કલ્પના કરો કે તમારા પરિવારમાં જ કોઈ બે સગી દીકરીઓના એકસાથે લગ્ન છે. બંને દીકરીઓની જાન માંડવે આવી પહોંચી છે, સૌ ખુશીના પ્રસંગને લઈ મોજમસ્તીમાં છે. બંને દીકરીઓ લગ્નમાં સૌ કોઈનું ધ્યાન તેમના તરફ જાય તે માટે બ્યૂટીપાર્લરમાં દુલ્હનનો મેકઅપ કરાવી, સજીધજીને માંડવામાં વરરાજા સાથે ફેરા ફરવા માટે આવી રહી છે અને અચાનક કોઈ લફંગાઓ આવીને એ દીકરીઓ પર ગંદકી ફેંકી તેમનો મેકઅપ ખરાબ કરી નાખે, જાનૈયાઓ સહિત પરિવારની જે પણ વ્યક્તિ હાથમાં આવે તેને આડેધડ મારવા માંડે તો તમે શું કરો? એટલું જ નહીં આરોપીઓ બંને દીકરીઓને દોડાવી દોડાવીને મારે, પરિવારજનોને પણ ફટકારે, ફૂવા સહિતના વડીલોને પણ મારે તો તમારી પહેલી પ્રતિક્રિયા શું હોય?
મથુરાના કરનાવલ ગામની હૃદયદ્રાવક ઘટના
પહેલી નજરે માત્ર કાલ્પનિક લાગતી આ વાત જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં ખરેખર બની છે. જ્યાં બે સગી દલિત દુલ્હન બહેનો બ્યૂટી પાર્લરમાંથી મેકઅપ કરીને લગ્ન મંડપમાં પહોંચી રહી હતી ત્યારે જ જાતિવાદી તત્વોએ તેમના પર હુમલો કરી દીધો હતો. અને તેમને દોડાવી દોડાવીને માર માર્યો હતો. આ ઘટનામાં વરરાજાના પિતા સહિત અનેક લોકો ઘાયલ થતા હતા. આ આખી ઘટનાને કારણે વરરાજા પરણ્યાં વિના જ, જાન પરત લઈને જતા રહ્યા હતા. એ સાથે જ કોડીભરી બંને બહેનોના લગ્નના સપનાઓ રોળાઈ ગયા હતા.
मामूली विवाद में दबंगों ने किया बवाल
दो सगी बहनों के साथ मारपीट
रिफाइनरी थाना इलाके की घटना #ZeeUPUK @anchalkadyan07 pic.twitter.com/4iLaYQK3ER— Zee Uttar Pradesh Uttarakhand (@ZEEUPUK) February 22, 2025
મામલો યોગી સરકાર જ્યાં મસ્જિદ નીચે મંદિર શોધી રહી છે તે મથુરાનો છે. અહીંના કરનાવલ ગામમાં કેટલાક જાતિવાદી લુખ્ખા તત્વોએ બ્યૂટી પાર્લરમાંથી લગ્ન મંડપમાં જઈ રહેલી દલિત પરિવારની બે દુલ્હન બહેનો અને તેમના ફૂવા અને કાકાને ઢોર માર માર્યો હતો. જ્યારે વર અને કન્યાના પરિવારને આ વાતની ખબર પડી ત્યારે તેઓ બંને દીકરીઓને બચાવવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એ જોઈને જાતિવાદી તત્વોએ તેમના પર પણ લાકડીઓથી હુમલો કર્યો અને વરરાજાના પિતાનું માથું ફોડી નાખ્યું. આરોપીઓએ દલિત પરિવારોને જાતિસૂચક ગાળો ભાંડી ટ્રેક્ટરથી બે કારને પણ તોડી નાખી અને બંને પરિવારોને જાનથી મારી નાખવાની ધમકી આપી.
