Drugs in Gujarat: ગુજરાતમાં દારૂબંધીનો અસરકારક અમલ થઇ રહ્યો છે તેવો સરકાર દાવો કરી રહી છે પણ જે રીતે ડ્રગ્સનો જથ્થો પકડાઇ રહ્યો છે, તે જોતાં ગુજરાત જાણે ડ્રગ્સનું એન્ટ્રી પોઇન્ટ બની રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખુદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે એ વાતનો ખુલાસો કર્યો છે કે, છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાતમાંથી 91,453 કિલો ડ્રગ્સ ઝડપાયુ હતું. આ જોતાં પાછલા બારણે ગુજરાતમાં કેટલું ડ્રગ્સ પ્રવેશતું હશે અને કેટલું વેચાતું હશે તેની કલ્પના કરવી રહી.
કરોડો રૂપિયાનું ડ્રગ્સ ક્યાંથી આવ્યું તે સવાલ
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્રને માત્ર નામપુરતી રહી છે. સરકાર ભલે ડ્રગ્સમુક્ત ગુજરાતનો દાવો કરે પણ કડવી હકીકત એછેકે, ગુજરાતમાં જ મોટાપાયે ડ્રગ્સની હેરાફેરી થઇ રહી છે. ગુજરાતમાં દારૂ કરતાં ય ડ્રગ્સનું દૂષણ વકર્યુ છે. હજારો યુવાઓ ડ્રગ્સના આદી બન્યાં છે, પરિણામે એમડી ડ્રગ્સની ડિમાન્ડ વધી છે. જેના કારણે ગુજરાતમાં ડ્રગ્સ માફિયા સક્રિય થયાં છે. તેમાં રાજકીય આશ્રય મળતાં ડ્રગ્સનું ઠેર ઠેર વેચાણ થઇ રહ્યુ છે. ડ્રગ્સ માફિયાઓને ખાખીનો ડર રહ્યો નથી.
આ પણ વાંચો: ભીમ આર્મી ઉપાધ્યક્ષે ડ્રગ્સ વિરુદ્ધ અવાજ ઉઠાવતા મનુવાદીઓનો હુમલો
ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 15-20 હજાર કિલો ડ્રગ્સ પકડાય છે. આ તો બાતમી આધારે ડ્રગ્સ પકડાય છે. જ્યારે હજારો કિલો ડ્રગ્સ ખાખી અને ખાદીના આર્શિવાદને પગલે પ્રવેશે તેનો અંદાજ કરવો મુશ્કેલ છે. લોકસભામાં રજૂ થયેલાં રિપોર્ટ મુજબ, વર્ષ 2018થી વર્ષ 2022 સુધીમાં કુલ મળીને 91,435 કિલો ડ્રગ્સ ઝડપાયુ હતું.
ડ્રગ્સ મુદ્દે અનેક સવાલોનો જવાબ નથી મળી રહ્યો
જોકે, આ કરોડો રૂપિયાનું ડ્રગ્સ કોણે મોકલ્યું? ક્યાંથી આવ્યું? કોના માટે મોકલ્યું ? ડ્રગ્સનો જથ્થો ક્યાં જઇ રહ્યો હતો? આ બધાય પ્રશ્નોનો જવાબ મળી શક્યો નથી. ડ્રગ્સ માફિયાઓના તાર ક્યા શહેર-ગામડાના સ્થાનિક સાથે સંકળાયેલાં છે તેની પણ પોલીસને ભાળ મળી શકી નથી તે શંકા ઉપજાવે તેમ છે. કેમ કે, આખાય ગુજરાતમાં ડ્રગ્સના વેચાણ માટે સુવ્યવસ્થિત નેટવર્ક ગોઠવાયેલું રહ્યુ છે. કરોડો રુપિયાનું ડ્રગ્સ પકડાયું પણ ન તો ડ્રગ્સ માફિયા ઝડપાયાં, ન તો ડ્રગ્સ પેડલરો પકડાયાં.
આ પણ વાંચો: પોરબંદરના દરિયામાંથી રૂ. 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સનો જથ્થો પકડી સરકાર અને પોલીસ માત્ર વાહવાહી લૂંટી રહી છે પણ ડ્રગ્સના વેપારના મૂળીયા સુધી પહોચવામાં પોલીસનો પનો ટૂંકો પડ્યો છે.
ગુજરાતના યુવાનો દારૂ બાદ ડ્રગ્સના રવાડે ચડી રહ્યાં છે
મોઘવારી,બેરોજગારીને લીધે શિક્ષિત યુવા-મહિલાઓ પણ ડ્રગ્સ પેડલરની ભૂમિકામાં માત્ર પુરુષો જ નહીં, હવે મહિલાઓ પણ ડ્રગ્સ પેડલરો બની રહી છે. આ ઉપરાંત શિક્ષિત યુવાઓ પણ બેરોજગારીને લીધે ડ્રગ્સ વેચી ગુનાખોરીના માર્ગે વળ્યાં છે.
ડ્રગ્સનું દૂષણ વકરતાં શહેરો અને ગામડાઓમાં ડ્રગ્સ પેડલેરો સક્રિય થયાં છે જેના કારણે ખૂણેખાંચરે ડ્રગ્સ વેચાઇ રહ્યુ છે. હપ્તાને લીધે ડ્રગ્સ પેડલરો પણ ડર રહ્યો નથી. આ જોતાં હજારો યુવા ડ્રગ્સના બંધાણી બની ચૂક્યાં છે. હાલ ગુજરાતમાં કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે દારૂ-ડ્રગ્સ અને જુગાર સહિતના મુદ્દે માહોલ ગરમાયેલો છે ત્યારે આ આંકડાઓ હકીકત શું છે તેની ચાડી ખાઈ રહ્યાં હોય તેમ લાગે છે.
આ પણ વાંચો: બોલો લો! ગુજરાતમાં ગુંડાઓ કરતા પોલીસ સામે વધુ ફરિયાદ થઈ










