“ડોક્ટર સાહેબ, મારો ચહેરો તો બચી ગયો, પણ હું મરી ગયો છું?”

આખી જિંદગી પોતાની જાતિના જોર પર જેણે પોતાનો દબદબો સ્થાપિત કર્યો હતો. તે શખ્સ એક બહુજન ડોક્ટર સામે કેવી રીતે લાચાર થયો તેની સત્ય ઘટના.
true story doctor

સોમવારની ભારે OPD હતી. મારા મેનેજરે કહ્યું, ‘સાહેબ, જે દર્દી છેલ્લાં ત્રણ અઠવાડિયાથી એપોઇન્ટમેન્ટ લઈને પણ આવ્યા નહોતા, તે આજે વેઇટિંગમાં બેઠા છે.’

હું થોડો આશ્ચર્યમાં પડ્યો. આટલા દિવસ પછી કેમ આવ્યા હશે? કદાચ સમાજના ડરથી કે સમાજ મને દયાની નજરે ના જુએ તે માટે?

જ્યારે તેમનો વારો આવ્યો ત્યારે મેં જોયું: મજબૂત બાંધો, સાલસ અવાજ, અંદાજે ૫૦ની ઉંમર, ટીપિકલ સૌરાષ્ટ્રના ટિયર-૨ શહેરમાં પોલીસ ઓફિસર. રોફ તો રાજા જેવો, પણ આજે થોડા નમ્ર લાગતા હતા.

આવ્યા અને મને કહ્યું, “સાહેબ લાગે છે વર્ષોથી ચાંદાની તકલીફ હતી. હમણાં ૬ મહિનાથી મોઢું ખૂલતું ઓછું થયું છે, એટલે લિક્વિડ પર છું. પણ હમણા મહિનાથી ગાલમાં રોગ બહાર આવી ગયો હોય એમ લાગે છે. કાનમાં અને માથાની એક બાજુ બહુ દુઃખાવો થાય છે.”

તેમની વાત સાંભળીને અને તેમના ચહેરા પર નજર કરતા જ ખ્યાલ આવી ગયો કે, વડીલ રાહ જોવામાં રહી ગયા છે. તેમણે જે વર્ણન કર્યું તે મારા નિદાનની દ્રષ્ટિએ લોકલ એડવાન્સ કેન્સરના લક્ષણો હતા. જેમાં રોગ ગાલ સુધી પહોંચી ગયો હતો. બાયોપ્સી અને સ્કેનમાં ખૂલ્યું કે રોગ ઘણો આગળ વધી ગયો છે. છતાં પણ હું આશાવાદી હતો કેમ કે, કેમોથેરાપી અને ઓપરેશન દ્વારા અમે બચાવવાનો પ્રયાસ કરી શકીએ.

આ પણ વાંચો: Dr.Ambedkar શા માટે RSS પર પ્રતિબંધની તરફેણમાં હતા?

એટલે મેં એમને ૩ કિમોથીરાપી લઈને સર્જરી કરવાની સલાહ આપી અને સમજાવ્યું કે “કેમોથેરપી લઈ એ તો રોગની સાઇઝ ઓછી થશે, આગળ ફેલાતો અટકશે અને કેન્સર પાછું આવવાની શક્યતા ઓછી થશે.“

એમણે કહ્યું, “સાહેબ આખી જિંદગી મોટા માણસ તરીકે ઘણું માન ભોગવું છું. મને ખબર છે કે મને કેન્સર થયું છે. પણ મને એનો ડર નથી. મને ચિંતા એ વાતની છે કે, ગામમાં મારો છે દબદબો છે તેનું શું થશે? મારા નામથી લોકોના કામ થઈ જાય છે. હવે મને મોઢાનું કેન્સર થયું છે. મારું ઓપરેશન થશે તો મારો ચહેરો બદલાઈ જશે, ખાવા-પીવામાં તકલીફ થશે. એ પછી લોકો મને ગંભીરતાથી નહીં લે. મારું સન્માન નહીં જાળવે. તમે મારો ચહેરો પહેલો જેવો નોર્મલ રાખીને ઓપરેશન કરો. નહીંતર નાકમાં નળી જોઈને લોકો વાતો કરશે કે જુઓ બાપુના હાલ..”

હું મનમાં વિચારતો હતો કે, એક તો એડવાન્સ ડિસીઝ લઈને આવ્યા છે અને ચહેરો સામાન્ય જોઈએ છે! સારું છે કે, મારી પ્લાસ્ટિક સર્જરી ટીમના લીધે અમે મોઢાના શેપમાં ઓછામાં ઓછો ફેરફાર થાય એવું સરસ ઓપરેશન કરીએ છીએ.

અંતે ચહેરામાં ઓછામાં ઓછાં ફેરફાર સાથે સફળતાપૂર્વક ઓપરેશન થયું. આખરે મે ધાર્યું હતું એ બાયોપ્સીમાં આવ્યું – pT4a N3b એટલે કે Stage IV B. જેમાં કેમો અને રેડિયેશન બંને લેવું જરૂરી છે, કારણ કે બંને લીધાં પછી પણ ૩૦ ટકાથી વધુ લોકોમાં પહેલાં ૫ વર્ષમાં કેન્સર પાછું આવવાની શક્યતા હોય છે. અને શેક ન લો તો 100 ટકા કેન્સર પાછું આવાની શક્યતા રહે છે. મારે તરતજ એમને સમજાવવાનું હતું કે, “Knife તો ચાલ્યું, હવે shield લઈએ.” Shield એટલે Radiation therapy.

