાપ્તિ અને પિતૃવિધિ કરવા માટે બોટાદના એક ગામમાં રહેતા ભૂવા પાસે ગઈ હતી. પોતાને હનુમાનજીનો ભૂવો ગણાવતા એ શખ્સે યુવતીને ભોળવીને તેના ઘરે તેમ જ ખાનગી બસમાં અનેકવાર હવસનો શિકાર બનાવી હતી. આ મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પિતૃદોષ હોવાનું કહી યુવતીને સંતાનસુખની લાલચ આપી ફસાવી
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, મૂળ બોટાદની વતની અને હાલ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી 25 વર્ષની યુવતીએ બે વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. જો કે, બે વર્ષનો સમય વિતવા છતાં તેને સંતાન સુખ પ્રાપ્ત ન થતા પોતાના પતિ સાથે બોટાદના ગઢડા તાલુકાના ચિરોડા ગામના ભૂવા ગંગારામ રામચરણદાસ પાસે પહોંચી હતી. જ્યાં લંપટ ભૂવા ગંગારામે ઘૂણવાનું ધતિંગ કરીને યુવતીને પરિવારમાં પિતૃદોષ હોવાનું કહીને વિધિ કર્યા બાદ બધુ સારું થઈ જશે તેમ કહ્યું હતું. આથી સંતાનસુખની લાલચમાં યુવતી અને તેનો પતિ લંપટ ભૂવાની પિતૃદોષની મનઘડંત વાતને હકીકત માની બેઠું હતું. જે બાદ દોઢેક મહિના પહેલા વિધી કરવાના બહાને ભૂવો ગંગારામ યુવતીના ઘરે સુરત ગયો હતો અને કથિત રીતે કાળો જાદુ અને વશીકરણના બહાને યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે યુવતીએ પરિવારમાં બધું સારું થઈ જશે તેવી લાલચે આ વાત કોઈને કહી નહોતી.
આ પણ વાંચો: 4 વર્ષની દલિત બાળકી પર સ્કૂલવાન ચાલકે બળાત્કાર કર્યો
કાળા જાદુના નામે બે દિવસ યુવતીને પોતાના ઘરમાં રાખી
આ ઘટના બાદ હાલ ઓગસ્ટ મહિનાની શરુઆતમાં લંપટ ભૂવાએ પોતાની હવન સંતોષવા પિતૃદોષની વિધિના નામે યુવતીને એકલી પોતાના ઘરે ચિરોડ બોલાવી હતી, જ્યાં પણ તેણે કથિત કાળા જાદુનો ઢોંગ કરી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, આ ભૂવાએ યુવતીને બે દિવસ સુધી પોતાના ઘરે રાખીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે, બે દિવસ પછી પણ યુવતી પરત ન ફરતા તેનો પતિ અડાજણ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે ભૂવાને સુરત બોલાવવા વિધિ કરવાના નામે એક છટકું ગોઠવ્યું હતું. જેથી હવસખોર ભૂવો યુવતીને લઈ એક ખાનગી લક્ઝરી બસ મારફતે ભાવનગર બોટાદથી સુરત આવવા નીકળ્યો હતો. આ મુસાફરી દરમિયાન ચાલુ બસે ભૂવાએ યુવતી સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા. જે સમગ્ર ઘટાના અંગે પીડિતા યુવતીએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે લંપટ ભૂવાની ધરપકડ કરી રેપનો ગુનો નોંધ્યો
ઉલ્લેખનીય છે કે, હવસખોર ભૂવો ગંગારામ પોતાને હનુમાનજીનો ભગત માને છે અને ૨ બાળકોનો બાપ છે. જ્યારે ભોગ બનનાર પીડિત પણ બોટાદની વતની હોવાથી તેને ઓળખતી હતી. આથી લગ્નના બે વર્ષ બાદ પણ તેને સંતાન પ્રાપ્ત ન થવાથી તે ભૂવા પાસે પહોંચી હતી. ત્યારે ધર્મ, આસ્થા, શ્રદ્ધા અને પિતૃદોષની આડમાં હવસખોર ભૂવાએ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.
હાલ યુવતીને ફરિયાદના આધારે અડાજણ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી લંપટ ભૂવાની ધરપકડ કરી છે. સાથે જ મહિલાનું નિવેદન નોંધી તેને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ મોકલી આપી છે. ઉપરાંત, બસના ડ્રાઈવર અને અન્ય સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સહમતીથી સેક્સની ઉંમર 16 વર્ષ કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