સલમાન ખાનની આગામી ફિલ્મ Battle of Galwan નું ટીઝર થોડા દિવસ પહેલા જ લોન્ચ થયું હતું. જેમાં સલમાન ખાન ભારત માતા કી જય, બજરંગબલી કી જયની સાથે આદિવાસી મહાનાયક ‘બિરસા મુંડા કી જય’ ના નારા લગાવતો જોવા મળે છે. ફિલ્મનું ટીઝર રીલિઝ થતા જ લોકો ફિલ્મ કરતા વધુ તો બિરસા મુંડાના ઉલ્લેખની ચર્ચા કરી રહ્યા છે.
સલમાનને અગાઉ જયશ્રી રામ, જય બજરંગબલી ના નારા લગાવતા તમે જોયો હશે, પરંતુ આ પહેલી વાર છે જ્યારે સલમાને બિરસા મુંડાનો ઉલ્લેખ કર્યો છે અને તેમના વખાણમાં નારા લગાવ્યા છે. ત્યારે દર્શકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે, Battle of Galwan અને બિરસા મુંડા વચ્ચે શું કનેક્શન છે? ચાલો જાણીએ.
Battle of Galwan શું છે?
પાડોશી ચીન સાથે ભારતનો સરહદ વિવાદ કંઈ નવો નથી. ક્યારેક સિક્કિમમાં, ક્યારેક અરુણાચલ પ્રદેશની સરહદ પર… ચીન વારંવાર ભારતીય પ્રદેશ પર પોતાનો દાવો કરે છે, પરંતુ લદ્દાખના ગલવાન ક્ષેત્રમાં, ચીને બધી હદ ઓળંગી દીધી. ભારતના મનાઈ કરવા છતાં ચીને ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. બંને દેશો વચ્ચે કરાર હતો કે ગલવાનમાં શસ્ત્રોનો ઉપયોગ કરી શકાતો નથી, તેથી આ લડાઈ લાકડીઓ અને હાથોહાથ લડવામાં આવી હતી.
આ ઘટના 15 જૂન, 2020 ના રોજ બની હતી, જ્યારે અઠવાડિયાના તણાવ પછી ચીને પોતાનો અસલી રંગ દેખાડ્યો અને બફર ઝોનમાં એક ચોકી સ્થાપી. ભારતીય સૈનિકોએ વિરોધ કર્યો, જેના પરિણામે ગલવાન ખીણમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક રાત્રિના સમયે ચીને હુમલો કરી દીધો હતો.
શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચેના તાપમાનનમાં લડાઈ થઈ
ગલવાન ખીણ 14,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે, જ્યાં શૂન્યથી નીચે તાપમાનનો અનુભવ થાય છે. આ અથડામણમાં 20 ભારતીય સૈનિકોના મોત થયા હતા. અહેવાલો અનુસાર, કેટલાક સૈનિકો ઝડપથી વહેતી ગલવાન નદીમાં પડી ગયા, જે લગભગ 80 કિલોમીટર સુધી વહે છે અને માઇનસ 0 ડિગ્રી સેલ્સિયસથી નીચે તાપમાનમાં ઠંડીને કારણે મૃત્યુ પામ્યા હતા. છેલ્લા 45 વર્ષમાં ભારત અને ચીન વચ્ચેની આ સૌથી ભયંકર હિંસક અથડામણ હતી, જેનાથી ભારત અને ચીન વચ્ચેના સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા હતા.
આ પણ વાંચો: આદિવાસી યુવક હેલિકોપ્ટરમાં લગ્ન કરવા પહોંચ્યો તે કોને ખટક્યું?
આદિવાસી સમાજ સાથે શું સંબંધ છે?
ફિલ્મ Battle of Galwan ના ટીઝરમાં તમે સલમાનને “જય બિરસા મુંડા” ના નારા લગાવતા સાંભળ્યો હશે. આદિવાસી સમાજ માટે ભગવાન ગણાતા બિરસા મુંડાનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો? આ સવાલનો જવાબ એ છે કે, આ યુદ્ધની આગેવાની 16 બિહાર રેજિમેન્ટનું નેતૃત્વ કરનારા 37 વર્ષીય કર્નલ બિક્કુમલ્લા સંતોષ બાબુએ કર્યું હતું. આ યુદ્ધ લડતી વખતે તેઓ શહીદ થયા હતા. સલમાન ખાને સંતોષ બાબુની ભૂમિકાને જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આને તેમનું જીવનચરિત્ર ગણી શકાય નહીં. જોકે, સલમાન દ્વારા “જય બિરસા મુંડા” ના નારા લગાવવા પાછળનું કારણ સંતોષ બાબુના જન્મસ્થળને આભારી હોઈ શકે છે.
સંતોષ બાબુના જીવન પર બિરસા મુંડાનો પ્રભાવ
આશ્ચર્યની વાત એ છે કે, સંતોષ બાબુ આદિવાસી નહોતા, ન તો તેમના આદિવાસી હોવાનો કોઈ ઉલ્લેખ છે. તેમનો જન્મ ૧૩ ફેબ્રુઆરી, ૧૯૮૩ના રોજ આંધ્રપ્રદેશના સૂર્યાપેટમાં થયો હતો, જે હવે તેલંગાણાનો ભાગ છે. સૂર્યાપેટ તેલંગાણાનો એક એવો જિલ્લો છે જ્યાં લગભગ 12 ટકા વસ્તી આદિવાસી સમાજની છે. સંતોષ બાબુનો ઉછેર આદિવાસી સમાજ વચ્ચે થયો હતો, બિરસા મુંડાની બહાદુરીની વાર્તાઓ સાંભળીને તેઓ મોટા થયા હતા.
આ પણ વાંચો: Pa. Ranjith એ તમિલનાડુ સરકાર પર દલિતો મુદ્દે નિશાન સાધ્યું
યુવાનીમાં તેઓ ધરતી આબા બિરસા મુંડા જેવા યોદ્ધા બનવા માંગતા હતા. એટલે જ તેઓ સૈન્યમાં જોડાયા હતા. આદિવાસીઓના ભગવાન તરીકે ઓળખાતા બિરસા મુંડાના વ્યક્તિત્વનો તેમના પર જબરો પ્રભાવ પડ્યો હતો. તેમના વ્યક્તિત્વમાં બિરસા મુંડા એ હદે વણાઈ ચૂક્યા હતા કે, તેઓ બિરસા મુંડાને સતત યાદ કરતા રહેતા હતા.
20 શહીદોમાં આદિવાસી સૈનિકો પણ હતા
Battle of Galwan માં શહીદ થયેલા 20 સૈનિકોમાં બે ઝારખંડના પૂર્વ સિંહભૂમ જિલ્લાના રહેવાસી ગણેશ હંસદા અને બીજા ઓડિશાના મયૂરભંજ જિલ્લાના રહેવાસી સુબેદાર નંદુરામ સોરેન હતા. તે બંને આદિવાસી સમાજમાંથી આવ્યા હતા. શહીદ થયેલા 20 સૈનિકો અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા હતા અને દેશની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. સૈનિક માટે જાતિ, ધર્મ કે સમાજ અપ્રસ્તુત છે; એકમાત્ર વસ્તુ જે મહત્વ ધરાવે છે તે દેશનું રક્ષણ છે. જ્યારે પણ Battle of Galwan નો ઉલ્લેખ થશે, ત્યારે તેના વીર આદિવાસી સૈનિકોની બહાદુરીને યાદ કરાશે.
આ પણ વાંચો: બિરસા મુંડા કોણ હતા, શા માટે તેમને ‘ભગવાન’ કહેવામાં આવે છે?












