બારડોલીમાં પ્રેમ પ્રકરણમાં આદિવાસી પરિવારને બાંધીને સરઘસ કાઢ્યું

બારડોલીના મસાડમાં યુવતી ભાગી જતા તેના પરિવારે આદિવાસી યુવકની માતા, ભાઈ-બહેનને થાંભલા સાથે બાંધી જાહેરમાં માર મારી વરઘોડો કાઢ્યો.
Bardoli news

બારડોલી: દક્ષિણ ગુજરાતના શાંત ગણાતા સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મસાડ ગામેથી મધ્યયુગીન બર્બરતાની યાદ અપાવતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. લોકશાહીમાં કાયદો હાથમાં લેવાની હિંમત કેટલી હદે વધી ગઈ છે, તેનો પુરાવો આ ઘટનામાં જોવા મળે છે. માત્ર પ્રેમ લગ્નની અદાવત રાખીને એક પક્ષે નિર્દોષ પરિવારના સભ્યોને જે રીતે જાહેરમાં અપમાનિત કરી, શારીરિક માનસિક ત્રાસ આપ્યો તેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મામલો શું છે?

મળતી માહિતી મુજબ, મસાડ ગામમાં રહેતા એક આદિવાસી સમાજના યુવકને ગામની જ કોળી-પટેલ સમાજની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધ યુવતીના પરિવારને માન્ય નહોતો. તાજેતરમાં જ્યારે આ પ્રેમી યુગલ ઘરેથી ક્યાંક ફરાર થઈ ગયું, ત્યારે યુવતીના પરિવારજનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. આ ગુસ્સામાં તેઓ એટલા અંધ બની ગયા કે તેમણે “તાલિબાની” ન્યાય પદ્ધતિ અપનાવવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો: ગેંગરેપ પીડિતા આદિવાસી યુવતી ન્યાયની રાહમાં મોતને ભેટી

ઘાતક હથિયારો સાથે યુવકના ઘરમાં ઘૂસી હુમલો

યુગલ ભાગી જવાથી રોષે ભરાયેલા યુવતીના પરિવારના અંદાજે 6 થી 7 જેટલા સભ્યો ઘાતક હથિયારો સાથે યુવકના ઘરે ત્રાટક્યા હતા. યુવક જેનિશના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને ઘરમાં હાજર જેનિશ, તેની માતા અને તેની બહેન પર હુમલો કર્યો હતો. નિર્દોષ મહિલાઓએ કરગરીને વિનંતી કરી હોવા છતાં હુમલાખોરોનું દિલ પીગળ્યું નહોતું.

Bardoli news

માતા, ભાઈ-બહેનને ઢસડીને થાંભલા સાથે બાંધી માર માર્યો

હુમલાખોરો આ પરિવારને પશુઓની જેમ ઢસડીને ગામના જાહેર ચોક સુધી લઈ આવ્યા હતા. ત્યાં સમગ્ર ગામની હાજરીમાં આ ત્રણેય વ્યક્તિઓને વીજળીના થાંભલા અને ઝાડ સાથે દોરડાથી બાંધી જાહેરમાં બેરહેમીથી ફટકારવામાં આવ્યા હતા. ગામમાં તેમનું સરઘસ કાઢીને શારીરિક અને માનસિક રીતે તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સવર્ણ યુવતી દલિત યુવક સાથે લગ્ન કરવાની હતી, અચાનક લાશ મળી

સોશિયલ મીડિયા પર આક્રોશ

આ સમગ્ર અમાનવીય કૃત્યનો વીડિયો કોઈકે મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. આ વીડિયો જોતા જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કઈ રીતે કાયદો અને વ્યવસ્થાનો ભય રાખ્યા વગર હુમલાખોરો મહિલાઓને પણ ફટકારી રહ્યા છે. ઈજાગ્રસ્ત જેનિશને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આદિવાસી સમાજમાં ભારે રોષ, આંદોલનની ચીમકી

આ ઘટનાની જાણ થતા જ આદિવાસી સમાજના સંગઠનો અને અગ્રણીઓ મેદાને આવ્યા છે. સામાજિક અગ્રણી ભીખુ હળપતિએ આ ઘટનાને લોકશાહી પર કલંક ગણાવતા કહ્યું હતું કે, “બારડોલી જેવા શિક્ષિત તાલુકામાં જો નિર્દોષ આદિવાસી મહિલાઓ અને યુવાનો પર આ પ્રકારે અત્યાચાર થતો હોય તો તે કદાપિ ચલાવી લેવાશે નહીં.”

આ પણ વાંચો: દલિત જમાઈને બ્રાહ્મણ સસરાએ કોલેજમાં ઘૂસીને ગોળી મારી દીધી?

તેમણે પોલીસ પ્રશાસનને અલ્ટીમેટમ આપ્યું છે કે આ મામલે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કડકમાં કડક ફરિયાદ નોંધી ત્વરિત ધરપકડ કરવામાં આવે. જો આગામી દિવસોમાં સંતોષકારક કાર્યવાહી નહીં થાય, તો હજારોની સંખ્યામાં આદિવાસી સમાજ બારડોલી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે અને ‘બારડોલી બંધ’નું એલાન આપી ઉગ્ર આંદોલન કરશે.

પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

ભોગ બનનાર પરિવારે હિંમત દાખવીને બારડોલી પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને રાયોટિંગ, મારામારી અને મહિલાઓના અપમાન સંદર્ભે કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસની અલગ-અલગ ટીમો આરોપીઓને પકડવા માટે દરોડા પાડી રહી છે. પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે કાયદો હાથમાં લેનાર કોઈ પણ શખ્સને છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં બે સગીરોએ મળી સગીર મિત્રની હત્યા કરી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x