ગુજરાત સહિત દેશભરમાં એક બાજુ ઓબીસી સમાજને બંધારણના ઘડવૈયા ડો.આંબેડકરના કારણે મળેલી બંધારણીય અનામત પર સવર્ણ હિંદુઓ તરાપ મારી રહ્યાં છે. ઓબીસીની સૌથી વધુ નોકરીઓ છીનવીને સવર્ણ હિંદુઓ યુવકોને અપાઈ રહી છે, છતાં ઓબીસી સમાજના લોકો તેમના યુવાનોના હક-અધિકાર માટે જાગૃત થઈને લડત આપવાને બદલે સવાયા સવર્ણ બની દલિતો પર હુમલા કરવામાં અને જાતિના અભિમાનમાં રાચવામાંથી ઉંચા આવતા નથી.
ગુજરાતમાં ઠાકોર સમાજમાં આ બાબત સૌથી વધુ જોવા મળે છે. આ સમાજ સૌથી વધુ અશિક્ષિત છે, અંધશ્રદ્ધામાં ગળાડૂબ છે, તેમના હકની અનામતની નોકરીઓ સવર્ણ હિંદુઓને ફાળવી દેવાય છે, તેની સામે લડત આપવાનું તેમને સૂઝતું નથી, પરંતુ દલિતો પર અત્યાચાર કરીને તેઓ પોતાની જાતને સવાયા હિંદુ સાબિત કરવામાં ગૌરવ અનુભવે છે.
ગુજરાતના કોઈને કોઈ વિસ્તારમાંથી ઓબીસી સમાજના લોકો દ્વારા દલિતો પર અત્યાચાર, માર મારવો, જાતિસૂચક અપશબ્દો બોલી ઉતારી પાડવા જેવી ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટના રાધનપુરના બાદરપુર ગામમાં બની છે. જ્યાં ત્રણ ઠાકોર શખ્સોએ એક દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો બોલી નાક પર કડાથી હુમલો કરી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. આ મામલે હવે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.
આ પણ વાંચો: ગૌતસ્કર સમજી બે દલિત યુવકોને માથું મુંડી, 2 કિમી. સુધી ઘૂંટણિયે ચલાવ્યા
ખેતરે જતા દલિત યુવકને આંતરી માર માર્યો
આ ઘટનાની મળતી માહિતી મુજબ, રાધનપુર તાલુકાના બાદરપુરામાં 25 વર્ષીય હિતેશભાઈ બાબુભાઈ પરમાર 15 જુલાઈના રોજ સવારે સાડા નવ વાગ્યે પોતાના ખેતરે જઈ રહ્યો હતો. એ દરમિયાન ધરવડી ત્રણ રસ્તા પાસે હિતેશભાઈ રમેશભાઈ ઠાકોર નામનો શખ્સ તેને મળી ગયો હતો અને તેણે હિતેશને જાતિસૂચક અપશબ્દો કહેવાનું શરૂ કરી દીધું હતું. એ પછી આરોપી તેને પોતાની મોટરસાયકલ પર બેસાડીને પોતાના ઘર પાસે લઈ ગયો હતો અને ત્યાં તેના નાક પર કડાથી માર માર્યો હતો.
ત્રણેય શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ
એ દરમિયાન રમેશભાઈ કરશનભાઈ ઠાકોર અને બાબુભાઈ કરશનભાઈ ઠાકોર પણ ત્યાં આવી પહોંચ્યા હતા. બાબુભાઈએ લાકડી વડે હિતેશ પરમારને માર માર્યો હતો. જ્યારે રમેશભાઈએ ગડદાપાટુનો માર માર્યો હતો. ત્રણેય આરોપીઓએ હિતેશ પરમારને “ટાંટિયા ભાંગી નાખવાની” ધમકી આપી હતી. જેથી ગભરાયેલા હિતેશ પરમારે રાધનપુર પોલીસ સ્ટેશને જઈને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો, જી.પી. એક્ટ કલમ 135 અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(આર)(એસ), 3(5)(5-એ) હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: પાણી ભરેલા ખાડામાંથી 4 આદિવાસી બાળકોના મૃતદેહ મળ્યાં