મહેસાણા જિલ્લાના કડી તાલુકા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં સામાજિક ન્યાય અને માનવીય અધિકારો માટે લડત આપતું નવસર્જન ટ્રસ્ટ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા બે વર્ષ એટલે કે 2024 અને 2025 દરમિયાન, ટ્રસ્ટના બે સમર્પિત કાર્યકરોની અથાક મહેનત અને કાયદાકીય લડતને પરિણામે એટ્રોસિટી એક્ટ અને પોક્સો હેઠળના કુલ 8 જેટલા મહત્વના કેસોમાં આરોપીઓને સખત સજા ફટકારવામાં આવી છે.
બે કાર્યકરોની અજોડ લડત અને પડકારજનક સફર
નવસર્જન ટ્રસ્ટના બે કાર્યકરો ભરતભાઈ પરમાર અને શાંતાબેને કોઈપણ મોટા સરકારી કે ખાનગી સંસાધનો વિના, માત્ર પોતાના દ્રઢ મનોબળ અને કાયદાની સમજણના જોરે આ જંગ લડ્યો છે. સામાન્ય રીતે જ્યારે કોઈ ગામ કે વિસ્તારમાં દલિત કે વંચિત સમાજ પર અત્યાચારની ઘટના બને છે, ત્યારે સોશિયલ મીડિયા પર ફોટા પાડીને કે દેખાવો કરીને સસ્તી લોકપ્રિયતા મેળવનારા ઘણા હોય છે. પરંતુ નવસર્જનના આ બંને કાર્યકરોનું માનવું છે કે માત્ર પ્રચારથી ન્યાય મળતો નથી. તેઓ માને છે કે ફોટા પડાવનારાઓ પાછળથી કેસની પ્રગતિ શું થઈ તેની દરકાર કરતા નથી, જેના કારણે પુરાવાઓના અભાવે કેસ નબળો પડે છે અને આરોપીઓ છૂટી જાય છે.

આ પણ વાંચો: રાજપૂતોની બીકે 24 દલિત પરિવારોએ ઘરને તાળાં મારી ભાગવું પડ્યું!
આ પડકારને ઝીલીને આ બંને કાર્યકરોએ ફરિયાદ દાખલ કરાવવાની પ્રથમ કડીથી લઈને, સાક્ષીઓના સચોટ નિવેદનો નોંધાવવા અને સ્થળ પરનું પંચનામું પારદર્શક રીતે કરાવવા સુધીની તમામ પ્રક્રિયામાં પીડિતોની આંગળી પકડી રાખી છે. કોર્ટમાં જ્યારે કેસ ટ્રાયલ પર આવે છે, ત્યારે વર્ષો સુધી ચાલતી લાંબી મુદતો દરમિયાન ગરીબ ફરિયાદીઓ હિંમત હારી ન જાય અને સાક્ષીઓ આરોપીઓના દબાણ હેઠળ આવીને ફરી ન જાય તે માટે આ કાર્યકરો રાત-દિવસ તેમના સંપર્કમાં રહે છે. તેમની આ જ સતર્કતા અને અંગત દેખરેખને કારણે જ વર્ષ 2024 અને 2025માં ન્યાયિક સફળતાના નવા સોપાનો સર થયા છે.
અનેક મહત્વના કેસોમાં આરોપીઓને સજા અપાવી
વર્ષ 2024-25માં નવસર્જન ટ્રસ્ટની મજબૂત પેરવીને કારણે એટ્રોસિટી અને પોક્સોના અનેક મોટા કેસોમાં આરોપીઓને સજા મળી છે. જેમ કે, કડી તાલુકાના કણઝરી ગામમાં આરોપીને 3 વર્ષ અને 6 મહિનાની સજા થઈ છે. તેવી જ રીતે ભાલ્ઠી ગામમાં 3 વર્ષની સજા અને નરસિંહપુરા ગામમાં 3 વર્ષ અને 6 મહિનાની સજાનો હુકમ કોર્ટે કર્યો છે. જેતપુરા ગામમાં એટ્રોસિટીના બે અલગ-અલગ કેસોમાં આરોપીઓને 3-3 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદાઓ સાબિત કરે છે કે જો સાક્ષીઓ અડગ રહે અને કાયદાકીય માર્ગદર્શન સાચું હોય તો ગ્રામીણ સ્તરે થતા અત્યાચારોને ડામી શકાય છે.
આ પણ વાંચો: વાળંદો દલિતોના વાળ નહોતા કાપતા, સરકારે દલિતો માટે ‘સરકારી સલૂન’ ખોલ્યાં

સૌથી ગંભીર કિસ્સાઓમાં, બનાસકાંઠાના વડગામ તાલુકાના ધોતા ગામની અને કડી તાલુકાની આજુબાજુ રહેતી દીકરી સાથે બનેલી ઘટનામાં પાલનપુર સ્પેશિયલ કોર્ટે પોક્સો અને એટ્રોસિટીના ગુનામાં ઐતિહાસિક 20 વર્ષની સજા અને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત, કડી શહેરની એક સોસાયટીમાં રહેતી સગીરાના કેસમાં પણ આરોપીને 20 વર્ષની સજા અને 2 લાખનું વળતર અપાવવામાં આવ્યું છે. લક્ષ્મીપુરા ગામના બનાવમાં પણ 20 વર્ષની સજા અને 50 હજારના દંડનો હુકમ થયો છે. આ કડક સજાઓએ સમાજમાં એક મજબૂત સંદેશો આપ્યો છે કે નબળા વર્ગની દીકરીઓ પર હાથ ઉપાડનારને કાયદો છોડશે નહીં.
આ પણ વાંચો: ગુજરાતમાં 3.65 કરોડ લોકો સરકારી અનાજ પર જીવવા મજબૂર
૨૫ વર્ષનો સંઘર્ષ અને સામાજિક પરિવર્તન
ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં છેલ્લાં 25 વર્ષથી કાર્યરત નવસર્જન ટ્રસ્ટે અત્યાર સુધીમાં 400 થી વધુ એટ્રોસિટીના બનાવોમાં મેદાન પર ઉતરીને કામગીરી કરી છે. ટ્રસ્ટના રેકોર્ડ મુજબ, અત્યાર સુધીમાં અંદાજે 70 જેટલા કેસોમાં આરોપીઓને આજીવન કેદથી લઈને એક વર્ષ સુધીની સજા કરાવી છે. ટ્રસ્ટની કામગીરી માત્ર શારીરિક હુમલાઓ સુધી સીમિત નથી.
તેઓએ સામાજિક બહિષ્કાર, હીજરત, જમીન હડપવાના પ્રશ્નો, ખેત મજૂરોનું લઘુતમ વેતન અને પંચાયતોમાં થતા ભેદભાવ વિરુદ્ધ પણ લાંબી લડાઈઓ લડી છે. મંદિરમાં પ્રવેશ, વરઘોડા કાઢવા કે મધ્યાન ભોજનમાં થતા અસ્પૃશ્યતાના કિસ્સાઓમાં નવસર્જનના કાર્યકરોએ હંમેશા પીડિતોનો અવાજ બનીને કામ કર્યું છે અને આજે પણ તેમની આ યાત્રા સતત ચાલુ છે.
આ પણ વાંચો: થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર કેસનું શું થયું?