આ ઘટનાથી લગ્ન જેવો ખુશીનો પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો. સૌથી મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે વરરાજાના પિતા પોતાના પુત્રોના લગ્ન કરાવ્યા વિના જ જાન પાછી લઈ ગયા. આ ઘટનાને લઈને ગામમાં તણાવનો માહોલ છે. સાવચેતીના પગલા રૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દલિત કન્યાઓની ફરિયાદના આધારે પોલીસે 15 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધી એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: 200 થી વધુ પોલીસકર્મીઓની સુરક્ષા વચ્ચે દલિત વરરાજાની જાન નીકળી
મથુરાના કરનાવલમાં શુક્રવારે રાત્રે બે દલિત બહેનોના લગ્નની જાન બ્રાહ્મણ ખેડા ગામથી આવી હતી. તારાચંદ્ર પોતાના પુત્રો દેવેન્દ્ર અને અર્જુનના લગ્ન હતા. પરિવાર ઉત્સાહપૂર્વક જાનૈયાઓનું સ્વાગત કરવામાં વ્યસ્ત હતો ત્યારે દીકરીઓના ફૂવા રણજીત અને ફોઈ ટાઉનશીપ સ્થિત પાર્લરમાંથી ઇકો કારમાં બંને દુલ્હનોને ખુશીથી ગામમાં લાવી રહ્યા હતા.
ફૂવાને કારમાંથી ખેંચીને માર માર્યો
રાત્રે લગભગ ૮:૩૦ વાગ્યે, કરનાવલ ગૌશાળા પાસે ધૂળિયા રસ્તા પર પાર્ક કરેલા લગ્ન પક્ષના ડીજે વાહનને કારણે કાર અટકી ગઈ. ત્યારે ગામના ત્રણ યુવાનો, જે બાઇક પર પસાર થઈ રહ્યા હતા, તેમણે રસ્તો ન હોવાને કારણે કારચાલક ફૂવા સાથે માથાકૂટ કરી. જ્યારે ફૂવાએ તેમનો વિરોધ કર્યો ત્યારે ગુસ્સે ભરાયેલા આ યુવકોએ તરત તેમના સાગરિતોને ફોન કરીને બોલાવી લીધાં અને પછી ફૂવાને કારમાંથી બહાર ખેંચી મારવા માંડ્યા. એ જોઈને ફોઈ અને બંને દુલ્હન બહેનો કારમાંથી નીચે ઉતરી અને ફૂવાને બચાવવાનો પ્રયાસ કર્યો.
બંને દુલ્હનોને પણ દોડાવી-દોડાવીને મારી
આરોપ છે કે, જાતિવાદી તત્વોએ લગ્ન કરવા જઈ રહેલી બંને બહેનોને પણ દોડાવી દોડાવીને માર માર્યો, તેમનો મેકઅપ ખરાબ કરી નાખ્યો અને તેમના પર કચરો,ગંદકી ફેંક્યો. એટલું જ નહીં, આરોપીઓએ કન્યાઓના ફૂવાના ગળામાં રહેલી સોનાની ચેઈન તોડી નાખી અને હાથમાં રહેલી વીંટી પણ છીનવી લીધી.
જ્યારે બંને દુલ્હને બહેનોએ તેમને બચાવવા માટે રાડો પાડવાનું શરૂ કર્યું તો વર અને કન્યા પક્ષના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા. જો કે આરોપીઓ અને તેના પરિવારના સભ્યોએ લાકડીઓ વડે તેમના પર પણ હુમલો કર્યો. આ દરમિયાન, વરરાજાના પિતાનું માથું ફૂટી ગયું. એ દરમિયાન આરોપીઓએ ટ્રેક્ટરથી ટક્કર મારીને એક કાર સહિત બે વાહનોને નુકસાન પહોંચાડ્યું.
જાન લીલાં તોરણે પાછી ફરી
આ બાબતે ગામમાં તણાવનો માહોલ છે. માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે ગુસ્સે ભરાયેલા લોકોને શાંત પાડ્યા અને મામલો થાળે પાડ્યો. હુમલા પછી બંને વરરાજા ભાઈઓ લગ્ન કર્યા વિના જાન પાછી લઈને જતા રહ્યા. જ્યારે આ માહિતી મળી ત્યારે બંને દીકરીઓના પરિવારમાં હોબાળો મચી ગયો. એવું કહેવાય છે કે આખી રાત કન્યા પક્ષ તેમજ પોલીસે વર પક્ષને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ માન્યા નહોતા.
બીજી બાજુ બંને દીકરીઓના પિતાની ફરિયાદ પર પોલીસે લોકેશ, સતીશ, શ્રબપાલ, શિશુપાલ, રોહતાશ, અજય, નિશાંત, ઉદલ, બ્રિજેશ, દીપુ, શુભમ, પવન, બટુઆ, અનિલ, અમિત અને કેટલાક અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ શરૂ કરી છે.
