ચાણસ્મા: ગુજરાતમાં જ્યારે પણ દલિત સમાજની કોઈ વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર થવાનો પ્રયત્ન કરે છે, ત્યારે જાતિવાદી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા તેમને રોકવા માટે સામ, દામ અને દંડની નીતિ અપનાવવામાં આવતી હોય તેવા કિસ્સાઓ વારંવાર સામે આવે છે. આવો જ એક કિસ્સો પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં પ્રકાશમાં આવ્યો છે. અહીં મહેસાણાના વતની એવા એક શિક્ષિત અને સાહસિક દલિત મહિલા દીપાબેન વિક્રમભાઈ લેઉવાએ પોતાની વર્ષોની મહેનત અને મૂડી રોકીને પેટ્રોલપંપ શરૂ કર્યો હતો, પરંતુ આ પ્રગતિ જાતિવાદી તત્વોને આંખના કણાની જેમ ખૂંચી રહી હતી. આખરે આ શખ્સોએ દીપાબેન સાથે રૂ. 1.25 કરોડથી વધુની છેતરપિંડી આચરી તેમને પાયમાલ કરવાનો પ્રયાસ કર્યો છે.
દલિત મહિલા પેટ્રોલપંપ ચલાવતી તે ગમતું નહોતું
દીપાબેને વર્ષ 2017માં ચાણસ્માના પીંપળ ગામની સીમમાં ‘જુહી પેટ્રોલપંપ’ નામે વ્યવસાય શરૂ કર્યો હતો. એક દલિત મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે મેદાનમાં ઉતરે તે બાબત સામાજિક પરિવર્તનનું મોટું પ્રતીક હતું. જોકે, વ્યવસાયિક અનુભવ ઓછો હોવાને કારણે તેમણે ઝીલીયા ગામના અનિલ ઉર્ફે શૈલેષ બાબુભાઈ દેસાઈ પર અત્યંત વિશ્વાસ મૂકી તેને મેનેજર તરીકેની જવાબદારી સોંપી હતી. દીપાબેને અનિલને પોતાના પરિવારના સભ્યની જેમ માનીને બેંકના દસ્તાવેજો, સહી કરેલા કોરા ચેક અને વહીવટી સત્તા સોંપી હતી. આ વિશ્વાસ જ દીપાબેન માટે મોટો શ્રાપ સાબિત થયો, કારણ કે મેનેજર અનિલ અને તેના સાથીદારોની નજર દીપાબેનની મિલકત અને તેમના પેટ્રોલપંપના ટર્નઓવર પર હતી.

આ પણ વાંચો: તાંત્રિક વિધિની આડમાં 85 વર્ષની દલિત મહિલા પર રેપ કરાયો
મેનેજરે હિસાબમાં કરોડોના ગોટાળા કર્યા
મેનેજર અનિલ દેસાઈએ વર્ષ 2024 સુધીમાં અત્યંત ચાલાકીપૂર્વક હિસાબોમાં ગરબડ શરૂ કરી હતી. તેણે દીપાબેનને ગેરમાર્ગે દોરતા જણાવ્યું કે પંપ સતત નુકસાનમાં ચાલી રહ્યો છે. આ ખોટા નુકસાનની ભરપાઈ કરવા માટે દીપાબેને પોતાની અંગત બચત અને અલગ-અલગ લોન લઈને કુલ રૂ. 33.85 લાખ ધંધામાં નાખ્યા હતા. વાસ્તવમાં આ રકમ પણ મેનેજરે ચાઉં કરી લીધી હતી. જ્યારે દીપાબેનને શંકા ગઈ અને તેમણે બેંક સ્ટેટમેન્ટ્સની તપાસ કરી, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મેનેજર અનિલે પેટ્રોલપંપના ઓનલાઈન પેમેન્ટના રૂ. 74.48 લાખ સીધા પોતાના અંગત ખાતામાં જમા કરાવ્યા હતા. આ ઉપરાંત પંપના ખાતામાંથી રૂ. 33.80 લાખ પોતાના ભત્રીજા રવિકુમાર વિષ્ણુભાઈ દેસાઈ અને અન્ય મિત્રોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આમ, કુલ રૂ. 1,25,83,545ની મસમોટી છેતરપિંડી આચરી દીપાબેનને આર્થિક રીતે તોડી નાખવાનું ષડયંત્ર રચાયું હતું.

મહિલાને જાતિસૂચક અપશબ્દો કહી ધમકી આપી
જ્યારે દીપાબેને આ લૂંટનો હિસાબ માંગ્યો, ત્યારે જાતિવાદી માનસિકતા ધરાવતા તત્વોએ તેમને જાતિસૂચક અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓ રમેશ અમરત દેસાઈ, હમીર રમેશ અને રમેશ કાનજી નામના શખ્સોએ પેટ્રોલ પંપ પર પહોંચીને દીપાબેનને ઘેરી લીધા હતા અને દીપાબેનને તેમની જ્ઞાતિ પ્રત્યે હદધૂત કરી જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓનો રોષ સ્પષ્ટપણે એ વાત પર હતો કે એક દલિત મહિલા તેમની સમકક્ષ બનીને માલિક તરીકે કેમ કામ કરી શકે.
આ પણ વાંચો: દલિત યુવક બાકી રૂપિયા ન ચૂકવી શકતા મુર્ગા બનાવી માર માર્યો
પાંચેય શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
દીપાબેને હિંમત હાર્યા વગર ચાણસ્મા પોલીસ મથકમાં આ પાંચેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે BNS ની કલમ 316(4), 318(2), 351(3), 296(b), 54 અને એટ્રોસિટી એક્ટ(SC-ST ACT) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક પરેશ જયસુખલાલ રેણુકાને સોંપી છે. આ કેસ હવે માત્ર એક આર્થિક ગુનો નથી, પરંતુ સામાજિક ન્યાયની લડાઈ બની ગયો છે. શું દીપાબેનને તેમની લૂંટાયેલી રકમ પરત મળશે? શું જ્ઞાતિવાદી ધમકી આપનાર આરોપીઓ જેલના સળિયા પાછળ જશે? આ સવાલો અત્યારે સમગ્ર ચાણસ્મા પંથકમાં ચર્ચાઈ રહ્યા છે.
આ પણ વાંચો: બનાસકાંઠા શિહોરીમાં સમાધાનની બેઠકમાં બબાલ, 6 દલિતો લોહીલુહાણ











