ન્યાય કે મજાક? ઉના કાંડમાં 10 વર્ષ બાદ 5 આરોપીને માત્ર 5 વર્ષની સજા!

Una incident: ચકચારી ઉનાકાંડમાં વેરાવળની એટ્રોસિટી કોર્ટે 5 દોષિતોને માત્ર 5 વર્ષની સજા ફટકારી 35ને છોડી મૂકતા પીડિતો અને દલિત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
Una kand verdict latest update

વેરાવળ: વર્ષ 2016માં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં બનેલી એ ઘટના(Una incident)એ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. મરેલી ગાયનું ચામડું ઉતારતા દલિત યુવાનોને રસ્તા પર ઢસડીને, લોખંડના પાઈપો અને લાકડીઓથી ફટકારવાની એ તસવીરો આજે પણ ભલભલા કઠણ કાળજાના માણસને પણ રડાવી દેવી છે. આ ઘટનાના 10 વર્ષ બાદ વેરાવળની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. પરંતુ, આ ચુકાદો પીડિત પરિવાર માટે ન્યાય ઓછો અને અન્યાયનો દસ્તાવેજ વધુ સાબિત થયો છે. 43 આરોપીઓમાંથી માત્ર 5ને દોષિત ઠેરવીને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે, જ્યારે 35 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

કોર્ટનો ચુકાદો: પીડિતોના આત્મા પર ઘા

વેરાવળના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ જે. જે. પંડ્યાની અદાલતે મુખ્ય આરોપી રમેશ જાદવ, નાગજી વાણિયા, પ્રમોદગિરિ ગોસ્વામી, બળવંતગિરિ અને રાકેશ જોશીને દોષિત ઠેરવ્યા છે. તેમની સામે આઈપીસી કલમ 323, 324, 342, 504 અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો સાબિત માનવામાં આવ્યો છે.

Una kand verdict latest update

પરંતુ આ ચુકાદામાં સૌથી મોટો વિરોધાભાસ એ છે કે, આરોપીઓ અગાઉ 6 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા છે. કાયદાકીય જોગવાઈ મુજબ, જો સજાની અવધિ ભોગવાયેલા જેલવાસ કરતા ઓછી હોય, તો આરોપીઓને ફરી જેલમાં જવું પડતું નથી. એટલે કે, જે પાંચ લોકો દોષિત ઠર્યા છે તેઓ પણ હવે જેલની બહાર જ રહેશે. આ હકીકત પીડિતો માટે અસહ્ય છે. 35 અન્ય આરોપીઓને પુરાવાના અભાવે છોડી મુકાયા છે, જેમાં ચાર પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. જે પોલીસની હાજરીમાં આ કાંડ થયો, તે પોલીસને ‘નિર્દોષ’ માનવી એ તપાસ એજન્સી સીઆઈડી-ક્રાઈમની નિષ્ફળતા દર્શાવે છે.

આ પણ વાંચો: ભાજપ નેતાએ દલિત પરિવારને માર મારી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું

પોલીસની ભૂમિકા અને તપાસની નબળી કડીઓ

આ કેસમાં ઉના પોલીસ સ્ટેશનના તત્કાલીન અધિકારીઓ સામે ફરજમાં બેદરકારી અને ગુનેગારોને છાવરવાનો ગંભીર આક્ષેપ હતો. ચાર્જશીટમાં તેમનું નામ હોવા છતાં કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. પીડિતોના મતે, જો પોલીસે તે દિવસે સક્રિયતા બતાવી હોત તો આટલી મોટી ઘટના રોકી શકાઈ હોત. સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવ્યું કે 240 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે ઘણા પુરાવાઓને ગ્રાહ્ય રાખ્યા નથી. આ બાબત સૂચવે છે કે ક્યાંક ને ક્યાંક તપાસમાં એવી ખામીઓ રહી ગઈ જેનાથી આરોપીઓને ફાયદો મળ્યો.

“અમે જીવતા હોવા છતાં મરી ગયા છીએ” – વશરામ સરવૈયાની વ્યથા

ચુકાદા બાદ ફરિયાદી વશરામ સરવૈયાએ ભારે હૈયે મીડિયા સમક્ષ કહ્યું કે, “આ ન્યાય નથી, પણ દલિતો સાથે થયેલો ક્રૂર અન્યાય છે. અમને સરેઆમ રસ્તા પર ઢસડનાર 35 લોકો જો નિર્દોષ છૂટી જતા હોય, તો કાયદો કોના માટે છે? જે પાંચને સજા થઈ છે તેઓ પણ હવે જેલની બહાર જ રહેવાના છે. અમને 10 વર્ષથી ધમકીઓ મળી રહી છે, હવે આ લોકો વધુ જોશમાં આવીને અમને હેરાન કરશે. અમારું જીવન હવે જોખમમાં છે અને અમારે ગામ છોડીને ક્યાંક હિજરત કરવી પડશે.”

Una kand verdict latest update

પીડિત પરિવારનો આ આક્રોશ વ્યાજબી છે. ગૌરક્ષકોના નામે આતંક મચાવનારા તત્વોને આ ચુકાદાથી પ્રોત્સાહન મળશે તેવી દહેશત દલિત સંગઠનો વ્યક્ત કરી રહ્યા છે. આરોપીઓના વકીલની દલીલ એવી હતી કે પીડિતોને એવી કોઈ ગંભીર ઈજા નહોતી થઈ કે જે મૃત્યુ નિપજાવી શકે (કલમ 307), પરંતુ શું માનસિક આઘાત અને જાહેર અપમાનની કોઈ કિંમત નથી?