વડીલે રેડિએશનના 5 શેક લીધા બાદ તે બંધ કરી દીધાં અને કહ્યું કે, “મોઢામાં ચાંદા થયા છે, ખાવાનું ભાવતું નથી, કોળિયો ઉતારતા પણ દુઃખાવો થાય છે. બાજુ વાળા ભાઈએ કહ્યું ત્યાંથી કેન્સરની દેશી દવા કરવાનું ચાલું કર્યું છે તેનાથી ચાંદા અને કેન્સર બંને મટી જાય છે. એટલે રેડિએશનને બદલે દવા ચાલુ કરી દઈએ.”

હું વિચારતો રહ્યો, “પોતાના સમાજનો આટલો અગ્રણી માણસ, શિક્ષિત, સરકારી નોકરિયાત. તેમને સમજાવ્યું કે રોગ ખરાબ છે, ચોથા સ્ટેજમાં છે, તેમ છતાં આડઅસરથી હિંમત હારી ગયા? અને ડોક્ટર નહીં એવા કોઈ ઓળખીતા હિતેચ્છુની સલાહ પર વિશ્વાસ કેમ કર્યો હશે? મને દુઃખ થયું. ગુસ્સો નહોતો. ફક્ત થોડી તકલીફથી અને ખોટી દેશી દાવાઓના આશરે આટલી મહત્વની જીવન બચાવતી થેરાપી કોઈ કઈ રીતે છોડી શકે?

અચાનક વડીલ 8 મહિના પછી આવ્યા અને એ પણ મોટી ગાંઠ સાથે. જોતા જ ખબર પડી ગઈ કે કેન્સર પાછું આવ્યું છે અને બાપુ લાચાર હતા. મને પૂછ્યું: “સાહેબ, ઓપરેશન બરાબર હતું તો રોગ પાછો કેમ આવ્યો?”

હું તેમના સવાલના જવાબમાં મૌન રહ્યો અને વિચારતો રહ્યોઃ શું વડીલ કેમોથેરાપીની આડઅસર વધુ આકરી લાગી હશે એટલે તેમણે જિંદગીને દાવ લગાડીને થેરાપી લેવાનું છોડી દીધું હતું? તેમને ખબર નહોતી કે તેમનો રોગ ક્યા સ્ટેજ પર હતો, શા માટે તેમણે રેડિએશન ન લીધું અને દેશી દવાઓથી કામ ચલાવ્યું?

આ પણ વાંચો: ઇન્ટરનેટ સમાજને ભાગલા તરફ દોરી રહ્યું છે: CJI બી.આર.ગવઈ

કમનસીબે હવે હું તેમને બચાવી શકતો નથી. knife મારી પાસે હતી, પણ હવે ટ્યુમર બાયોલોજી  knife થી આગળ નીકળી ગઈ હતી. કારણ કે આવા એડવાન્સ્ડ રોગમાં સર્જરીનો રોલ રહેતો નથી. ખાસ કરીને જ્યારે રેડિયેશન લીધું ન હોય. કારણ કે સર્જનની છરી પણ આ ટ્યુમર બાયોલોજી સામે લાચાર છે.

આખી વાતનો ક્લાઈમેક્સ હવે આવે છે. હું મૌન રહ્યો એ પછી વડીલે જે કહ્યું તે હજુ પણ મારા મનમાં સતત ઘુમરાયા કરે છે.

તેમણે કહ્યુંઃ “સાહેબ, મારા ગામના લોકો, મારા મિત્રો, મારા સાથી કર્મચારીઓ અને હવે તો મારા પરિવારજનો પણ મને ગંભીરતાથી નથી લેતા. તેઓ મને દયાની નજરે જુએ છે. મને જોઈને મોં ફેરવી લે છે. કારણ કે કેન્સરના કારણે મારી પર્સનાલિટી બદલાઈ ગઈ છે. જે લોકો મારા પૈસે જલસા કરતા હતા, ખાવાનું ખાતા હતા, એ હવે મારો ફોન નથી ઉઠાવતા. આ રોગમાંથી મારે બહાર નીકળવું છે. મારે બિચારા થઈને નથી જીવવું. આ દંભી સમાજે મને જિંદગીની વાસ્તવિકતા સમજાવી દીધી છે. મારું કોણ એ પણ સમજાવી દીધું છે. મને ખબર નથી તમારું ઓપરેશન કેટલું સફળ હતું. પણ હું નિષ્ફળ હતો. મેં મારી ઈમેજ બચાવવામાં જિંદગી ગુમાવી દીધી છે. આજે મારો ચહેરો તો બચી ગયો છે, પણ હું ક્યાં બચ્યો છું?”

હું તેમને જોતો રહ્યો. આખી જિંદગી પોતાના ચહેરાની કરડાકીથી કામ કઢાવનાર, ગરીબોને દમદાટી મારી ગુલામ જેમ કામ કરાવનાર, પોલીસબેડામાં પોતાની જાતિના આધારે ધાર્યું કામ કઢાવી લેનાર, આજે મારી સામે નીચું મોં રાખીને લાચાર બેઠો હતો.

(એક વિખ્યાત બહુજન ડોક્ટરના અનુભવની સત્ય ઘટના પર આધારિત)

આ પણ વાંચો: પ્લેન ક્રેશના મૃતક ડૉક્ટર્સ-સ્ટાફના પરિજનોને વળતર માટે સુપ્રીમમાં અરજી

4.3 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x