તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આંબાપાણી ગામમાં એક આદિવાસી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે. અહીંની વનવાસી માધ્યમિક ઉચ્ચતર શાળાની હોસ્ટેલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોતાના ઘરે નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ આત્મહત્યા પાછળનું કારણ 9 જુલાઈ, 2025 ના રોજ નોંધાયેલી એક છેડતીની ગંભીર ફરિયાદ હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનાર વિદ્યાર્થિની સહિત શાળાની અન્ય વિદ્યાર્થિનીઓએ શાળાના બે રસોઈયા વિરુદ્ધ છેડતીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મૃતક વિદ્યાર્થિની 17 વર્ષની હતી અને 12મા ધોરણમાં ભણતી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે છેડતીના આ કેસમાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી. એટલું જ નહીં ઉલટાનું વિદ્યાર્થીની પર જ આરોપો મૂક્યા હતા. જેના કારણે વિદ્યાર્થીની તણાવમાં રહેતી હતી અને એટલે જ તેણે આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થીનીના પરિવારે પોલીસની કાર્યવાહી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે, તેમનો આરોપ છે કે પોલીસે છેડતી કરનાર રસોઈયાઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી, જેના કારણે ગુનેગારોને છૂટો દોર મળી ગયો છે.
ઘટનાની આગલી રાત્રે, છેડતીના આરોપી ઘરે આવ્યા હતા
વધુમાં પરિવારે ખુલાસો કર્યો છે કે આત્મહત્યાની ઘટનાની આગલી રાત્રે, છેડતીના આરોપી રસોઈયાઓ ગામમાં આવ્યા હતા અને વિદ્યાર્થિનીના પિતા સાથે વાતચીત કરી હતી. પરિવારનું કહેવું છે કે, રસોઈયાઓ દ્વારા વિદ્યાર્થિની પર સતત કેસ પરત ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવતું હતું. તેટલું જ નહીં, હોસ્ટેલમાં પણ તેના પર વિવિધ પ્રકારે દબાણ કરવામાં આવતું હતું.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરના કેસરિયામાં સરપંચ દલિતોને પાણી ભરવા દેતા નથી
પરિવારજનોના મતે, આ સતત દબાણ અને કદાચ ન્યાય ન મળવાની નિરાશાને કારણે જ વિદ્યાર્થિનીએ આ આત્મઘાતી પગલું ભરવા મજબૂર બની હતી. આ ઘટનાએ ન માત્ર સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.
હોસ્ટેલના દબાણથી અમારી છોકરીએ આપઘાત કર્યોઃ પરિવારજન
આ મામલે મૃતક વિદ્યાર્થીનીના પરિવારની એક મહિલાએ જણાવ્યું હતું કે, જ્યારે સવારે મેં તેને ફોનમાં પૂછ્યું કે, શું થયું છે, તારું નામ કેમ વધારે બોલાય છે? તો તેણે મને કહ્યું કે, મે કંઈ કર્યું નથી, તોય મારું નામ આવ્યું છે. મેં એને સમજાવીને પૂછયું પણ એ કંઈ બોલી નહીં. અમારી છોકરીએ હોસ્ટેલના દબાણથી આત્મહત્યા કરી છે.
પોલીસના કારણે જ આરોપીઓ છૂટા ફરે છે
જ્યારે અન્ય એક સ્થાનિકનું કહેવું છે કે, આશ્રમ શાળાના રસોઈયા ધીરૂ અને રમેશ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાઈ છે, છતાં બંને ખૂલ્લા ફરી રહ્યાં છે. પોલીસની ઢીલી કામગીરીને કારણે તેઓ છોકરીઓ પર દબાણ કરતા હતા. આરોપીઓએ આ બનાવ બાદ છોકરીને દબાણ અને ધમકીઓ આપી હશે, ત્યારે જ આ છોકરીએ આ પગલું ભર્યું હશે. પોલીસે આરોપીઓને છાવર્યા તેના કારણે છોકરીએ આપઘાત કરવાનો વારો આવ્યો છે.
વિદ્યાર્થીનીનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
પોલીસે હાલ વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનોના આરોપો અને છેડતીના પ્રકરણની સઘન તપાસ થાય તે અત્યંત જરૂરી છે. પરંતુ શાળાઓમાં વિદ્યાર્થિનીઓની સલામતી અને સુરક્ષા અંગે પણ ગંભીર ચિંતાઓ જન્માવી છે.
આ પણ વાંચો: પાટડીના સડલામાં પ્રા.શાળાના આચાર્યએ 9 વિદ્યાર્થીનીની છેડતી કરી?