આ પણ વાંચો: કાકોરીમાં દલિત પરિવારને પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેવા પ્રયાસ

સમાજ પર આ ચુકાદાની અસર

ઉનાકાંડ માત્ર એક હુમલો નહોતો, તે જાતિવાદી માનસિકતાનું નગ્ન પ્રદર્શન હતું. જ્યારે ન્યાયતંત્ર આવા ગંભીર કેસોમાં નબળી સજા ફટકારે છે, ત્યારે સમાજના નબળા વર્ગોમાં અસુરક્ષાની ભાવના વધે છે. આરોપીઓ અગાઉ જેલમાં રહી ચૂક્યા હોવાથી તેમને ‘ટેકનિકલ’ રીતે મુક્તિ મળી ગઈ છે, પરંતુ પીડિત પરિવાર આજે પણ એ માનસિક જેલમાં કેદ છે જે 2016માં શરૂ થઈ હતી.

આગામી કાનૂની લડાઈની તૈયારી

પીડિત પરિવારે હાર માનવાનો ઈનકાર કર્યો છે. તેઓ આ ચુકાદાને ગુજરાત હાઈકોર્ટ અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે. તેમની માંગ છે કે જે આરોપીઓ નિર્દોષ છૂટ્યા છે તેમની સામે ફરી તપાસ થાય અને દોષિતોને આજીવન કેદ જેવી કડક સજા મળે જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે.

ઉનાકાંડનો ચુકાદો એ સાબિત કરે છે કે તપાસમાં રહેલી કચાશ અને કાયદાકીય પેચગલીઓ ગુનેગારો માટે છટકબારી બની શકે છે. 10 વર્ષ બાદ પણ જો પીડિતોને એવું લાગતું હોય કે તેમની સાથે અન્યાય થયો છે, તો તે વ્યવસ્થા માટે ચિંતાનો વિષય છે. ન્યાય એવો હોવો જોઈએ જે માત્ર કાગળ પર નહીં, પણ પીડિતોના જીવનમાં સંતોષ અને સુરક્ષા લાવે. હાલ તો સમઢિયાળાનો આ પરિવાર ન્યાયની નવી આશા સાથે હાઈકોર્ટના દરવાજા ખખડાવવા મજબૂર બન્યો છે.

આ પણ વાંચો: રાજકોટ AIIMSના દલિત ઈન્ટર્ન ડૉક્ટરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો

11 જુલાઈ 2016નો એ કાળો દિવસ

11 જુલાઈ, 2016નો એ કાળો દિવસ ગુજરાત તો ઠીક, દેશભરના દલિતો કદી ભૂલી શકે તેમ નથી. રોજ મોટા સમઢિયાળા ગામે બાલુભાઈ સરવૈયા અને તેમનો પરિવાર પરંપરાગત રીતે મૃત પશુઓનું ચામડું ઉતારવાનું કામ કરી રહ્યો હતો. તે સમયે ગૌરક્ષકોના નામે આવેલા બે કાર સવાર ટોળાએ તેમના પર હુમલો કર્યો. ગૌહત્યાના ખોટા આરોપસર વશરામ, રમેશ અને અશોક જેવા યુવાનોને કાર સાથે બાંધી, અર્ધનગ્ન હાલતમાં ઉના શહેરના જાહેર માર્ગો પર ફેરવવામાં આવ્યા હતા.

હજારો લોકોની હાજરીમાં તેમને પશુની જેમ ફટકારવામાં આવ્યા, પોલીસ મથકની સામે જ અત્યાચાર ગુજારવામાં આવ્યો, છતાં તે સમયે તંત્ર મૂકપ્રેક્ષક બની રહ્યું હતું. આ હુમલાનો વીડિયો જ્યારે વાયરલ થયો ત્યારે દેશમાં દલિતોની સુરક્ષાને લઈને આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ઘટના ભારતમાં જાતિવાદી તત્વો દ્વારા દલિતો પર થતા અત્યાચારનું પોસ્ટર બની ગઈ હતી. આજે આ ઘટનાના ચૂકાદાએ ફરી દલિતોના એ જખમો તાજા કરી દીધાં છે.

આ પણ વાંચો: ઉના કાંડમાં 10 વર્ષે ચુકાદોઃ 5 ગૌરક્ષકો દોષિત, 38 નિર્દોષ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
સોલંકી ખોડાભાઈ જીવાભાઈ
સોલંકી ખોડાભાઈ જીવાભાઈ
1 hour ago

કાંઈ નથી ભારત જેવા દેશ માં જયારે આ જાતી ભેદભાવ નુ રાજકારણ પૂર્ણ રીતે ખત્તમ થશે ત્યારેજ ભારત ની અસલી ક્રાંતિ ની શરૂઆત થઇ ગણાશે. કોર્ટમાં કોઈને વિશ્વાસ નથી રહેવાનો કેમ કે જજે જે સજા સંભળાવી તેમાં પોલીસ ખાતા ની મોટી ખામી છે. જજે જો કોઈ પોલીસ અધિકારી ને કડક માં કડક સજા નો હુકમ કર્યો હોત કે આ ગંભીર ગુનો છે. જો યોગ્ય તપાસ નથી થાતી તો પોલીસ અધિકારી ને તાત્કાલિક સસ્પેન્ડ કરી પોતાના નિયમ આધીન બીજું કોઈ આવું કૃત્ય કરતા દસ વાર વિચાર કરે. એવી જન્મટીપ ની સજા નો હુકમ કરવોજ જોઈએ.

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x