નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કઈ હદે SC, OBC સમાજના બંધારણીય અધિકારો પર તરાપ મારી રહી છે તેની વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. મળતી માહિતી મુજબ સરકારે કેન્દ્ર સરકારે અનુસૂચિત જાતિ (SC), અન્ય પછાત વર્ગો (OBC), આર્થિક રીતે પછાત (EBC) અને વિચરતી તથા વિમુક્ત જાતિઓ (DNT) ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પેટે ફાળવવામાં આવેલા કરોડો રૂપિયા ખર્ચાયા વગર સરકારી તિજોરીમાં પાછા પડ્યા રહ્યા છે. એટલું જ નહીં શિષ્યવૃત્તિ મેળવતા આ સમાજના વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.
ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) ના રાજ્યસભા સાંસદ જોન બ્રિટાસે સરકાર પાસે શિષ્યવૃત્તિ યોજનાઓના અમલીકરણ અંગે વિગતો માંગી હતી. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ લેખિતમાં જે આંકડા રજૂ કર્યા, તેણે વિપક્ષ અને શિક્ષણવિદોને ચોંકાવી દીધા છે. આ આંકડા દર્શાવે છે કે સરકારે બજેટમાં મોટી રકમની જાહેરાત તો કરી, પરંતુ પાયાના સ્તરે તે રકમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં વહીવટી તંત્ર ઉણું ઉતર્યું છે.

સાંસદ બ્રિટાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ આંકડા શેર કરતા જણાવ્યું કે, એક તરફ દેશ ડિજિટલ ઇન્ડિયા અને ઉચ્ચ શિક્ષણના વ્યાપની વાતો કરે છે, ત્યારે બીજી તરફ હાંસિયામાં ધકેલાયેલા સમુદાયોના હજારો કરોડ રૂપિયા ‘વણવપરાયેલા’ (Unspent) જાહેર કરવામાં આવે છે.
આ પણ વાંચો: ઈંટો ઉપાડતી માતાના પુત્રને કેલિફોર્નિયા યુનિ.એ 75 લાખની સ્કોલરશીપ આપી
બજેટ ફાળવણી અને વાસ્તવિક ખર્ચનું વિશ્લેષણ
છેલ્લા ચાર વર્ષના ડેટા પર નજર કરીએ તો ખબર પડે છે કે આ કોઈ એક વર્ષની ભૂલ નથી, પરંતુ એક વ્યવસ્થિત માળખાગત સમસ્યા છે:

1. નાણાકીય વર્ષ 2024-25: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને આશરે ₹14,164.42 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જોકે, વિભાગે તેમાંથી માત્ર ₹8,679.02 કરોડ જ ખર્ચ્યા છે. એટલે કે લગભગ 38% જેટલી રકમ વિદ્યાર્થીઓ સુધી પહોંચી જ નથી.
2. નાણાકીય વર્ષ 2023-24: આ વર્ષમાં ₹9,163.98 કરોડના બજેટ સામે ₹8,008.79 કરોડ ખર્ચાયા હતા. બીજી તરફ એક પૂરક યોજનામાં ₹8,874.14 કરોડમાંથી માત્ર ₹7,762.82 કરોડનો જ ઉપયોગ થયો હતો.
3. ગત વર્ષોની સ્થિતિ: 2022-23માં ₹8,165 કરોડની સામે ₹6,372.38 કરોડ અને 2021-22માં ₹6,220.62 કરોડમાંથી માત્ર ₹4,446.24 કરોડ ખર્ચાયા હતા.
આ આંકડાકીય તફાવત સૂચવે છે કે સરકાર પાસે ભંડોળ હોવા છતાં પાત્ર વિદ્યાર્થીઓ આ સહાયથી વંચિત રહી રહ્યા છે.
લાભાર્થીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો
સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે, સરકાર સતત વંચિત સમાજના વિદ્યાર્થીઓનો સ્કોલરશીપ યોજનામાંથી બહાર કરી રહી છે. જ્યારે શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે છે, ત્યારે તેનો સીધો અર્થ એ થાય છે કે હજારો વિદ્યાર્થીઓએ ક્યાં તો ફી ન ભરી શકવાને કારણે ભણતર છોડી દીધું છે અથવા તેઓ યોજનાની જટિલતાને કારણે બહાર રહી ગયા છે.