પોલીસ અધિકારીઓ પીડિતાના ઘરે પહોંચ્યા
આ દરમિયાન, શનિવારે એસપી સિટી ડૉ. અરવિંદ કુમાર, સીઓ રિફાઇનરી શ્વેતા વર્મા, રિફાઇનરી પોલીસ સ્ટેશનના વડા સોનુ કુમારે પોલીસ દળ સાથે સ્થળનું નિરીક્ષણ કર્યું અને પીડિતાના ઘરે જઈને તેમની સાથે વાત કરી. એસપી સિટીએ ખાતરી આપી હતી કે તેમને ન્યાય મળશે. હુમલોખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એસપી સિટીએ જણાવ્યું કે એક મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓ ગામ છોડી ભાગી ગયા
બીજી તરફ પોલીસ એક્ટિવ થતા ઘટના બાદ આરોપીઓ પોતાના ઘરને તાળા મારીને ભાગી ગયા હતા. પોલીસ તેમને શોધી રહી છે. આ અંગે, પોલીસ ટીમો આરોપીઓની શોધમાં શક્ય સ્થળોએ દરોડા પાડી રહી છે. રિફાઇનરી સીઓ શ્વેતા વર્માએ જણાવ્યું હતું કે પોલીસ ટીમો આરોપીઓને શોધી રહી છે. ટૂંક સમયમાં બધા આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. સાવચેતીના પગલા રૂપે, ગામમાં શાંતિ જાળવવા માટે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.
તૈયારીઓ અધૂરી રહી, મંડપ સૂના પડ્યા રહ્યાં
આ ઘટનાને કારણે એક ગરીબ પિતાની બંને પુત્રીઓના લગ્ન તૂટી ગયા છે અને તેમની ખુશી નિરાશામાં બદલાઈ ગઈ છે. ગરીબ પિતા લોહીના આંસુ રડી રહ્યાં છે. તે કહે છે કે હવે તે પોતાની દીકરીઓના ફરીથી લગ્ન કેવી રીતે કરાવશે? જાતિવાદી તત્વોની ગુંડાગીરીએ બધું બરબાદ કરી નાખ્યું.
ઉલ્લેખનીય છે કે, દીકરીઓના પિતા પદમ સિંહ કડિયાકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પોતાની બે દીકરીઓના લગ્ન માટે યોગ્ય વ્યક્તિ શોધવાની સાથે તેઓ લગ્ન માટે એક-એક પૈસો પણ બચાવી રહ્યા હતા. તેમણે પોતાની બે પુત્રીઓના લગ્ન બ્રાહ્મણ ખેડાના બે સગા ભાઈઓ સાથે નક્કી કર્યા હતા. તેમણે પોતાની બચત ઉપરાંત લગ્ન માટે થોડી લોન પણ લીધી હતી. જેથી બંને દીકરીઓના સારી રીતે લગ્ન કરાવી શકાય. જાન માંડવે આવી ગઈ હતી, બૂફે જમણની તૈયારીઓ થઈ ચૂકી હતી. સબ્જી, મીઠાઈ, પુરી, રોટલી બધું તૈયાર હતું. જાન આવ્યા પછી લગ્ન બાદ ભોજન પીરસવાનું હતું. પણ જાતિવાદી ગુંડાઓએ કરેલી મારામારીને કારણે જાન પરણ્યાં વિના પાછી જતી રહી. અને દુઃખના કારણે સગાવહાલાએ પણ ભોજન ન કર્યું. જેના કારણે ભોજનનો ભારે બગાડ થયો. આ બધાંને કારણે બંને દીકરીઓ અને તેમના પરિવારજનો રોઈ રોઈને પાગલ જેવા થઈ ગયા છે.
બંને દીકરીઓ પોલીસ સ્ટેશન પહોંચી, વર પક્ષ પાસેથી ભેટસોગાદો પરત લીધી
આ ઘટના પછી બંને દીકરીઓની હાલત ખરાબ છે અને તેઓ રડી રહી છે. એ દરમિયાન તેમણે પોલીસ સ્ટેશન જઈને તમામ આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી. એટલું જ નહીં, બંને દીકરીઓએ વર પક્ષને તેમના પિતા અને પરિવાર તરફથી આપવામાં આવેલી તમામ ભેટસોગાદો અને અન્ય સામાન, ચીજવસ્તુઓ વગેરે પરત કરી દેવા કહ્યું હતું. જેથી વર પક્ષે તે તમામ વસ્તુઓ પોલીસ દ્વારા કન્યાઓને પરત અપાવી હતી.
આ પણ વાંચો: પોલીસે રક્ષણ ન આપતા દલિત યુવતીની જાન પર જાતિવાદીઓનો હુમલો