હૈદરાબાદની એક હોસ્પિટલે એક દર્દીના લોહીનો નમૂનો લીધા વિના ગણતરીની મિનિટોમાં જ તેનો બ્લડ રિપોર્ટ તૈયાર કરીને આપી દીધો. એટ્રોસિટીના ગુનાની વાત કરતા પહેલા આ ઉદાહરણ ટાંકવાનું કારણ એટલું જ કે, એકબાજુ દેશ અને દુનિયા માનવજાતને મદદરૂપ થાય તેવી ટેકનોલોજી વિકસાવીને ખરા અર્થમાં પ્રગતિ કરી રહી છે ત્યારે બીજી તરફ ધર્માંધ અને જાતિવાદથી ખદબદતા ગુજરાતમાં જાતિવાદી તત્વો સુધરવાને બદલે અઢારમી સદી તરફ ધકેલાઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.
દલિતો પર અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યો
આવું એટલા માટે લાગે છે, કેમ કે ગુજરાતમાં દરરોજ કોઈને કોઈ ખૂણેથી દલિતો પર અત્યાચારના કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. છેલ્લા એક અઠવાડિયામાં જ દલિત અત્યાચારની બે મોટી ઘટનાઓ ઘટી છે. અમરેલીના લાઠી તાલુકાના જરખીયામાં દલિત યુવક નિલેશ રાઠોડનું જાતિવાદી ભરવાડોએ ખૂન કરી નાખ્યું હતું. બીજી તરફ સુરેન્દ્રનગરના પાટડીના પાનવા ગામમાં ભરવાડોએ દલિત સામાજિક કાર્યકરના બંને પગ ભાંગી નાખ્યા છે.
આ પણ વાંચો: જરખીયાના દલિત યુવકની જન્મદિવસે અંતિમક્રિયા કરાઈ
ગુજરાતમાં દલિતોનો રોષ ચરમસીમાએ
આ બંને ઘટનાઓને પગલે સમગ્ર ગુજરાતનો દલિત સમાજ રોષે ભરાયેલો છે અને તેમણે અનામત સીટ પર ચૂંટાઈને આવેલા એસસી સાંસદો-ધારાસભ્યોનું જીવતેજીવ બારમું કરવાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. દલિતોનો રોષ અને જાતિવાદી તત્વોની લુખ્ખાગીરી અટકવાનું નામ નથી લઈ રહી ત્યાં હવે વીરમગામમાંથી વધુ એક દલિત અત્યાચારની ઘટના સામે આવી છે. અહીં ઠાકોર જાતિના 4 લોકોએ મળી દલિત મામા-ભાણેજ પર હુમલો કરી ભાણેજનો પગ ભાંગી નાખ્યો છે અને મામાને અનેક જગ્યાએ ઈજા પહોંચાડી છે.
મામલો શું છે?
આ ઘટનાની પોલીસ ફરિયાદ મુજબ વીરમગામની શંકર મુખીની ચાલીમાં રહેતો 23 વર્ષનો ઉર્વીશ પરમાર સાણંદ જીઆઈડીસીમાં આવેલી નેસ્લે કંપનીમાં નોકરી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. 23 મે 2025ને શુક્રવારના રોજ રાત્રે 12.30 વાગ્યા આસપાસ ઉર્વીશ તેના મામા અશોકભાઈ મકવાણા સાથે લસ્સી પીવા માટે મિલ રોડ પર આવેલી શંભુજી નટુજી ઠાકોરની દુકાન ઉપર ગયો હતો. દુકાન પર શંભુજીનો છોકરો સંજય બેઠો હતો. ઉર્વીશ અને તેના મામાએ તેની પાસેથી બે લસ્સી ખરીદી હતી અને પૈસા ચૂકવી તેઓ ત્યાં ઉભા રહીને લસ્સી પીવાનું વિચારી રહ્યા હતા. એ દરમિયાન દુકાનદાર સંજય ઠાકોરે તેમને કહ્યું હતું કે, “તમને તમારી વસ્તુ આપી દીધી છે હવે તમે અહીંથી જતા રહો.”