આ પણ વાંચો: દલિત છોકરી પર ચાલતી કારમાં ગેંગરેપ, શિષ્યવૃત્તિ ફોર્મ ભરવા ગઈ હતી
• SC પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ: વર્ષ 2020-21માં આ યોજનાનો લાભ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 31.22 લાખ હતી, જે 2024-25 સુધીમાં ઘટીને માત્ર 21.65 લાખ રહી ગઈ છે. આશરે 10 લાખ દલિત વિદ્યાર્થીઓ આ યાદીમાંથી બહાર થઈ ગયા છે.
• OBC, EBC અને DNT વર્ગો: આ વર્ગોની હાલત સૌથી વધુ કફોડી છે. પ્રી-મેટ્રિક સ્તરે લાભાર્થીઓની સંખ્યા 54.95 લાખથી ઘટીને સીધી 20.61 લાખ પર આવી ગઈ છે. એટલે કે 60% થી વધુ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની સુરક્ષા ગુમાવી ચૂક્યા છે. પોસ્ટ-મેટ્રિક (ધોરણ 10 પછી) ના કિસ્સામાં પણ સંખ્યા 45.45 લાખથી ઘટીને 24.53 લાખ થઈ ગઈ છે—જે લગભગ અડધા જેટલો ઘટાડો છે.
ગેરહાજર વિદ્યાર્થીઓ ક્યાં ગયા?
જોન બ્રિટાસે આ મુદ્દે વેધક સવાલ પૂછ્યો છે: “લાખો વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની યાદીમાંથી ગાયબ કેવી રીતે થઈ ગયા? શું તેઓએ ભણવાનું છોડી દીધું કે પછી સિસ્ટમે તેમને બહાર કરી દીધા?” આ ટીકાઓ વચ્ચે, સરકારે સંકેત આપ્યો છે કે તેઓ શિષ્યવૃત્તિના માળખામાં મોટા ફેરફારો કરી રહ્યા છે. ‘ધ હિન્દુ’ના અહેવાલ મુજબ, કેન્દ્ર સરકાર પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની વાર્ષિક આવક મર્યાદા જે હાલમાં ₹2.5 લાખ છે, તેને વધારીને ₹4.5 લાખ કરવાની તૈયારી કરી રહી છે. આ ફેરફાર નાણાકીય વર્ષ 2026-27 થી અમલી બનશે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: આદિવાસીની શિષ્યવૃત્તિ મુદ્દે પ્રશ્ન કરાતા 4 આદિવાસી ધારાસભ્યો સસ્પેન્ડ
સરકારનું માનવું છે કે આવક મર્યાદા વધવાથી મધ્યમ વર્ગના ગરીબ પરિવારો પણ આ યોજનાના દાયરામાં આવશે, જેનાથી લાભાર્થીઓની સંખ્યા ફરી વધી શકે છે. સામાજિક ન્યાય વિભાગે એક સંસદીય સમિતિને ખાતરી આપી છે કે SC, ST, OBC અને DNT સમુદાયો માટેની તમામ શિષ્યવૃત્તિ યોજનાઓમાં વ્યાપક સુધારા કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે.
A.Thousands of crores meant for SC, OBC, EBC and DNT students’ scholarships remain unspent.
For SC & OBC scholarships:
2021-22: Rs. 4,446.24 cr spent vs Rs. 6,220.62 cr allocated
2022-23: Rs. 6,372.38 cr vs Rs. 8,165 cr
2023-24 : Rs. 7,762.82 cr vs Rs. 8,874.14 cr
2024-25… pic.twitter.com/h2uw6P61Sr— John Brittas (@JohnBrittas) March 12, 2026
શિક્ષણ માટે ફાળવવામાં આવેલું બજેટ જો વિદ્યાર્થીઓ સુધી ન પહોંચે, તો તે રાષ્ટ્રના માનવ સંસાધનનો બગાડ છે. આંકડાઓ સ્પષ્ટ કરે છે કે માત્ર યોજનાઓ જાહેર કરવાથી ઉત્થાન થતું નથી, પણ તેનું અસરકારક અમલીકરણ જરૂરી છે. જો આવનારા વર્ષોમાં આ ખામીઓ સુધારવામાં નહીં આવે, તો વંચિત વર્ગોના હજારો તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક તંગીના કારણે ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જશે, જેની અસર દેશના સામાજિક-આર્થિક વિકાસ પર લાંબા ગાળે જોવા મળશે.
આ પણ વાંચો: મોદી સરકારે 60% બહુજન વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસ શિષ્યવૃત્તિ અટકાવી











