ઝારખંડના પૂર્વ સિંહભૂમ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક શખ્સે પાડોશમાં રહેતી એક વૃદ્ધ આદિવાસી મહિલા કાળો જાદુ કરતી હોવાની શંકા રાખી દાતરડાથી તેનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપી તેના પિતા અને ભાઈના મૃત્યુ માટે મહિલાને જવાબદાર ઠેરવી રહ્યો હતો, તેથી તેણે મહિલાની હત્યા કરી દીધી. આરોપી આદિવાસી મહિલાને ડાકણ કહીને તે ગામલોકો પર કાળો જાદુ કરી રહી હોવાનું માનતો હતો.
દાતરડાથી ગળું કાપી નાખ્યું
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટના રવિવારે રાત્રે ઘાટસિલા સબ ડિવિઝનના ઘનઘોરી ગામમાં બની હતી. મૃતક આદિવાસી મહિલાની ઓળખ 75 વર્ષની સિંગો કિસ્કુ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ મહિલા વિધવા હતી અને ઘરમાં એકલી રહેતી હતી. હત્યાની રાત્રે તેની પડોશમાં રહેતો 33 વર્ષનો કૃષ્ણા હેમ્બ્રમ બળજબરીથી તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને દાતરડાથી સિંગો કિસ્કુનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. લોકોના ટોળેટોળાં હત્યા સ્થળે એકઠાં થઈ ગયા હતા.
આ પણ વાંચો: દલિત યુવતીને જંગલમાં ખેંચી જઈ 4 યુવકોએ ગેંગરેપ કર્યો
પોલીસે આરોપીની ધરપકડ કરી
પોલીસે જણાવ્યું કે ગ્રામજનોએ પોલીસને ઘટનાની જાણ કરી. માહિતી મળતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સોમવારે સવારે મહિલાની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવી હતી. અધિકારીએ જણાવ્યું કે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને આરોપી કૃષ્ણાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.
અધિકારીના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે થોડા સમય પહેલા તેના પિતા અને ભાઈનું મૃત્યુ થયું હતું અને તે વૃદ્ધાના કાળા જાદુને તેના માટે જવાબદાર માનતો હતો. આથી જ તેણે દાતરડાથી તેનું ગળું કાપી નાખ્યું હતું.
આ પણ વાંચો: મહિલાઓનું જાતીય શોષણ કરી આરોપીએ શિવનો વેશ ધારણ કરી લીધો