દુકાનદારે જાતિસૂચક ગાળો ભાંડી ઘરે જતા રહેવા કહ્યું
જેથી ઉર્વીશે સંજયને જણાવ્યું હતું કે, અમે લસ્સી પીને નીકળીએ જ છીએ. જેથી સંજય ઉશ્કેરાઈ ગયો હતો અને “ઢે@#ઓ તમને તમારી વસ્તુ મળી છે, હવે અહીંથી જતા રહો” એમ કહીને જાતિસૂચક ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. જેથી ઉર્વીશે તેને જાતિ ઉપર ન બોલવા સમજાવ્યો હતો અને દુકાનેથી લીધેલી લસ્સી ત્યાં ઉભા રહીને ન પીવા દેવી હોય તો પૈસા પાછા આપી દેવા કહ્યું હતું. જેનાથી સંજય ઠાકોર વધુ ઉશ્કેરાયો હતો અને ઉર્વીશને મા-બહેનની ગાળો ભાંડવા લાગ્યો હતો.
ચાર લોકોએ મળી ધોકા-લોખંડની પાઈપથી હુમલો કર્યો
ઉર્વીશે તેને ગાળો ન બોલવાનું કહેતા સંજયનું ઉપરાણું લઈને તેની બહેન જ્યોતિ શંભુજી ઠાકોર, વિજય રમેશજી ઠાકોર અને જયેશ શંકરજી ઠાકોર ધોકા લઈને આવી પહોંચ્યાં હતા અને ઉર્વીશ અને તેના મામાને મા-બહેનની અને જાતિસૂચક ગાળો ભાંડી મારવા દોડ્યા હતા. જેથી ઉર્વીશ અને તેના મામા ત્યાંથી રવાના થઈ ગયા હતા. એ દરમિયાન સંજય લોખંડની પાઈપ લઈને તેમની પાછળ દોડ્યો હતો અને ઉર્વીશના બરડામાં ઘા કરી જમીન પર પાડી દીધો હતો. એ પછી ચારેય જણાંએ મળીને ઉર્વીશ અને તેના મામાને માથા, હાથ, પગ, પીઠ પર આડેધડ ધોકા અને લોખંડની પાઈપથી માર મારવાનું શરૂ કરી દીધું હતું.
આ પણ વાંચો: પટેલોએ દલિતોને માર્યા છતાં હાઈકોર્ટે એટ્રોસિટીની કલમો રદ કરી
ઉર્વીશના એક જ પગમાં બે ફ્રેક્ચર થઈ ગયા
મારામારી અને હોબાળો થતા આસપાસમાંથી લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને વચ્ચે પડી ઉર્વીશ અને તેના મામાને છોડાવ્યા હતા. એ દરમિયાન કોઈએ તેના પરિવારને જાણ કરતા તેના માતાપિતા અને અન્ય પરિવારજનો આવી પહોંચ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી બંનેને વીરમગામ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં તેમની હાલત ગંભીર જણાતા શિવ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. હાલ મામા-ભાણેજની અહીં સારવાર ચાલી રહી છે. ઉર્વીશને માથામાં અનેક ટાંકા આવ્યા છે અને તેના ડાબા પગે બે ફ્રેક્ચર થઈ ગયા છે. જ્યારે તેના મામાને શરીર પર અનેક ઠેકાણે મૂંઢમાર વાગ્યો હોવાથી ચાઠાં પડી ગયા છે. આ મામલે વીરમગામ ટાઉન પોલીસમાં એટ્રોસિટી એક્ટ, બીએનએસ અને જીપીએની વિવિધ કલમો હેઠળ ચારેય આરોપીઓ વિરુદ્દ એફઆઈઆર નોંધાઈ છે. ઘટનાની તપાસ નાયબ પોલીસ અધીક્ષક પનસિંહ ડોડીયા સંભાળી રહ્યાં છે.
હાલ ચારેય આરોપીઓ અમદાવાદ જેલમાં છે
આ ઘટનામાં વીરમગામ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ચારેય આરોપીની ધરપકડ કરી છે. હાલ તમામ આરોપીઓ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં છે. મળતી માહિતી મુજબ આરોપીઓએ સરકારી જમીન પર દબાણ કરીને પાન પાર્લર બનાવી દીધું હતું. ગુજરાત સરકાર અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ મકાનો, દુકાનો ઉપર બુલડોઝર ફેરવે છે તેમ અહીં પણ કાર્યવાહી થાય તેમ પીડિત પરિવાર ઇચ્છી રહ્યો છે.
આ પણ વાંચો: નક્સલવાદી હુમલામાં ભાવનગરના દેવગાણાનો દલિત જવાન શહીદ